Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દો ગજ સહી યે મેરી મિલ્કિયત તો હૈ અય મૌત તુને મુઝે ઝમીંદાર તો કર દિયા

દો ગજ સહી યે મેરી મિલ્કિયત તો હૈ અય મૌત તુને મુઝે ઝમીંદાર તો કર દિયા

12 August, 2020 10:44 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દો ગજ સહી યે મેરી મિલ્કિયત તો હૈ અય મૌત તુને મુઝે ઝમીંદાર તો કર દિયા

રાહત ઇન્દોરી

રાહત ઇન્દોરી


 ‘મર્ડર’, ‘જુર્મ’, ‘ઇશ્ક’, ‘ઘાતક’, ‘સર’થી લઈને સંજય દત્તની કરીઅરની સુપરહિટ ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને મૅરેજ પછીની વિદ્યા બાલનની કમબૅક ફિલ્મ ‘બેગમ જાન’ જેવી ફિલ્મોના ગીતકાર અને દેશના ખ્યાતનામ ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનો ગઈ કાલે ઇન્તકાલ થયો. રાહત ઇન્દોરી ઇન્દોર યુનિવર્સિટીમાં ઉર્દૂ શાયરીના પ્રોફેસર હતા. શાયરી માટે તે કહેતા, ‘શ્વાસ લેવાનું હું ચૂકી શકું, શાયરી કર્યા વિના મારાથી રહી ન શકાય.’

વાત તેમની બિલકુલ સાચી હતી. ગઈ કાલે સવારે તેમને ઇન્દોરની ઑરોબિન્દો હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા. તેમને કોવિડ પૉઝિટિવ આવ્યા પછી વહેલી સવારે દાખલ કરવામાં આવ્યા. ત્યાં પણ તેમણે સૌથી પહેલું કામ કાગળ-પેન માગવાનું કર્યું હતું. રાહત ઇન્દોરીએ આપણી વચ્ચેથી વિદાય થયા એ પહેલાં તેમણે હૉસ્પિટલમાં પણ એક રચના લખી હતી એવું હૉસ્પિટલના સ્ટાફનું કહેવું છે. કોરોનાકાળમાં રાહત ઇન્દોરી મોટા ભાગે ઘરમાં રહેતા હતા. ઘરમાં તે પોતાના દસમા પુસ્તકની તૈયારીઓ કરતા હતા. તેમનાં ઑલરેડી નવ પુસ્તકો પ્રકાશિત થઈ ગયાં હતાં. તે હંમેશાં મજાકમાં એવું કહેતા, પુસ્તકો તૈયાર કરવાનું કામ એ જ કરે જેની પાસે બહાર જઈને કરવા માટે કોઈ કામ ન હોય. જાણીતા કવિ મુકુલ ચોકસી કહે છે, ‘રાહત ઇન્દોરી વર્તમાન અને વાસ્તવિકતાના શાયર હતા. વાસ્તવિકતાને તેમણે ક્યારેય છોડી નહોતી, તેમના કોઈ પણ શૅર તમે સાંભળો તો તમને એવું જ લાગે કે એ હમણાં જ લખાયા છે.’



રાહત પણ આ વાત સ્વીકારતા. કહેતા કે જેણે મધ્યમ વર્ગની હાડમારી જોઈ હોય તે ક્યારેય ગુલાબના ફૂલની વાતો તેની શાયરીમાં ન કરે. મેં હાડમારી જોઈ છે અને એ હાડમારીએ જ મને શાયર બનાવ્યો છે.


રફતઉલ્લાહ કુરેશી અને મકબુલ બેગમના ચોથા સંતાન એટલે રાહત ઇન્દોરી. ઇન્દોર શહેર માટે તેમને જબરદસ્ત લગાવ હતો એટલે તેમણે પોતાનું તખલ્લુસ ‘ઇન્દોરી’ રાખ્યું, જે સમય જતાં તેમની ઓળખ બની ગયું. લોકો મોટા ભાગે પોતાનું નામ બદલતા હોય છે, પણ જૂજ લોકોને ખબર છે કે રાહત ઇન્દોરીએ વીસેક વર્ષ પહેલાં પોતાની અટક બદલીને કુરેશીને બદલે ઇન્દોરી કરી નાખી હતી. રાહત ઇન્દોરીના પપ્પા મિલ વર્કર હતા એટલે ટૂંકી આવક અને યુનિયનની દાદાગીરી તેમણે નજીકથી જોઈ હતી. રાહત ઇન્દોરી કહેતા, ‘જે સમયે પરી અને ચૉકલેટની વાતો કરવાની હોય, જે સમયે ગુબ્બારા અને રંગોની વાતો કરવાની હોય એ સમયે હું ક્યાંથી પૈસા બચે અને ક્યાંથી કમાણી કરી શકાય એની વાતો કરતો. મારી એ વાતો સમય જતાં શાયરાના અંદાઝમાં પછી શાયરીમાં આવવાની શરૂ થઈ.’

રાહત ઇન્દોરી છેલ્લાં ચાલીસેક વર્ષથી દેશ-વિદેશમાં મુશાયરા અને કવિ સંમેલનો કરતા. હિન્દીના પ્રખર કવિ કુમાર વિશ્વાસ કહે છે, ‘રાહતજી મુશાયરામાં હોય એટલે તે અમારા બધાની તાળીઓથી વધારે તાળીઓ લઈ જાય. તેમની હાજરી માત્ર અમારા બધાનું ટેન્શન હળવું કરી નાખે. ઉંમરમાં તે અમારાથી મોટા પણ અમને ક્યારેય તેમની ઉંમરનો ભાર લાગ્યો નથી. એવું જ લાગે જાણે કે હમઉમ્ર સાથે અમે બેઠા છીએ.’


રાહત ઇન્દોરી દેશના પહેલા એવા શાયર હતા જેમને ટીવી-શોમાં બોલાવવામાં આવતા હતા. ૨૦૧૭માં તેમને ‘ધ કપિલ શર્મા શો’માં બોલાવવામાં આવ્યા તો ૨૦૧૯માં સબ ટીવીના શો ‘વાહ વાહ, ક્યા બાત હૈ’ માટે પણ તેમને ખાસ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. રાહત ઇન્દોરીને બૉલીવુડમાં લાવવાનું શ્રેય જો કોઈને આપવું પડે તો એ પ્રોડ્યુસર-ડિરેક્ટર મહેશ ભટ્ટ અને મ્યુઝિક-ડિરેક્ટર અનુ મલિકને. મહેશ ભટ્ટને રાહત ઇન્દોરીની શાયરી ખૂબ ગમતી હોવાથી તેમણે રાહત ઇન્દોરીની રચના પરથી અનુ મલિકને મ્યુઝિક આપવા માટે તૈયાર કર્યા અને આમ રાહત ઇન્દોરીની બૉલીવુડ સફર શરૂ થઈ. ગીતકાર રાહત ઇન્દોરીની પહેલી ફિલ્મ હતી ‘જનમ’, જે મહેશ ભટ્ટ અને પરવીન બાબીની રિલેશનશિપ પર આધારિત હતી અને ઝી ટીવી પર એનો પ્રીમિયર શો થયો હતો. ‘જનમ’ પછી પણ ત્રણેક વર્ષ સુધી રાહત પોતાની જૂની રચનાઓ જ ગીત સ્વરૂપે આપતા હતા, પણ સમય જતાં તેમણે ફિલ્મની ડિમાન્ડ મુજબ ગીતો લખવાનું પણ શરૂ કર્યું જે યાત્રા છેક ૨૦૧૭ સુધી ‘બેગમ જાન’ ફિલ્મ સુધી ચાલી. પણ એમ છતાં પણ કહેવું હોય તો કહી શકાય કે ૧૯૯૨થી ૨૦૦પ સુધી રાહતની બૉલીવુડમાં માગ પુષ્કળ રહી. ‘મિશન કશ્મીર’નું સુપરહિટ સૉન્ગ બુમરો, બુમરો... ગીત હમણાં રીમેક થયું એ સમયે રાહત ઇન્દોરીએ કહ્યું હતું, ‘શાયર અને શાયરી આમ જ હવામાં જીવતાં રહેશે. બસ, તેને ક્રેડિટ આપવાનું ચાલુ રાખવામાં આવે તો.’

૨૦૦પ પછી રાહત પાસે એવાં ગીતો લખવાની ઑફર આવતી જેમાં ભાષાનું ઔચિત્ય જળવાતું નહોતું એટલે રાહતે સ્વૈચ્છિક રીતે જ નિવૃત્તિ લઈ લીધી. જોકે એમ છતાં તેમનાં વીસથી વધુ ગીતો આજે પણ ફિલ્મોમાં વપરાયા વિના મ્યુઝિક-ડિરેક્ટર પાસે અકબંધ છે જે ભવિષ્યમાં ક્યારે પણ સાંભળવા મળી શકે છે. રાહતે કહ્યું છે એમ, શાયર અને શાયરી આમ જ હવામાં જીવતાં રહેશે. બસ, તેને ક્રેડિટ આપવાનું ચાલુ રાખવામાં આવશે તો...

રાહતના કેટલાક જાણીત શેર:

મૈં જબ મર જાઉં, મેરી અલગ પહચાન લિખ દેના

લહુ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

 

હમસે પહલે ભી મુસાફિર કંઈ ગુઝરે હોંગે

કમ સે કમ રાહ કે પથ્થર તો હટાતે જાતે

 

શાખોં સે ટૂટ જાયે વો પત્તે નહીં હમ

આંધી સે કહ દે કોઈ કે વો ઔકાત મેં રહે

 

આંખ મેં પાની રખો હોઠોં પે ચિનગારી રખો

ઝિંદા રહના હૈ તો તરકીબેં બહુત સારી રખો

 

બહુત ગુરુર હૈ દરિયા કો પને હોને પર

જો મેરી પ્યાસ સે ઉલઝે તો ધજ્જિયાં ઉડ જાયે

 

રોજ તારોં કે નુમાઇશ મેં ખલલ પડતા હૈ

ચાંદ પાગલ હૈ અંધેરે મેં નિકલ પડતા હૈ

 

વો ચાહતા થા કે કાસા ખરીદ લે મેરા

મૈં ઉસ કે તાજ કી કીમત લગા કે લૌટ આયા

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2020 10:44 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK