જેમને કઢંગા અભિનયને માણવો ગમતો હોય તેઓ આ મૂવીને જોઈને પેટ પકડીને હસી શકે છે. રળિયામણા ગોવા શહેરથી ફિલ્મની વાર્તા શરૂ થાય છે. આમ તો ફિલ્મને રોમૅન્ટિક અને થિ્રલર કૅટેગરીની ગણવામાં આવી છે, પણ એવું કશું જ એમાં નથી. ફિલ્મનો હીરો (ભૂપ યદુવંશી) એવા મર્ડરકેસમાં ફસાય છે જે તેણે કર્યું જ નથી. તેની એક છોકરી (મધુરિમા તુલી) સાથેની લવસ્ટોરી પણ હોય છે. કહેવાની જરૂર નથી કે હીરો તેના પાત્રના એકેય પાસાને જરા પણ ન્યાય નથી આપી શક્યો. તેને બાજુ પર મૂકીએ તોય તેની હિરોઇનમાં પણ કંઈ દમ નથી. હા, પ્રશાંત નારાયણનનું કામ કેટલેક અંશે અભિનય કહી શકાય એવું છે.
જો કોઈ ઑનસ્ક્રીન લવર્સ વચ્ચે થતા સૌથી ખરાબ સંવાદોનો અવૉર્ડ હોય તો આ ફિલ્મ તૈયાર છે. ફિલ્મના લેખકો આ વાર્તા લખી રહ્યા હશે ત્યારે કલ્પનાશક્તિને નેવે મૂકી દીધી હોય એવું લાગે છે. ફિલ્મમાં કશું જ એવું નથી જે લોકોને જકડી રાખે.
- શક્તિ શેટ્ટી