અંધકારભર્યો સિનેમાહૉલ માનવ-એકતાનું મોટું ઉદાહરણ છે : બીગ બી

Published: 21st November, 2014 05:00 IST

રજનીકાન્ત અને અમિતાભના હસ્તે ગોવામાં ૪૫મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું ઉદઘાટન
ભારતીય ફિલ્મજગતના મુઠ્ઠીઊંચેરા અભિનેતાઓ રજનીકાન્ત અને અમિતાભ બચ્ચન તેમ જ કેન્દ્રના ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અરુણ જેટલી, ગોવાના મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પાર્સેકર તથા તાજેતરમાં જ દેશના સંરક્ષણખાતાના પ્રધાન તરીકે અખત્યાર સંભળનારા મનોહર પર્રિકરની હાજરીમાં ઝાકઝમાળ અને ભવ્ય વાતાવરણમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)નો ગઈ કાલે ગોવામાં આરંભ થયો હતો.ગોવાની રાજધાનીમાં યોજાયેલા આ ૧૧ દિવસના IFFIમાં ૭૫ દેશોની ૧૭૯ ફિલ્મો જુદી-જુદી કૅટેગરીમાં પ્રદર્શિત કરવામાં આવશે. એમાં વર્લ્ડ સિનેમા (૬૧ ફિલ્મો), માસ્ટર સ્ટ્રોક્સ (૧૧ ફિલ્મો), ફેસ્ટિવલ કલાઇડોસ્કોપ (૨૦ ફિલ્મો), સોલ ઑફ એશિયા (૭ ફિલ્મો), ડૉક્યુમેન્ટરીઝ (૬ ફિલ્મો) અને ઍનિમેશન (૬ ફિલ્મો)નો સમાવેશ છે.


આ ફેસ્ટિવલમાં ભારતની બે ફિલ્મો સહિત આખા વિશ્વની ૧૫ ફિલ્મો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકૉક એવૉર્ડ માટે સ્પર્ધામાં છે.ઉદઘાટન-સમારંભમાં પ્રાસંગિક પ્રવચન કરતાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ‘અંધકારભર્યો સિનેમાહૉલ વિશ્વમાં માનવ-એકતાનું મોટું ઉદાહરણ છે. આપણે જ્યારે અંધકારભર્યા સિનેમાહૉલમાં બેસીએ ત્યારે આપણી બાજુમાં બેસતી વ્યક્તિની ન્યાત, જાતિ, ભાષા, ધર્મ વગેરે કંઈ પૂછતા નથી. આજે ઝડપથી વિખેરાતા જતા આ વિશ્વમાં તમને માનવ-એકતાનું આવું ઉદાહરણ ક્યાં મળશે?’અમિતાભ બચ્ચને અત્યંત ઇમોશનલ છતાં ભારતીય સિનેમાના આરંભ અને પ્રગતિ વિશે જાણકારી આપતી ઇન્ફર્મેટિવ સ્પીચમાં તાળીઓના ગડગડાટ વચ્ચે તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતા ‘હિંમત કરનેવાલોં કી હાર નહીં હોતી’ની પંક્તિઓનું પઠન કર્યું હતું. બચ્ચને પૉપ્યુલર સિનેમાની તરફેણમાં અનેક મુદ્દા જણાવતાં ઉમેર્યું હતું કે પૉપ્યુલર સિનેમાની ઘïણી મશ્કરી અને ટીકા કરવામાં આવે છે, એમ છતાં છેવટે આજે એ વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે.


અમિતાભની સાથે જ રજનીકાન્તને ‘સેન્ટેનરી અવૉર્ડ ફૉર ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર’ એનાયત કરનારા કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘ક્રિકેટ દેશનો ધર્મ છે તો ફિલ્મો દેશનો વૈકલ્પિક ધર્મ છે. એ આપણને મનોરંજન આપે છે, શિક્ષિત કરે છે, વિવિધ સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડે છે. ઊછરતા યુવા દિમાગને એમાંથી ઘણું જાણવા મળે છે. એના દ્વારા આપણને જબરદસ્ત ટૅલન્ટેડ વ્યક્તિઓ મળે છે. ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કૉર્પોરેટાઇઝેશનની આ તુલનમાં નવા પ્રવાહને લીધે એનું ભવિષ્ય વધુ ઊજળું બનશે.’ આ પ્રસંગના છેલ્લા સ્પીકર રજનીકાન્તે ટૂંકા પ્રવચનમાં અવૉર્ડ પોતાના હસ્તે એનાયત કરવા બદલ ‘મોટા ભાઈ’ અમિતાભ બચ્ચનનો આભાર માન્યો હતો અને અવૉર્ડને પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, ટેãક્નશ્યન્સ અને કરોડો ચાહકોને અર્પણ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK