સંજુ છે મારો રિયલ લાઇફ મુન્નાભાઈ

Published: 14th October, 2011 21:27 IST

ગયા અઠવાડિયામાં રિલીઝ થયેલી સંજય દત્ત, અજય દેવગન, કંગના રનૌત અને લિસા હેડનને ચમકાવતી ‘રાસ્કલ્સ’ એના મોટા બજેટની સરખામણીમાં પિટાઈ ગઈ છે અને બૉલીવુડમાં પહેલી વખત બન્યું છે કે અસફળ ફિલ્મ આપ્યા પછી પણ પ્રોડ્યુસર-ડિરેક્ટરની જોડીના સંબંધો ખતમ થવાને બદલે વધુ સ્ટ્રૉન્ગ થયા છે.

 

‘રાસ્કલ્સ’ ફ્લૉપ જવા છતાં સંજય દત્તે સાંત્વના આપી ફરી સાથે કામ કરવાનું કહેતાં ડેવિડ ધવનને થઈ રાહત

ડેવિડ ધવનને લાગ્યું હતું કે ફિલ્મની નિષ્ફળતા માટે તેઓ જવાબદાર છે અને એ કારણે જ તેમને ઘણું દુ:ખ થયું હતું, પણ સંજય દત્તે તેમને ફોન કરીને કહી દીધું હતું કે એક ફ્લૉપ ફિલ્મથી તેમની મિત્રતામાં કોઈ ફરક નહીં પડે અને બીજી ફિલ્મ સાથે કરવા માટે તેમને તૈયાર કર્યા હતા.

‘રાસ્કલ્સ’ પહેલા ચાર દિવસોમાં ૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી શક્યું હતું અને પછી ફિલ્મને ઘણો ઓછો પ્રતિસાદ મળતાં ફિલ્મ ફ્લૉપ ગણવામાં આવી રહી છે. આ ફિલ્મ સંજય દત્તના પ્રોડક્શન હેઠળનો પહેલો પ્રોજેક્ટ હોવાને લીધે તેના માટે સફળતા ઘણી મહત્વની હતી. જોકે આ નિષ્ફળતા માટે તેણે કોઈને દોષ આપવાને બદલે ‘રાસ્કલ્સ’ને ઇતિહાસ સમજીને ભૂલી જવા માટે કહ્યું હતું અને ડેવિડ ધવન સાથે વાત કરી હતી. સંજુબાબાએ ડેવિડ ધવનને ફોનમાં કહ્યું હતું કે ‘ચલતા હૈ બૉસ, ફિલ્મ ન ચાલી એને લીધે કોઈ ફરક નથી પડતો. આપણે એક બીજી ફિલ્મ સાથે કરીશું.’

ડેવિડ ધવન આ વાતચીત થઈ હતી એ સ્વીકારતાં કહે છે, ‘હા, સંજુએ મને ફોન કર્યો હતો અને મારી સાથે ખૂબ જ લાગણીશીલ થઈને લાંબી વાતચીત કરી હતી. તે મારો રિયલ લાઇફ મુન્નાભાઈ છે. ‘રાસ્કલ્સ’ માટે મને જે દુ:ખની લાગણી હતી એ સંજય સાથે વાત કર્યા પછી સાફ થઈ ગઈ હતી. અમારા સંબંધમાં પસ્તાવાને કોઈ સ્થાન નથી. મેં મારી કરીઅરની શરૂઆત સંજુ સાથે કરી હતી.’

ડેવિડ ધવન અને સંજય દત્ત ફરીથી સાથે કામ કરશે, પણ એક બ્રેક પછી. ડેવિડ ધવન આ બાબતે કહે છે, ‘મારે રીચાર્જ થવાની ખૂબ જ જરૂર છે. મેં ઘણી એક પછી એક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હું બૉલીવુડમાં ૩૦ વર્ષથી છું અને મેં ૪૦ ઉપરાંત ફિલ્મો કરી છે. મારો દીકરો પણ હવે દિગ્દર્શન (‘દેસી બૉય્ઝ’) કરી રહ્યો છે. મારે એક મોટા બ્રેકની જરૂર છે. એવું નથી કે હું રિટાયર થઈ રહ્યો છું, હું સંજુ સાથે સફળ ફિલ્મ બનાવીશ જ. મેં મારી ભૂલ જાણી લીધી છે.’

તેમની ભૂલ વિશે તેઓ કહે છે, ‘ક્યારેય ટ્રાયલ-શો નહીં રાખવાના. કોઈ તમને તમારી ફિલ્મ વિશે ખરાબ નહીં જ કહે અને ભૂલ ન ખબર પડે તો તમે એને સુધારો પણ કઈ રીતે? આખા જગતને ખબર હતી કે ‘રાસ્કલ્સ’ જોઈએ એવી નહોતી બની, પણ કોઈએ એ રિવ્યુ પહેલાં ન આપ્યા. જોકે ‘રાસ્કલ્સ’ કોઈ એવી મોટી અસફળ ફિલ્મ નથી. ફિલ્મ મોટી સુપરહિટ નહીં થાય, પણ ઍવરેજ પરર્ફોમન્સ તો રહેશે જ. મને લાગે છે કે મારે અલગ ફૉમ્યુર્લા શોધવી પડશે અને આટલું ઉધાર તો હું સંજુને ચૂકવી જ શકું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK