ફિલ્મ પ્રિવ્યુ : pk

Published: 18th December, 2014 03:19 IST

‘મુન્નાભાઈ MBBS’, ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી કમર્શિયલી સુપરહિટ અને એમ છતાં પૂરેપૂરી વૈચારિક ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર રાજકુમાર હીરાણીની ફિલ્મ `pk’માં આમિર ખાન, અનુષ્કા શર્મા, સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત, બમન ઈરાની અને સૌરભ શુક્લા છે. ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલ, શાંતનુ મોઇત્રા અને અંકિત તિવારીએ આપ્યું છે. ફિલ્મ પીકે નામના એક એવા માણસની આસપાસ ફરે છે જેને જોઈને ગુસ્સો આવે છે, ખીજ ચડે છે, ચીડ ચડે છે અને એ બધાની સાથોસાથ પીકેના નિર્દોષ વર્તન પર પારાવાર પ્રેમ પણ ઊપજે છે.
`pk’ની સ્ટોરી સહેજ પણ લીક ન થાય એની ચીવટ રાખવામાં આવી છે. જોકે એ વાતને સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે આ ફિલ્મ ભગવાન અને ભગવાનને વેપાર બનાવી દેનારા લોકોને ખુલ્લા પાડવાના વિષય પર આધારિત છે. રાજસ્થાનના એક નાનકડા ગામમાં એક દિવસ અચાનક જ એક માણસ આવે છે. તેનું નામ શું છે એ કોઈને ખબર નથી, પણ તેની હરકત એ પ્રકારની છે કે બધાને એવું જ લાગે છે કે તે પિયક્કડ એટલે કે દારૂ પીધેલો છે. બસ, બધા તેને પીકે (આમિર ખાન)નું સંબોધન આપી દે છે. પીકે સાવ નિર્દોષ છે. તે બધાને એક જ વાત પૂછ્યા કરે છે કે તેમણે ભગવાનને જોયા છે કે નહીં?

પીકેને દુનિયાદારી સાથે કંઈ નિસ્બત નથી. તેને કોઈની પરવા નથી. કેવાં કપડાં પહેરાય અને કેવી રીતે રહેવાય એની પણ તેને ગતાગમ નથી. પીકે ગ્રીન પૅન્ટ પર રેડ શર્ટ પહેરીને પણ ફરે છે અને શરીર ઢાંકવા માટે બૈરાંઓનો ચણિયો પણ ચડાવી લે છે. સાવ નિર્દોષ એવા પીકેને કેટલાક લોકો દારૂડિયો માને છે તો કેટલાક તેને ગાંડો પણ ધારી લે છે. કેટલાકને મન પીકે માનસિક રીતે વિકૃત પણ છે તો કેટલાક વળી આ પીકેને પરગ્રહવાસી પણ ધારી લે છે. છે કોણ આ પીકે? ક્યાંથી આવ્યો છે આ પીકે અને શું કરવા આવ્યો છે આ પીકે? પીકેને પોતાની ઓળખાણ આપવામાં કોઈ રસ નથી, તેનું તો બસ એક જ કામ છે ભગવાનને શોધવાનું અને ભગવાનનું ઍડ્રેસ મળે તો તેમને મળવાનું. ભગવાનની શોધમાં નીકળેલા આ પીકેનો કેટલાય ગેરલાભ લે છે અને કેટલાય લાભ પણ ઉઠાવે છે. જોકે પીકે પોતાની મકસદ પર કાયમ રહે છે. ભગવાનની શોધમાં નીકળેલા પીકેના શરીર પર એક તબક્કે જગતભરના ભગવાનોનો સામાન આવી જાય છે. માળા, રુદ્રાક્ષ, કિરપાણ, ત્રિશૂળ, ટોપી, તિલક બધું કરી લીધા પછી પણ તેની ભગવાનની શોધ અકબંધ રહે છે. ફિલ્મ `pk’માં એ જ વાતને ઉપસાવવામાં આવી છે કે ભગવાન છે તો તે ક્યાં છે અને તે ભગવાન સુધી પહોંચવું કઈ રીતે?

આવું નામ?

રણછોડદાસ શ્યામળદાસ ચાંચડ, ફેંશુક વાંગડુ અને સર્કિટ નામો યાદ છેને? ડિરેક્ટર રાજકુમાર હીરાણીનાં કૅરૅક્ટરનાં નામ તેમની ફિલ્મ જેવાં જ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને કહેવાય છે કે `pk’માં પણ રાજુએ એવાં જ ઇન્ટરેસ્ટિંગ નામો કૅરૅક્ટરને આપ્યાં છે. ફિલ્મનું નામ ‘pk’ છે. આ નામ આમિર ખાનના કૅરૅક્ટરનું છે. પીકેનું ફુલ ફૉર્મ પુનમિયા કૌશલ છે એવું કહેવામાં આવે છે. ફિલ્મમાં અનુષ્કા શર્માનું નામ પણ ઇન્ટરેસ્ટિંગ છે, જગતજનની.

કૅરૅક્ટર માટે શું-શું કર્યું આમિરે?


પીકેના કૅરૅક્ટરની કેટલીક ખાસિયત ઊભી કરવામાં આવી છે. પીકે બનેલા આમિર ખાને શૂટિંગ દરમ્યાન દરરોજ સો જેટલાં પાન ખાવા પડતાં હતાં. ખાવામાં આવેલા એ પાનને કારણે એવું બનતું કે આમિરના મોઢામાં ચાંદાં પડી ગયાં અને તે દૂધ સિવાય બીજું કંઈ ખાઈ પણ નહોતો શકતો. જોકે આમિરે એ પછી પણ કોઈ ફરિયાદ નહોતી કરી.

ફિલ્મમાં પીકે બનેલા આમિર ખાને એક પણ વખત આંખ પટપટાવી નથી. મોટી ફાટેલી આંખે જ તે જોતો રહેતો. માનવામાં નહીં આવે, પણ ખુદ ડિરેક્ટર રાજકુમાર હીરાણી કહી ચૂક્યા છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન આમિર ખાનથી ભૂલમાં આંખની પાંપણ પટપટાવાય ગઈ હોય અને સીન ફરીથી શૂટ કરવો પડ્યો હોય એવું ત્રણસોથી વધુ વખત બન્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK