‘હિરોઇન’ માટે વિઘ્ન ઊભું કરશે વિઘ્નહર્તા?

Published: 18th September, 2012 06:33 IST

આ ફિલ્મની રિલીઝ વખતે ગણેશોત્સવની ઉજવણી થઈ રહી હોવાના લીધે બિઝનેસને વીસથી પચીસ ટકા અસર થવાની આશંકા
ફિલ્મમેકર મધુર ભંડારકર પોતાની આગામી ફિલ્મ ‘હિરોઇન’ને પોતાની કરીઅરની સૌથી મોટી ફિલ્મ માને છે. હાલમાં તેમણે પોતાની ફિલ્મની હિરોઇન કરીના કપૂર સાથે ફિલ્મના પ્રમોશન માટે સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી હતી, પણ હવે વિઘ્નહર્તા ગણપતિ જ તેમની ફિલ્મની સફળતામાં વિઘ્ન ઊભું કરે એવી સ્થિતિ ઊભી થઈ છે.

મધુરે આ ફિલ્મની રિલીઝ હિરોઇન કરીના કપૂરના જન્મદિવસે ૨૧ સપ્ટેમ્બરે રાખવાનું ગણતરીપૂર્વક આયોજન કર્યું હતું, પણ આ આયોજન વખતે તેઓ બીજા મહત્વના મુદ્દા પર ધ્યાન રાખવામાં થાપ ખાઈ ગયા. હકીકતમાં જે દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની છે એ દિવસોમાં જ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઉજવણી ચરમસીમાએ પહોંચવાની હોવાને કારણે ફિલ્મના બિઝનેસને અસર પહોંચે એવી શક્યતા છે, કારણ કે આ સમયે મોટા ભાગના લોકો ફિલ્મ જોવા જવાને બદલે તહેવારની ઉજવણી કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ સિવાય તાજેતરમાં રિલીઝ થયેલી ‘બર્ફી’ની સફળતા પણ ‘હિરોઇન’ના રસ્તા માટે અંતરાયરૂપ બની શકે છે.

આ મુદ્દે વાત કરતાં વિતરક રાજેશ થડાણી કહે છે, ‘તહેવારને કારણે ફિલ્મના બિઝનેસ પર અસર પડશે એ વાત તો બિલકુલ સાચી છે. જોકે જો ફિલ્મ સારી હશે તો ચોક્કસ લોકો એને જોવા જશે, પણ જો એ ગણેશોત્સવ વખતે રિલીઝ  ન થઈ હોત તો એના બિઝનેસ પર ચોક્કસ થોડી વધારે સારી અસર પડી હોત.’

એક્ઝિબિટર અક્ષય રાઠી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહે છે, ‘મહારાષ્ટ્રમાં ‘હિરોઇન’ના બિઝનેસ પર ગણેશોત્સવ, મહાલક્ષ્મી ઉત્સવ તેમ જ આજથી શરૂ થતા T20 વર્લ્ડ કપ જેવાં ત્રણ પરિબળોની બહુ અસર પડી શકે છે, કારણ કે ફિલ્મ જોવાનો જે દર્શકવર્ગ છે એનો બહુ મોટો હિસ્સો આ ત્રણ પરિબળોમાં રોકાઈ જશે. આના કારણે રાજ્યમાં ફિલ્મના બિઝનેસમાં વીસથી પચીસ ટકાનો ઘટાડો થઈ શકે છે. જોકે આ ફિલ્મે સારી આતુરતા જગાવી છે અને એટલે સારો બિઝનેસ કરી જ લેશે.’

શાહરુખ ખાન અને ગૌરી પરથી પણ છે ફિલ્મમાં પાત્રો

ફિલ્મમેકર મધુર ભંડારકર પોતાની ફિલ્મમાં રિયલ લાઇફ પરથી પ્રેરણા લઈને પાત્રો મૂકવા માટે જાણીતા છે. મળતી માહિતી પ્રમાણે ‘હિરોઇન’માં સંજય સૂરી અને રશ્મિ નિગમ જે ગ્લૅમરસ કપલની ભૂૂમિકા ભજવે છે એની પ્રેરણા શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરીની જોડી પરથી લેવામાં આવી હોવાની ચર્ચા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK