...તો ધર્મેન્દ્ર ઝંજીર ફિલ્મના હીરો તરીકે જોવા મળ્યા હોત

Published: Feb 12, 2020, 12:46 IST | Ashu Patel | Mumbai

ધર્મેન્દ્રને ઝંજીર કરતાં સમાધિની સ્ક્રિપ્ટ વધુ પાવરફુલ લાગી હતી એટલે તેમણે સમાધિની સ્ક્રિપ્ટ સામે ઝંજીરની સ્ક્રિપ્ટ આપી દીધી હતી!

ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર

સલીમ-જાવેદે લખેલી ‘ઝંજીર’ ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મેન્દ્રએ ખરીદી હતી. તેઓ એ સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા, પણ તેમને ખબર પડી કે પ્રકાશ મહેરા પાસે ડબલ રોલવાળી એક સરસ ફિલ્મ તૈયાર છે એટલે તેમણે પ્રકાશ મહેરા પાસે ‘ઝંજીર’ના બદલામાં એ ફિલ્મની સ્ક્રિપ્ટ માગી. પ્રકાશ મહેરા તરત તૈયાર થઈ ગયા, કારણ કે ‘સમાધિ’ ફિલ્મ ડિરેક્ટ કરવાની તક પણ તેમને મળી રહી હતી.

ધર્મેન્દ્રએ પ્રોડ્યુસર્સ ભગવત સિંઘ અને જી. એલ. ખન્નાને કહીને ‘સમાધિ’ ફિલ્મનું ડિરેક્શન પ્રકાશ મહેરાને અપાવ્યું. ‘સમાધિ’ ૧૯૭૨માં રિલીઝ થઈ હતી. એનું મ્યુઝિક આર. ડી. બર્મને આપ્યું હતું અને એમાં ધર્મેન્દ્રએ પિતા-પુત્રનો ડબલ રોલ કર્યો હતો (એ ફિલ્મમાં પિતાના રોલમાં તેમની સામે હિરોઇન તરીકે આશા પારેખ હતાં અને પુત્રના રોલમાં તેમની સાથે હિરોઇન તરીકે જયા ભાદુરી હતાં. એ ફિલ્મનું ‘બંગલે કે પીછે તેરી બેરી કે નીચે...’ ગીત સુપરહિટ સાબિત થયું હતું. એ ફિલ્મ પણ હિટ સાબિત થઈ હતી. એ ફિલ્મ પછી તેલુગુમાં ‘નિન્દુ મનીષી’ નામે ૧૯૭૮માં બની હતી).

જોકે ધર્મેન્દ્રને ચોક્કસ અફસોસ થયો હશે કે તેમણે ‘ઝંજીર’ ફિલ્મ જતી કરી. પ્રકાશ મહેરાને ઘણા બધા ટોચના અભિનેતાએ ‘ઝંજીર’ ફિલ્મ સાઇન કરવાની ના પાડી દીધી હતી. એ પછી પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચનને લઈને ‘ઝંજીર’ બનાવવાની તૈયારી શરૂ કરી. એ વખતે કોઈ ફાઇનૅન્સર કે ડિસ્ટ્રિબ્યુટર તેમને મદદ કરવા તૈયાર નહોતા, પણ પ્રકાશ મહેરાને અમિતાભ પર વિશ્વાસ બેસી ગયો હતો અને તેમણે અમિતાભ બચ્ચનને લઈને એ ફિલ્મ બનાવી.

પ્રકાશ મહેરાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘ધર્મેન્દ્રએ ‘ઝંજીર’ ફિલ્મની સ્ક્રિપ્ટ સલીમ-જાવેદ પાસેથી ખરીદી હતી, પણ એ દરમ્યાન ધર્મેન્દ્રને ખબર પડી કે હું પંડિત મુખરામ શર્માએ લખેલી ‘સમાધિ’ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છું. ધર્મેન્દ્રને એ સ્ટોરી-આઇડિયા ખૂબ જ પસંદ પડી ગયો અને તેમણે મને ઑફર કરી કે સ્ક્રિપ્ટ મને આપી દો અને હું બદલામાં તમને ‘ઝંજીર’ની સ્ક્રિપ્ટ આપી દઉં છું. મેં એ ઑફર સ્વીકારી લીધી હતી.’

આ પણ વાંચો : ટાઇગર-શ્રદ્ધાએ દસ બહાને 2.0 માટે ત્રણ લોકેશન પર કર્યું હતું શૂટિંગ

મહેરાએ એ ફિલ્મ શરૂ કરી ત્યારે અમિતાભ બચ્ચનની કોઈ માર્કેટ-વૅલ્યુ નહોતી. તેમના નામમાત્રથી પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ દૂર ભાગતા હતા; પણ ‘ઝંજીર’ ફિલ્મ ૧૯૭૩ની ૧૧ મેએ રિલીઝ થઈ ત્યારે એણે બૉક્સ-ઑફિસ પર તરખાટ મચાવી દીધો. એ ફિલ્મ ૧૭.૪૬ કરોડ રૂપિયાનો વકરો ખેંચી લાવી અને ૨૦૧૬માં જૂની ફિલ્મોના વકરાની વર્તમાન સમયમાં સરખામણી કરવામાં આવી ત્યારે એવો અંદાજ લગાવાયો હતો કે ‘ઝંજીર’ ફિલ્મનો ૨૦૧૬માં ૫૪૬ કરોડ રૂપિયાનો વકરો થયો હોત. એ ફિલ્મના ૧૭.૪૬ કરોડ રૂપિયાના બૉક્સ-ઑફિસ કલેક્શનની અત્યારના ટિકિટના ભાવ અને પ્રમાણે સરખામણી કરીએ તો કહી શકાય કે એ ફિલ્મે અત્યારના સમયમાં ૭૦૦ કરોડ રૂપિયા જેટલો વકરો કર્યો હોત!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK