Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > ફિલ્મ-રિવ્યુ: છપાક- ઍસિડ-અટૅક સર્વાઇવરની લાઇફને જીવંત કરતી ગાથા

ફિલ્મ-રિવ્યુ: છપાક- ઍસિડ-અટૅક સર્વાઇવરની લાઇફને જીવંત કરતી ગાથા

10 January, 2020 01:27 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ફિલ્મ-રિવ્યુ: છપાક- ઍસિડ-અટૅક સર્વાઇવરની લાઇફને જીવંત કરતી ગાથા

ફિલ્મ-રિવ્યુ: છપાક

ફિલ્મ-રિવ્યુ: છપાક


બૉલીવુડમાં સત્યઘટના પરથી ઘણી ફિલ્મો બની છે અને આ વર્ષ પણ એમાંથી બાકાત નથી. નવા વર્ષની શરૂઆત થઈ નથી કે દીપિકા પાદુકોણની સત્યઘટના પરથી આધારિત ફિલ્મ ‘છપાક’ આજે રિલીઝ થઈ રહી છે. લક્ષ્મી અગરવાલના જીવન પરથી પ્રેરિત આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાની સાથે દીપિકાએ એને પ્રોડ્યુસ પણ કરી છે અને ડિરેક્ટ મેઘના ગુલઝારે કરી છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ એ ઘણા વિવાદોમાં પણ પડી છે. ‘છપાક’ પર કૉપીરાઇટ્સનો આરોપ, દીપિકાની જેએનયુમાં હાજરીથી ફિલ્મને બૉયકૉટ કરવાનો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ અને ફિલ્મમાં પાત્રનું નામ બદલવામાં આવ્યું હોવાની અફવાને લઈને પણ એની ઝાટકણી કાઢવામાં આવી છે.

મેઘનાએ ‘તલવાર’ અને ‘રાઝી’ જેવી સંવેદનશીલ ફિલ્મો બનાવી છે અને એમાં તેની મહારત છે. ‘છપાક’માં પણ તેની આ ઝલક જોવા મળી છે, પરંતુ અગાઉની ફિલ્મો જેટલી નહીં. મેઘનાએ ખૂબ જ સારા વિષય પર ફિલ્મ બનાવી છે, પરંતુ એમાં તેની પહેલાંની ફિલ્મ જેટલું ઇમોશનલી કનેક્ટ નથી થઈ શકાતું. મેઘના ખૂબ જ અદ્ભુત ડિરેક્ટર છે અને તેણે એ સાબિત પણ કરી દેખાડ્યું છે. જોકે આ ફિલ્મમાં કંઈ ખટકી રહ્યું છે જે ફિલ્મ સાથે એટલું કનેક્ટ નથી થવા દેતું. સ્ટોરી મેઘનાએ લખી છે અને તેણે ખૂબ જ ચોક્સાઈ રાખી છે કે કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે. તેણે ફિલ્મમાં વધુ ડ્રામા ન નાખી સિમ્પલ રીતે રજૂ કરી છે.



ઍસિડ-અટૅક કરનારને પણ એટલી જ સજા મળે જેટલી ચા ફેંકનારને મળે જેવા ઘણા મુદ્દાને તેણે ખૂબ જ સારી રીતે રજૂ કર્યા છે. (જોકે ઍસિડ-અટૅક માટે હવે ભારતીય બંધારણમાં અલગથી કાયદો બનાવવામાં આવ્યો છે) ડાયલૉગ પણ એટલા દમદાર નથી. બે-ત્રણ ડાયલૉગ એવા છે જેમાં હ્યુમરની સાથે એ થોડા પ્રેરણાત્મક પણ લાગે છે. ફિલ્મ ઇન્ટરવલ પહેલાં ઘણી ધીમી છે, પરંતુ બીજા પાર્ટમાં એ સ્પીડ પકડે છે. કેટલાંક દૃશ્યો ખૂબ જ અદ્ભુત છે તો કેટલાંક દૃશ્યોમાં ખામી પણ જોવા મળે છે.


દીપિકા પાદુકોણે માલતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની શરૂઆત નિર્ભય કેસના વિરોધ-પ્રદર્શનથી થાય છે. આ પ્રદર્શન દરમ્યાન એક વ્યક્તિ તેની દીકરી પર કરવામાં આવેલા ઍસિડ-અટૅક વિશે મીડિયાનું ધ્યાન દોરવા માગતો હોય છે. જોકે તે નિષ્ફળ રહે છે અને અમોલ (વિક્રાન્ત મૅસી) તેમને ત્યાંથી લઈ જાય છે. અમોલની મુલાકાત તેની ફ્રેન્ડ જર્નલિસ્ટ સાથે થાય છે અને તેઓ માલતીને શોધે છે. આ દરમ્યાન માલતી જૉબ માટે ફાંફાં મારતી હોય છે, પરંતુ તેને કૉર્પોરેટ ઑફિસ, બ્યુટિ-પાર્લર અને જ્વેલરી શોરૂમમાંથી તેના ચહેરાને કારણે રિજેક્ટ કરવામાં આવી રહી હોય છે. આ દરમ્યાન તેની મુલાકાત અમોલ સાથે થાય છે અને તેના નૉન-ગર્વમેન્ટલ ઑર્ગેનાઇઝેશનમાં તેને કામ મળે છે. આ એનજીઓ ઍસિડ-અટૅક સર્વાઇવર માટે કામ કરતું હોય છે. અહીંથી માલતીની સ્ટોરી આગળ વધે છે અને તે પરિવારના ભરણપોષણ માટે કામ કરવાની સાથે તેના કેસ માટે કોર્ટ-કચેરીનાં ચક્કર ખાતી રહેતી હોય છે. ઍસિડ-અટૅક બાદ માલતીની લાઇફમાં તોફાન આવે છે, પરંતુ તે હાર નથી માનતી અને એ તોફાનનો સામનો કરે છે. ઘરમાં પૈસાની તંગી, ઍસિડ-અટૅકનો કેસ, ઍસિડના વેચાણ પર બૅન માટેનો કેસ, ભાઈની બીમારી અને પપ્પાનો દારૂનો નશો જેવી બાબતોમાં તે કેવી રીતે પોતાને સંભાળે છે એ અહીં દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોટા ભાગની હિરોઇન ગ્લૅમરસ પાત્ર છે કે નહીં એ જોઈને ફિલ્મ પસંદ કરતી હોય છે, પરંતુ દીપિકાએ આ ફિલ્મ પસંદ કરી એ ખૂબ જ રિસ્કી છે. તે મેકઅપ જ નહીં, પરંતુ બળી ગયેલા ચહેરા સાથે ફિલ્મમાં જોવા મળી રહી છે. તેની ઍક્ટિંગની ક્ષમતા પર સવાલ કરવા શક્ય નથી, પરંતુ એમ છતાં ઘણી જગ્યાએ આપણને તેનું દરદ મહેસૂસ નથી થતું. એક દૃશ્યમાં ઍસિડ-અટૅક બાદ માલતી પહેલી વાર પોતાનો ચહેરો અરીસામાં જુએ છે. આ સમયે તેને જે દરદ થાય છે એ દર્શક તરીકે આપણને નથી થતું.

વિક્રાન્ત મૅસીએ તેનું અમોલનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે એક એનજીઓ ચલાવતી વખતે બજેટ માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાની સાથે માલતી સાથે તેનો ‘સાઇલન્ટ પ્યાર’ પણ જોવા મળે છે. માલતી જ્યારે તેની આંખો અને સ્માઇલ દ્વારા વાતો કરી રહી હોય ત્યારે અમોલની બૉડી-લૅન્ગ્વેજમાં પણ ગજબનો ચેન્જ જોવા મળે છે. જોકે અમોલના પાત્રને વધુ સારી રીતે દેખાડી શકાયું હોત. આ સાથે જ માલતીને મદદ કરતી પૈસાદાર લૅન્ડલૉર્ડ, માલતીનાં મમ્મી-પપ્પા, માલતીનો બૉયફ્રેન્ડ રાજેશ (અંકિત બિશ્ટ) અને માલતી પર ઍસિડ ફેંકનાર બશીર ખાન (વિશાલ દહિયા)નાં પાત્ર વધુ સારી રીતે રજૂ કરવાં જરૂરી હતી. બશીર કેમ માલતી પર ઍસિડ ફેંકે છે એને એક મિનિટમાં દેખાડી દેવામાં આવ્યું છે. જોકે એને વધુ ડીટેલમાં દેખાડી શકાયું હોત જેથી માલતી સાથે દર્શકો વધુ સારી રીતે કનેક્ટ થઈ શક્યા હોત. વકીલ અર્ચનાનું પાત્ર ભજવતી મધુરજિત સર્ગી અને તેના પતિના પાત્રને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે.


આ ફિલ્મમાં બે ગીત છે એક ‘નોક જોક’ અને બીજું ટાઇટલ સૉન્ગ. અરિજિત સિંહના અવાજમાં આ ટાઇટલ સૉન્ગ ખૂબ જ અસરકારક છે. પરિસ્થિતિને આધારે આ ગીતને બે-ત્રણ વાર જુદા-જુદા સમયે ઉપયોગમાં લેવામાં આવ્યું છે, પરંતુ એમ છતાં એ કંટાળાજનક નથી લાગતું.

ફિલ્મમાં એક ડાયલૉગ છે કે દરેક વ્યક્તિમાં ખરાબી હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ એટલી હદ સુધી કેવી રીતે જઈ શકે કે તે બીજી વ્યક્તિ પર ઍસિડ ફેંકી શકે. જોકે આ જ ડાયલૉગને એટલે કે દૃશ્યને મેઘના ગુલઝાર સારી રીતે ડીટેલમાં દેખાડી નથી શકી.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 01:27 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK