રાસ્કલ્સ : હસાવવાના નામે હવાતિયાં

Published: 7th October, 2011 20:02 IST

આજકાલની જેટલી કૉમેડી ફિલ્મો આવી રહી છે એમાં એક વાત કૉમન જોવા મળે છે. ફિલ્મના પહેલા ટ્રેલરથી માંડી રિલીઝ નજીક આવે ત્યારે આવતા ડાયલૉગના ટ્રેલર્સ સુધીમાં ઘણી આકર્ષક લાગે એવી કૉમેડી બતાવી દેવામાં આવતી હોય છે અને હકીકતમાં જ્યારે ફિલ્મ જોવા જઈએ ત્યારે એ ટીવી કે ઇન્ટરનેટ પરના પ્રોમોમાં જોયેલી કૉમેડી જ તમને આખી બે કે અઢી કલાકની ફિલ્મ દરમ્યાન હસવા જેવી લાગશે, બાકી તો હસાવવાના નામે હવાતિયાં મારી રહ્યા હો એવો અનુભવ થશે.

 

 

Rating :

 

સંજય અને અજયની સારી કેમિસ્ટ્રી હોવા છતાં રાસ્કલ્સને કૉમેડી બનાવવાના ખૂબ જ ઓછા સફળ પ્રયાસો થયા છે


ગઈ કાલે રિલીઝ થયેલી ‘રાસ્કલ્સ’ પણ આવું જ એક ઉદાહરણ છે. જો ટીવીના પ્રોમો જોઈ લીધા હોય અને કૉમેડી ફિલ્મની આશા હોય, તો નિરાશ થશો. ડેવિડ ધવનની ફિલ્મ છે એટલે એક વાત તો સ્વાભાવિક સમજી જ લેવાની કે વિચારવાની હિંમત તેની ફિલ્મ જોતાં-જોતાં નહીં કરવાની. આ ડિરેક્ટરની ફિલ્મ હસતાં-હસતાં બે કલાક ટાઇમપાસ કરાવવામાં સફળ થાય છે કે નહીં એના પરથી દર્શકને ફિલ્મ ગમશે કે નહીં એ નક્કી થતું હોય છે. ભૂતકાળમાં તેમણે અગણિત એવી ફિલ્મો બનાવી છે જે આજે પણ ટીવીચૅનલો પર આવતી હોય તો જોવા બેસી જવાતું હોય છે, પણ ‘રાસ્કલ્સ’ એનું ઉદાહરણ નથી.

ચેતન ચૌહાણ (સંજય દત્ત) અને ભગત ભોસલે (અજય દેવગન) ભારતમાં લોકોને ઠગવાનું કામ કરે છે, પણ તેમનાથી ભૂલ એ થાય છે કે તેઓ ઍન્થની (અજુર્ન રામપાલ) નામના ગૅન્ગસ્ટરને પણ પોતપોતાની રીતે ચૂનો લગાવે છે. પાર્ટનર્સ ન હોવા છતાં તેઓ ઍન્થનીથી બચીને એક જ શહેર બૅન્ગકૉકમાં આવી જાય છે અને પોતાનું કામ આ શહેરમાં શરૂ કરે છે. જોકે બન્ને મલ્ટી-મિલ્યનેર ખુશી (કંગના રનૌત) સાથે પ્રેમમાં પડે છે અને તેને મેળવવાની મહેનત શરૂ થાય છે. બેમાંથી કોણ સફળ થશે કે પછી કોઈ નવો જ ટ્વિસ્ટ બહાર આવશે?

એક રીતે જોઈએ તો આ સ્ટોરીલાઇન અનિલ કપૂર-ગોવિંદાની ‘દીવાના મસ્તાના’થી મળતી આવતી લાગે, પણ ‘રાસ્કલ્સ’ આ ફિલ્મની કૉપી નથી. ફિલ્મમાં ઘણું અલગ છે. (અને એ જ બદનસીબી છે!) ડેવિડ ધવનની ફિલ્મોનો એક ચોક્કસ ચાહકવર્ગ હજી છે અને તેમને આ ફિલ્મ પસંદ પડે તો નવાઈ નહીં હોય. ફિલ્મમાં અમુક જોક્સ અને વન-લાઇનર્સ સાચે જ સારા છે, પણ એક આખી ફિલ્મને ટકાવી રાખવા એ પૂરતા નથી. સંજુ-અજયની કેમિસ્ટ્રી ઘણી સારી બતાવવામાં આવી છે અને એ કારણે જ ફિલ્મ કંટાળાજનક હોવા છતાં ઍટલીસ્ટ જોવાલાયક તો બની જ રહે છે.

ફિલ્મમાં મુખ્ય રાઇટર અને ડિરેક્ટરે એક મુદ્દો નજરઅંદાજ કયોર્ છે કે સ્ટોરીમાં કંઈ ખાસ ન હોવાને લીધે બધી જવાબદારી કૉમિક-સીક્વન્સ પર રહેલી છે. સંજય દત્ત અને અજય દેવગનની લેવલના કલાકારને કોઈ પણ અઘરી સીક્વન્સ કરવાની કહેવામાં આવે તો હવે કૉમેડીમાં બન્ને એટલા અનુભવી છે કે તેઓ આસાનીથી એને પાર પાડી દે. જોકે ફિલ્મમાં આ બેમાંથી કોઈ કલાકારની પૂરતી ક્ષમતાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. સંગીત પણ ઘણું નબળું છે અને બધાં ગીતો આખેઆખાં ફિલ્મમાં રાખવામાં આવ્યાં છે.

સંજુ-અજય બન્ને પોતાના રોલને પૂરતો ન્યાય આપે છે. મોટા ભાગના સારા વન-લાઇનર્સ અજયના ભાગે ગયા છે અને તેનો પફોર્ર્ર્મન્સ ડૂબતાને તણખલું ઝાલવા સમાન બની રહ્યો છે. કંગના રનૌત અને લિસા હેડન ફિલ્મમાં પોતે કેટલા સુંદર અને સેક્સી છે એ બતાવવા આવ્યાં છે. અજુર્ન રામપાલનો ગૅન્ગસ્ટરનો રોલ કન્ફ્યુઝ રીતે લખવામાં આવ્યો છે, છતાં અજુર્ન પોતાનાથી બનતી મહેનત કરે છે. ચંકી પાન્ડે સારો પફોર્ર્મન્સ આપે છે.

‘રાસ્કલ્સ’ એવી ફિલ્મનું ઉદાહરણ છે જેને જોઈને ટાઇમપાસ પણ માંડ-માંડ થશે, તો કૉમેડી ફિલ્મ જોવાનો સંતોષ મેળવવો શક્ય નહીં રહે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK