પિકુના શૂટિંગમાં દીપિકાનું શૉપિંગ

Published: Nov 30, 2014, 05:30 IST

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ચાલી રહ્યું છે અમિતાભ બચ્ચનની આ ફિલ્મનું શૂટિંગરશ્મિન શાહ

ડિરેક્ટર શૂજિત સિરકારની ફિલ્મ ‘પિકુ’ માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ચોકડી ટોલનાકા પાસે શૂટિંગ કરી રહેલાં અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણ શૂટિંગ દરમ્યાન જ્યારે પણ ગૅપ મળે ત્યારે પોતપોતાનું કામ કરે છે; પણ મજાની વાત એ છે કે આ કામમાં દીપિકા સૌથી ઇન્ટરેસ્ટિંગ શૉપિંગનું કામ કરી રહી છે. પહેલા દિવસે કૅમેરા-વૅન બગડતાં શૂટિંગ અટકાવવું પડ્યું હતું. એ સમયથી દીપિકાએ શૉપિંગ શરૂ કર્યું હતું જે ગઈ કાલે પણ ચાલુ રહ્યું હતું. દીપિકાએ છેલ્લા ૪૮ કલાક દરમ્યાન ગુજરાતની જેકોઈ ટ્રેડિશનલ અને ભરતગૂંથણની ચીજવસ્તુઓ કહેવાય એની ખરીદી કરી હતી. સ્ટારકાસ્ટનો ઉતારો જે હોટેલમાં છે એ અમદાવાદની મૅરિયટ હોટેલના સિનિયર મૅનેજમેન્ટ સ્ટાફ દ્વારા દીપિકા માટે હોટેલમાં કે શૂટિંગ-લોકેશન પર શૉપિંગ થઈ શકે એ માટેની અરેન્જમેન્ટ કરવામાં આવી છે. ફિલ્મનું યુનિટ અમદાવાદથી શૂટિંગના લોકેશન પર અપડાઉન કરે છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ-લીલા’માં ગુજરાતણ બનેલી દીપિકા પાદુકોણને એ જ સમયથી ગુજરાતની ટ્રેડિશનલ ચીજવસ્તુઓ ખરીદવાની ઇચ્છા હતી, જેનો મોકો તેને આ વખતે મળી ગયો હોવાથી તે એનો પૂરેપૂરો લાભ લઈ રહી છે. હોટેલ-મૅનેજમેન્ટે ગઈ કાલે દીપિકા માટે કચ્છની કેટલીક ટ્રેડિશનલ આઇટમ વેચનારાઓની અરેન્જમેન્ટ કરી આપી હતી, તો શુક્રવારે દીપિકા માટે રાજકોટથી ભરતકામ કરેલાં ચણિયાચોળી મગાવવામાં આવ્યાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ચોકડી ટોલનાકા પાસે ગઈ કાલે શૂટિંગ થયું હતું. એ શૂટિંગમાં ઇરફાન ખાન, દીપિકા પાદુકોણ અને મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચેનો સીન હતો. સિન્ક સાઉન્ડ ટેક્નૉલૉજી સાથે બની રહેલી આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બિનજરૂરી સાઉન્ડ રેકૉર્ડ ન થઈ જાય એ માટે ગઈ કાલે શૂટિંગ જોવા આવેલા તમામ લોકોને એક કિલોમીટરથી વધુ દૂર અટકાવી દેવામાં આવ્યા હતા અને શૂટિંગ કરવામાં આવ્યું હતું. પોતાના ફેવરિટ ઍક્ટરની એક આછી ઝલક જોવા માટે કલાકો સુધી ખડેપગે રહેનારા ચાહકોને ઍક્ટરોથી દૂર રાખવા બદલ ડિરેક્ટર શૂજિત સિરકારે શૂટિંગ પૂરું થયા બાદ બધા સમક્ષ જઈને માફી માગી હતી, પરંતુ તેમની માફીથી કોઈ ફરક નહોતો પડ્યો. તડકામાં ખડેપગે ઊભા રહેલા હજારો લોકોએ શૂજિતનો હુરિયો બોલાવ્યો હતો.

શૂટિંગ દરમ્યાન દીપિકા મોટા ભાગનો સમય પોતાની વૅનમાં ઘૂસેલી રહી હતી તો મહાનાયક પણ વૅનિટી વૅનમાં રહેવાનું પસંદ કરતા હતા. જોકે ઇરફાન ખાન મસ્તમૌલા બનીને આરામથી બહાર ફરતો હતો અને ચાહકો પર નજર પડ્યા પછી તેમની સામે સ્માઇલ પણ આપતો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK