ડ્રગ્સને લઈને આખા બૉલીવુડને એક નજરે ન જુઓ: અક્ષયકુમાર

Published: 4th October, 2020 17:17 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

વિડિયોમાં અક્ષયકુમાર કહી રહ્યો છે કે ‘આજે ભારે દિલથી તમારી સાથે વાત કરી રહ્યો છું'

અક્ષયકુમાર
અક્ષયકુમાર

અક્ષયકુમારે ઘણા દિવસથી ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચાર જણાવ્યા છે. અક્ષયકુમારે તાજેતરમાં ‘બેલ બૉટમ’નું શૂટિંગ પૂરું કર્યું છે.

ઇન્ડસ્ટ્રીને લઈને જેકોઈ ચર્ચા ચાલી રહી છે એને લઈને તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો-ક્લિપ શૅર કરી છે. એ વિડિયોમાં અક્ષયકુમાર કહી રહ્યો છે કે ‘આજે ભારે દિલથી તમારી સાથે વાત કરી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસથી અનેક વાતો તમારી સાથે શૅર કરવાનું વિચારી રહ્યો હતો. જોકે બધી બાજુએ નેગેટિવિટી ફેલાયેલી છે. સમજમાં નહોતું આવતું કે શું કહું, કોને કહું અને કેટલું કહું. અમે ભલે સ્ટાર્સ તરીકે ઓળખાતા હોઈએ, પરંતુ બૉલીવુડને તમે તમારા પ્રેમથી ઊભી કરી છે. અમે ફિલ્મો દ્વારા આપણા દેશની સંસ્કૃતિને અને મૂલ્યોને દુનિયાના વિવિધ ખૂણામાં પહોંચાડી છે. જ્યારે-જ્યારે દેશની જનતાની લાગણીની વાત આવી, તમે જે પણ અનુભવી રહ્યા હો એને આટલાં વર્ષોથી  ફિલ્મોના માધ્યમથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. પછી એ બેરોજગારી હોય, ગરીબી હોય કે પછી ભ્રષ્ટાચાર હોય. એ બધા મુદ્દાઓને અમે સિનેમામાં દેખાડવાનો પ્રયાસ કર્યો છે. એવામાં જો તમારી અંદર કોઈ બાબતને લઈને રોષ હોય તો એને અમે શિરોમાન્ય રાખીએ છીએ. સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ અનેક મુદ્દાઓ ઉજાગર થયા છે, જેણે અમને એટલું જ દુઃખ આપ્યું જેટલું તમને થયું છે. આ મુદ્દાઓએ અમને આત્મમંથન કરવા વિવશ કર્યા છે. ઇન્ડસ્ટ્રીની અનેક ખામીઓ પર ધ્યાન દોરવા પર મજબૂર કર્યા છે. એના પર ધ્યાન આપવું પણ ખૂબ જરૂરી છે, જેમ કે નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિશેની આજે વાતો થઈ રહી છે. હું દિલ પર હાથ રાખીને કહેવા માગું છું કે હું કઈ રીતે ખોટું બોલું કે આવું નથી થતું. આવું તો દરેક પ્રોફેશનમાં થાય છે. જોકે એવું નથી કે  એમાં દરેક વ્યક્તિ સંડોવાયેલી હોય, એવું ન બની શકે. ડ્રગ્સ લીગલ મૅટર છે અને મને આપણી કાયદા-વ્યવસ્થા, ઑથોરિટી અને કોર્ટ જે પણ ઍક્શન લેશે એના પર પૂરો વિશ્વાસ છે. હું એ વાત પણ જાણું છું કે ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિ તેમને સાથ-સહકાર આપશે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આખી ઇન્ડસ્ટ્રીને એક નજરે ન જુઓ. આ અયોગ્ય છે. સાથે જ મને પર્સનલી મીડિયાની તાકાત પર પણ પૂરો ભરોસો છે. આપણું મીડિયા જો યોગ્ય મુદ્દાઓ પર યોગ્ય સમયે પ્રકાશ ન પાડે તો કદાચ અનેક લોકોને ન તો વાચા મળશે, ન તો ન્યાય. હું મીડિયાને દિલથી અપીલ કરવા માગું છું કે એ પોતાનો અવાજ ઉઠાવે અને પોતાનું કામ પણ ચાલુ રાખે, પરંતુ થોડું સમજીવિચારીને, કેમ કે એક નેગેટિવ ન્યુઝ કોઈ એક વ્યક્તિની વર્ષોની મહેનત તેની છબિને એકઝાટકે ખરાબ કરી દેશે. અંતે બધા ફૅન્સને એ જ મેસેજ આપવા માગું છું કે તમે જ તો અમને બનાવ્યા છે. તમારો વિશ્વાસ જવા નહીં દઈએ. જો તમને નારાજગી હોય તો અમે વધુ મહેનત કરીશું અમારી ખામીઓને દૂર કરવા માટે. તમે છો તો અમે છીએ. બસ સાથ આપતા રહેજો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK