રજનીગંધા, છોટી સી બાત જેવી ફિલ્મોનાં સર્જક બાસુ ચેટર્જીનું 93 વર્ષની વયે નિધન

Updated: Jun 04, 2020, 13:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આજે બપોરે બે વાગે સાંતાક્રુઝના સ્માશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે

બાસુ ચેટર્જી
બાસુ ચેટર્જી

ખરેખર, 2020નું વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે બહુ દુ:ખદ સાબિત થઈ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માથે એક પછી એક દુ:ખના ડુંગરો તુટતા જ જાય છે. બુધવારે વરિષ્ઠ ગીતકાર અનવર સાગરના નિધન બાદ ગુરુવારે સવારે રૉમેન્ટિક ફિલ્મોના ભગવાન કહેવાતા ફિલ્મમેકર-ડાયરેક્ટર બાસુ ચેટર્જીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઉંમરને લગતી બિમારીઓને લીધે મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.

ફિલ્મમેકર અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડાયરેક્ટર્સ અસોસિએશનના પ્રમુખ અશોક પંડિતે ટ્વીટર પર તેમના નિધનના સમાચાર આપ્યા હતા. ટ્વીટમાં અશોક પંડિતે લખ્યું હતું કે, લેજન્ડરી ફિલ્મનિર્માતા બાસુ ચેટર્જીના નિધનના સમાચાર આપતા મને અત્યંત દુ:ખ થાય છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે બે વાગે સાંતાક્રુઝની સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.

બાસુ ચેટર્જી 'છોટી સી બાત', 'રજનીગંધા', 'બાતો બાતો મેં', 'એક રૂકા હુઆ ફૈસલા', 'ચમેલી' અને 'ચિતચોર' જેવી હીટ ફિલ્મો માટે જાણીતા છે. તેમણે માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ અનેક બંગાળી ફિલ્મો પણ ડિરેક્ટ કરી હતી. આ સિવાય તેમણે દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ 'બ્યોમકેશ બક્ષી' અને 'રજની' પણ ડિરેક્ટ કરી હતી.

મધુર ભંડારકર, ડાયરેક્ટર અશ્ચિનિ ચૌધરી, સુપર્ણા એસ વર્મા વગેરે સલેબ્ઝે ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો હતો.

બાસુ ચેટર્જીનો જન્મ 30 જાન્યુઆરી 1930ના રોજ અજમેરમાં થયો હતો. તેઓ પહેલા એવા ફિલ્મમેકર હતા જેમણે કલકત્તાની છાપથી જુદી ફિલ્મો બનાવી હતી. મધ્યમ વર્ગની પરિસ્થિતિને હસતા હસતા સમજાવતી રૉમેન્ટિક કૉમેડી ફિલ્મોએ તેમને ઈન્ડસ્ટ્રીમાં એક જુદુ જ સ્થાન આપ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK