સિરિયસ ફિલ્મ તરીકે લખાયેલી દબંગને સલમાને ઍક્શન-કૉમેડી ફિલ્મમાં બદલાવી નાખી હતી

Published: Apr 08, 2020, 16:12 IST | Ashu Patel | Mumbai

સલમાને એ ફિલ્મમાં હિટ થયેલી અનેક પંચલાઇન્સ પણ લખી હતી

દબંગ
દબંગ

અરબાઝ ખાનને ‘દબંગ’ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી ગઈ હતી એ પછી તેણે સલમાન ખાન સાથે વાત કરી હતી. સલમાને એ ફિલ્મ કરવાની હા પાડી હતી, પણ તેણે એ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ચેન્જિસ કરાવ્યાં. અમુક પંચલાઇન્સ તેણે જાતે લખી અને એ ફિલ્મમાં ગીતો પણ ઉમેરાવ્યાં. અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપ ભાઈના પગલે અત્યંત સિરિયસ અને ડાર્ક ફિલ્મ બનાવવા માગતા હતા. તેમણે જે સ્ક્રિપ્ટ લખી હતી એ બહુ સિરિયસ હતી અને એ સ્ક્રિપ્ટ પ્રમાણે ફિલ્મમાં કોઈ સૉન્ગ નહોતાં. તેમની સ્ક્રિપ્ટ પ્રમાણે એ ફિલ્મ બની હોત તો એ બહુ જ ડાર્ક-હેવી ફિલ્મ હોત, પરંતુ સલમાન ખાને એને ઍક્શન-કૉમેડી ફિલ્મ બનાવી નાખી હતી.

એ ફિલ્મની અનેક વનલાઇનર્સ હિટ થઈ હતી એ સલમાને લખી હતી એવો ઘટસ્ફોટ અરબાઝ ખાને ‘કૉફી વિથ કરણ’ શોમાં કર્યો હતો.

એ ફિલ્મની બીજી એક રસપ્રદ વાત એ છે કે એ ફિલ્મમાં ચુલબુલ પાંડેનો રોલ કરતા સલમાન ખાને જે ડાન્સ કર્યો હતો એનાં સ્ટેપ્સ કોઈ કોરિયોગ્રાફરે નહોતાં આપ્યાં, પણ સલમાન ખાન જયપુરમાં એક લગ્નમાં ગયો હતો એ વખતે તેણે ત્યાં એક ગેસ્ટને જોઈને જ હસવું આવે એ રીતે ડાન્સ કરતો જોયો હતો. એ વખતે સંગીતકાર સાજિદ-વાજિદ પણ ત્યાં હાજર હતા. એ પછી એક ૮૦ વર્ષના ગેસ્ટે બેલ્ટ સાથે ડાન્સ-સ્ટેપ્સ કર્યાં ત્યારે સલમાને તરત તેમને કહ્યું કે મારી ફિલ્મમાં હું આ ડાન્સ-સ્ટેપનો ઉપયોગ કરીશ. ત્યારે પરિચિતોમાં ભરતમામા તરીકે જાણીતા એ ગેસ્ટે મજાકમાં કહ્યું હતું કે ‘તો હું તારા પર કેસ કરીશ!’

બાય ધ વે એ ફિલ્મ અગાઉ સલમાન ખાન કોઈ ફિલ્મમાં મૂછ સાથે જોવા મળ્યો નહોતો. એને કારણે તે મૂછ સાથે અભિનય કરવામાં કમ્ફર્ટેબલ નહોતો એટલે તેણે શૂટિંગ અગાઉ જુદી-જુદી ૫૦થી વધુ પ્રકારની નકલી મૂછો લગાવીને જોયું હતું કે તેને કોઈ મૂછ શૂટ થાય છે કે નહીં. એક દિવસ તેણે અડધો ડઝન મૂછ લગાવીને ટ્રાય કરી જોઈ એ પછી તેણે એ બધી મૂછ બાજુએ મૂકી અને છેલ્લે એક મૂછ લગાવીને એ ફિલ્મની હિરોઇન સોનાક્ષી સિંહાને કહ્યું કે ‘આમાં હું તારા પિતા શત્રુઘ્ન સિંહા જેવો લાગું છું કે નહીં?’ સોનાક્ષીએ હસતાં-હસતાં કહ્યુ કે ‘હા, તમે એવા જ લાગો છો.’ અને સલમાન ખાને એ મૂછ ફાઇનલ કરી હતી. હવે તમે ‘દબંગ’ ફિલ્મ જુઓ ત્યારે સલમાનની મૂછ જોજો. તમને શત્રુઘ્ન સિંહાનાં ઘણીબધી ફિલ્મોનાં પાત્રો યાદ આવશે જેમાં તેમણે એવી મૂછ રાખી હોય!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK