ટીવી-કલાકારો ગૌરવ ચોપડા અને મૌની રૉયના પ્રેમપ્રકરણનો ધી એન્ડ

Published: 23rd August, 2012 05:46 IST

એક્સ-ગર્લફ્રેન્ડ નારાયણી શાસ્ત્રી સાથેની નિકટતા બની બ્રેક-અપનું મૂળ કારણ

ટીવીજગતની રિયલ લાઇફમાં જામી ગયેલી જોડીઓમાં ગૌરવ ચોપડા અને મૌની રૉયનાં નામ જાણીતાં છે, પણ હવે ખબર પડી છે કે આ જોડીના પ્રેમપ્રકરણનો અંત આવી ગયો છે અને બન્ને એકબીજાથી અલગ પડી ગયાં છે. તેમના મિત્રોને એવી ધારણા હતી કે તેઓ આ વર્ષે લગ્ન કરી લેવાનાં છે, પણ એના બદલે તેમણે અલગ પડવાનો નિર્ણય જાહેર કરીને બધાને આંચકો આપ્યો છે.

આ બ્રેક-અપ વિશે વાત કરતાં તેમનો એક કૉમન ફ્રેન્ડ કહે છે, ‘તેમના કૉમન ફ્રેન્ડ્સને તેમના સંબંધોનો અંત આવી ગયો છે એની છેલ્લા કેટલાક દિવસોથી ખબર હતી અને હવે ધીરે-ધીરે બીજા લોકોને પણ આની જાણ થવા લાગી છે. જોકે મૌનીએ આ મામલે ચૂપ રહીને કોઈ જાતની સ્પષ્ટતા ન કરવાનું વલણ અપનાવ્યું છે.’

ચર્ચા છે કે ગૌરવ અને મૌનીના બ્રેક-અપનું મૂળ કારણ ગૌરવની એક્સ-ગર્લફ્રેન્ડ નારાયણી શાસ્ત્રી છે. મૌની જ્યારે ગૌરવના જીવનમાં આવી હતી ત્યારે તેના અને નારાયણીના સંબંધોનો અંત આવી ગયો હતો, પણ એમ છતાં તેમના સંબંધો આજે પણ મજબૂત છે. આ મુદ્દે વાત કરતાં નારાયણીની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘નારાયણીએ હંમેશાં ગૌરવ સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હતો. તે ભલે કહેતી હોય કે તેના જીવનમાં બીજા પ્રેમીની હાજરી છે, પણ તે હજી પણ ગૌરવના જીવનનો હિસ્સો છે. ગૌરવ એક તરફ એમ જણાવે છે કે મૌની તેની ગર્લફ્રેન્ડ છે અને બીજી તરફ નારાયણી સાથે પણ તે એટલો જ નિકટ છે. મૌનીએ હંમેશાં નારાયણી સાથે સારું જ વર્તન કર્યું છે, પણ તે ગૌરવના આ ડબલ સ્ટાન્ડર્ડને સ્વીકારવા તૈયાર નથી. આ મુદ્દાને કારણે તેમની વચ્ચે હંમેશાં તકરાર થતી હતી અને એ જ તેમના બ્રેક-અપનું કારણ બન્યું.’

હાલમાં લાઇફ ઓકે ચૅનલ પર આવતા શો ‘મહાદેવ’માં મૌનીએ ભજવેલો સતીનો રોલ બહુ લોકપ્રિય થયો હતો અને એ સમયે તેની અને શિવ બનતા ઍક્ટર મોહિત રૈનાની અત્યંત ગાઢ મિત્રતા પણ ચર્ચાનો મુદ્દો બની હતી. જોકે શોમાંથી મૌનીની વિદાય થતાં જ આ તમામ ચર્ચાઓનો પણ અંત આવ્યો હતો. એ સમયે ગૌરવને મૌનીની તેની સહકલાકાર સાથેની ગાઢ મિત્રતા ખાસ પસંદ નહોતી પડી.

મૌનીનો એક સહકલાકાર કહે છે, ‘મૌની ઘણી વાર શોના સેટ પર મિત્રો સામે પોતાની સમસ્યા કહેતી વખતે રડી પડતી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના અને ગૌરવ વચ્ચે અણબનાવના પ્રમાણમાં ભારે વધારો થયો હતો અને તેમની વચ્ચે બહુ બોલાચાલી થતી હતી. હવે લાગે છે કે આખરે બન્નેએ એકબીજાથી અલગ થઈને પોતપોતાની રીતે જીવન જીવવાનો નિર્ણય લીધો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK