અભી શુરૂ, અભી કૅન્સલ: મેરે સાંઈના સેટ પર મળ્યા કોરોના-સંક્રમિત

Published: Jul 08, 2020, 08:06 IST | Rashmin Shah | Rajkot

મેરે સાંઈના સેટ પર કોરોના-સંક્રમિત મળ્યા પછી બીજી બે સિરિયલના સેટ પર પણ કોરોના-પૉઝિટિવ પેશન્ટ્સ મળ્યાની વાતથી તમામ પ્રોડ્યુસરો ટેન્શનમાં છે

શૂટિંગ
શૂટિંગ

સોની ટીવીના શો ‘મેરે સાંઈ’ના સેટ પર એક વ્યક્તિ કોરોના-પૉઝિટિવ મળતાં તાત્કાલિક અસરથી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું અને સેટ પર હાજર રહેલા સૌકોઈને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે આ ઘટનાની સાથે જ અત્યારે આખી ટીવી-ઇન્ડસ્ટ્રી હચમચી ઊઠી છે. તમામ પ્રકારના નિયમોના પાલન પછી પણ જે રીતે ક્રૂ-મેમ્બરને કોરોના થયો એ દર્શાવે છે કે આવતા સમયમાં હજી પણ આ પ્રકારની ઘટના ઘટી શકે છે. ‘મેરે સાંઈ’માં સાંઈબાબાનું કૅરૅક્ટર કરતા તુષાર દળવીએ કહ્યું કે ‘આ ઘટના કોઈ મોટી સરપ્રાઇઝ નથી અને એ પણ એટલું જ સાચું છે કે અમારા સેટ પર એ વહેલો દેખાયો, પણ હકીકત એ છે કે આને માટે હવે સૌકોઈએ તૈયાર રહેવાનું છે. કોરોના કોઈને પણ થઈ શકે છે અને હવે આપણે કોરોના સાથે જીવવાની આદત પણ પાડવાની છે.’

‘મેરે સાંઈ’ ઉપરાંત એક નાના બજેટની સિરિયલ અને એક રીજનલ ચૅનલની સિરિયલના સેટ પર પણ યુનિટના મેમ્બર કોરોના-પૉઝિટિવ આવ્યાની વાત છે. જોકે આની પુષ્ટિ કોઈ કરતું નથી, પણ એની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે અને એ યુનિટના મેમ્બરનું ટેન્શન વધારવાનું કામ કરે છે. સાથોસાથ એવો પણ ઘાટ ઘડાયો છે કે હજી હમણાં જ શૂટ શરૂ થયું ત્યાં જ બંધ કરવાનો વારો પણ આવી ગયો.

અત્યારે મુંબઈ અને એની આસપાસ ૪૦થી વધારે સિરિયલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે કે શરૂ થવામાં છે. ‘મેરે સાંઈ’ના સેટ પર બનેલી ઘટનાને લીધે આ તમામ સેટ પર પણ ટેન્શન વધી ગયું છે. એક પ્રોડ્યુસર નામ જાહેર ન કરવાની વિનંતી સાથે ‘મિડ-ડે’ને કહે છે કે ‘અત્યારના તબક્કે તો હું સિરિયલ કોઈને આપી દેવા તૈયાર છું. મારું ઇન્વેસ્ટમેન્ટ પણ હજી રિકવર નથી થયું અને એ પછી પણ જો સિરિયલ કોઈ ટેકઓવર કરતું હોય તો મને વાંધો નથી. મેં આ જ વાત ચૅનલને પણ કહી દીધી છે.’

દરેક ચૅનલને ઓછામાં ઓછા ત્રણથી ચાર પ્રોડ્યુસર એવા મળ્યા છે જેઓ પોતાની સિરિયલ સબમિટ કરવા રાજી છે. આની પાછળનું કારણ એ છે કે હજી તો કોરોના-પૉઝિટિવ કેસ આવવાની શરૂઆત થઈ છે. ન કરે નારાયણ ને જો કોઈની તબિયત વધારે બગડે તો એની સીધી અસર સિરિયલના બાકી ઍક્ટરો પર થાય અને જો એવું બને તો માનસિક નુકસાનીની સાથોસાથ આર્થિક નુકસાનીમાં પણ વધારો થાય.

અત્યારે શૂટ શરૂ થયું છે ત્યારે કોઈ કાળે એક પણ પ્રોડ્યુસર પોતાની જરૂરિયાત મુજબનું કામ લઈ શકવાનો નથી. ક્રૂ-મેમ્બર ઓછા રાખવાના હોવાથી કામ ગોકળગાયની ગતિએ ચાલે છે અને ઍક્ટરોનું માઇન્ડસેટ પણ હજી કામમાં ગોઠવાયું નથી અને એવા સમયે કોરોનાનું સંક્રમણ કોઈ અન્યના સેટ પર દેખાશે તો પણ એની સીધી અસર યુનિટના મોરલ પર પડવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK