બોલ્ડ વિષયને કુમળી માવજત

Published: 8th June, 2020 11:55 IST | Rashmin Shah | Mumbai Desk

ઉત્તમ ગડાની આ ખાસિયત હતી. બૉક્સ-ઑફિસની તેમને બીક રહેતી નહીં અને એટલે જ ઉત્તમભાઈ સબ્જેક્ટને પૂર્ણપણે વફાદાર રહેતા. તેમના દેહાંત સાથે તેમની પાસેથી નવલકથા મેળવવાનું ગુજરાતી સાહિત્યનું સપનું કાયમ માટે અધૂરું રહી ગયું

ઉત્તમ ગડા
ઉત્તમ ગડા

‘અક્ષયકુમારને લઈને ફિલ્મ બનાવવાની હોય તો એનું ટાઇટલ ‘ખિલાડી’ હોવું જોઈએ અને જો અમિતાભ બચ્ચન તમારી ફિલ્મમાં લીડ હીરો હોય તો એ કૅરૅક્ટરનું નામ વિજય જ હોવું જોઈએ.’
ત્રણેક વર્ષ પહેલાં જ્યારે ઉત્તમ ગડાએ તેમણે લખેલા નાટક ‘યુગપુરુષ’ માટે ‘મિડ-ડે’ સાથે વાત કરી ત્યારે આ શબ્દો કહ્યા હતા. ઉત્તમ ગડા ગુજરાતી રંગભૂમિને પણ ગર્વ કરાવી દે એવું નામ. ‘મહારથી’ નાટક તેમને માટે જ નહીં, ઍક્ટર પરેશ રાવલની કરીઅરમાં પણ એટલું જ મહત્ત્વનું રહ્યું છે. ‘મહારથી’ ઉપરાંત ‘શિરચ્છેદ’, ‘રેશમી તેજાબ’, ‘રાફડા’, ‘મૂળરાજ મેન્શન’, ‘હું રીમા બક્ષી’, ‘સથવારો’, ‘ડિયર ફાધર’, ‘વૉટ્સઍપ’, ‘ફાઇવસ્ટાર આન્ટી’, ‘યુગપુરુષ’ અને થોડા સમય પહેલાં રિલીઝ થયેલા ‘બંધ હોઠની વાત’ જેવાં જ્વલંત ગુજરાતી નાટકોના લેખક ઉત્તમ ગડાનું શનિવારે સાંજે અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં અવસાન થયું. ઉત્તમભાઈની ઉંમર ૭૨ વર્ષ હતી. છેલ્લા થોડા સમયથી તેમને બ્લડ કૅન્સર હતું. ઉત્તમ ગડા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. તેઓ હંમેશાં કહેતા કે મારું કર્મ નામું લખવાનું અને મારો ધર્મ નાટક લખવાનો છે. મોટી ફર્મનાં ઑડિટ માટે જવાનું હોય અને નાટક માટે મીટિંગ કરવાની હોય તો ઉત્તમભાઈ નાટકની મીટિંગમાં જવાનું વધારે પસંદ કરતા. ઉત્તમ ગડાએ લખેલાં અનેક નાટકો ગુજરાતી રંગભૂમિ માટે માઇલસ્ટોન બની રહ્યાં, જેમાં ‘મહારથી’ નાટક અગ્રીમ સ્થાને આવે છે. પરેશ રાવલ અભિનીત ‘મહારથી’ પરથી ફિલ્મ પણ બની, પરંતુ નાટક જેટલું ચાલ્યું એનાથી સાવ વિપરીત બૉક્સ-ઑફિસનો રિપોર્ટ ફિલ્મનો આવ્યો અને ફિલ્મ પિટાઈ ગઈ. ઉત્તમ ગડાને એ વાતનો અફસોસ ભારોભાર હતો. ઉત્તમ ગડાએ એ સમયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સમય બદલાઈ રહ્યાની એ નિશાની ગણાય કે પછી ઑડિયન્સ પાછળ ગયું છે એનો અંદેશો એ સમજવું જોઈએ.’
અમેરિકા ગયા પછી ઉત્તમ ગડા રિટાયર હતા. જોકે તેમણે નાટકો લખવાનું ચાલુ રાખ્યું હતું. નિર્માતા સંજય ગોરડિયા માટે તેમણે હજી પાંચ મહિના પહેલાં જ નાટક ‘બંધ હોઠની વાત’ લખ્યું. સંજય ગોરડિયા કહે છે કે ‘મને આજે પણ યાદ છે કે મેં તેમનું પહેલું નાટક ‘વિષ રજની’ જોયું હતું, જેનું દિગ્દર્શન અરવિંદ ઠક્કરનું હતું. આ નાટકમાં ચંદ્રકાન્ત ઠક્કર, સુજાતા મહેતા અને રસિક દવે હતાં. નાટકોમાં બોલ્ડ વિષય પર કામ કરવાની તેમની હથોટી બીજું કોઈ રાઇટર લાવી નથી શક્યું. ૮૦ના દસકામાં તેમણે અનેક નાટકો એવાં લખ્યાં જે આજના સમયમાં પણ કોઈ પચાવી ન શકે.’
વાત બિલકુલ સાચી છે. ઉત્તમભાઈને વિષય આકર્ષતા અને તેઓ વિષયને અનુરૂપ થઈને લખવામાં માનતા. બૉક્સ-ઑફિસ સાથે તેમને નિસબત નહોતી. નાટક ફ્લૉપ જાય તો પણ તેમને કોઈ અફસોસ ન થતો. હા, દુઃખ થાય અને એ સ્વાભાવિક છે, પણ ફ્લૉપ જવા પાછળ જો વિષયવસ્તુ કારણભૂત હોય તો એમાં તેઓ બાંધછોડ કરતા નહીં. થિયેટરનું કૅન્વસ તેમને હંમેશાં ગમ્યું હતું. ફિલ્મો કરતાં પણ તેઓ થિયેટર કરવાનું વધારે પસંદ કરતા. ઉત્તમભાઈને બીજા કૅન્વસ તરફ વાળવાનું કામ પણ તેમના મિત્ર અને રાઇટર-ડિરેક્ટર નીરજ વોરાએ કર્યું હતું. નીરજ વોરાને ઉત્તમભાઈની એક વાર્તા ગમી ગઈ હતી અને તેમણે એ વાર્તાને લાર્જ કૅન્વસ પર લઈ જવાના હેતુથી ડેવલપ કરવાનું કહ્યું. નીરજ વોરાએ એ સમયે ઉત્તમભાઈને એવું કહ્યું હતું કે આપણે બ્રૉડવે લેવલનું પ્લે કરીશું. આ વાર્તા એટલે ‘ખિલાડી ૪૨૦.’ ઉત્તમભાઈએ વાર્તા તૈયાર કરી એટલે નીરજ વોરાએ એ વાર્તા અક્ષયકુમારને સંભળાવી અને એ પછી ઉત્તમભાઈની બ્રૉડવે માટે તૈયાર થયેલી વાર્તા ફિલ્મ માટે રૂપાંતર થઈ. ‘ખિલાડી ૪૨૦’થી ઉત્તમભાઈએ બૉલીવુડમાં એન્ટ્રી કરી અને એ એન્ટ્રી સાથે કેતન મહેતાથી માંડીને નસીરુદ્દીન શાહ અને પરેશ રાવલ સુધ્ધાં ખુશ થઈ ગયા.
ડિરેક્ટર કેતન મહેતાએ ત્યાર પછી ઉત્તમ ગડા સાથે ઝીટીવી માટે ‘ટાઇમ બૉમ્બ ૯/૧૧’ ટીવી-સિરિયલ લખી. ‘ટાઇમ બૉમ્બ ૯/૧૧’ની વાર્તાનું જે ફૉર્મેટ હતું એ ફૉર્મેટ ક્યાંક ને ક્યાંક હૉલીવુડની ફેમસ ટીવી-સિરિયલ ‘24’ સાથે મૅચ થતું હતું. ૨૪ એપિસોડની આ વાર્તા ઓસામા બિન લાદેનની આસપાસ ફરતી હતી, જે દિલ્હીમાં વિસ્ફોટ કરવાનો પ્લાન કરે છે અને દેશના પ્રાઇમ મિનિસ્ટરની હત્યા એનો મુખ્ય હેતુ છે. આ ટીવી-સિરિયલમાં રાજીવ ખંડેલવાલથી લઈને કેકે મેનન, રજત કપૂર, આકાશદીપ સૈગલ જેવા ઍક્ટરો હતા. ચૅનલની ઇચ્છા હતી કે આ સિરીઝ જો લંબાવી શકાતી હોય તો એને લંબાવીએ પણ ‘ટાઇમ બૉમ્બ ૯/૧૧’ના એન્ડને ઉત્તમભાઈ વળગેલા રહ્યા અને તેમણે એપિસોડમાં કોઈ ફરક નહોતો કર્યો. કેતન મહેતા કહે છે કે ‘તેમની કામ કરવાની જે રીત હતી એ અદ્ભુત હતી. રિસર્ચ પુષ્કળ કરે અને પછી એ રિસર્ચનો ઉપયોગ પણ સબ્જેક્ટમાં એવો અદ્ભુત રીતે કરે કે તમને એમ જ લાગે કે આ માણસ રાઇટિંગ કરવા માટે જ જન્મ્યો છે. ઉત્તમ ગડા જેટલા સરસ રાઇટર, એટલા જ સરસ હ્યુમન બીઇંગ. એકેક સીનનું ઇમ્પોર્ટન્સ તેમને ખબર હોય અને જો સીનમાં ઇમ્પોર્ટન્સ તેમને દેખાય નહીં તો તેઓ માત્ર એક વાક્ય ઉમેરીને એ સીનનું મહત્ત્વ વધારી દે.’
કેતન મહેતાની વાતમાં સહમત થતાં ડિરેક્ટર અને નાટક ‘યુગપુરુષ’ના પ્રોડ્યુસર ધર્મેશ મહેતા કહે છે કે ‘અમારા નાટક ‘યુગપુરુષ’ની સક્સેસ જ દેખાડે છે કે તેમણે કયા સ્તરે તલસ્પર્શી કામ કર્યું હતું. ગુજરાતી ઉપરાંત આ નાટક ૬ અન્ય ભાષામાં રૂપાંતરિત થયું અને માત્ર ૧૪ મહિનામાં એના ૧૧૦૦ શો થયા. આ એક રેકૉર્ડ છે, જે ઉત્તમભાઈ અને ટીમને આભારી છે.’
ઉત્તમભાઈ માત્ર ગુજરાતી નાટકો કે ફિલ્મો જ નહીં, તેઓ ટૂંકી વાર્તા પણ લખતા. નવલકથા લખવાનો વિચાર તેઓ છેલ્લા લાંબા સમયથી મનમાં રાખીને ફરતા હતા. તેમણે અનેક વિષયો પર નવલકથા માટે રિસર્ચ પણ કર્યું, પણ કોઈ ને કોઈ કારણસર એ કામ આગળ વધ્યું નહીં અને ઉત્તમભાઈની નવલકથાથી આપણે વંચિત રહી ગયા. એક તબક્કે ઉત્તમભાઈની ઇચ્છા એક વિષય પર નવલકથા લખવાની હતી, પણ એ વિષય નસીરુદ્દીન શાહે ફિલ્મ માટે પસંદ કરી લીધો એટલે એ નવલકથા બનતાં-બનતાં અટકી ગઈ. એ વિષય એટલે ફિલ્મ ‘યું હોતા તો ક્યા હોતા’. નસીરુદ્દીન શાહ અને ઉત્તમ ગડા વચ્ચે એમ જ એક વખત ૯/૧૧ની અમેરિકાની ઘટના વિશે વાત ચાલતી હતી ત્યારે ઉત્તમ ગડાએ તેમને પોતાના મનમાં ચાલતી એક વાર્તાનો પ્લૉટ કહ્યો હતો, જેમાં ચાર ઘટના એકસાથે ચાલતી હતી અને એ ચારેચાર ઘટનાઓ ૨૦૧૧ના સપ્ટેમ્બર મહિનાની ૯મી તારીખની અમેરિકામાં થયેલી દુર્ઘટનાના ક્લાઇમૅક્સ પર આવીને અટકતી હતી. નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘જે પ્રકારે મારી પાસે એ વાર્તા રજૂ થઈ હતી એ જ રીતે એ વાર્તાને અમે ફિલ્મમાં દર્શાવી હતી. આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે મેં એ વાર્તા સાંભળી હતી.’
‘યું હોતા તો ક્યા હોતા’ની ચારેય વાર્તાને જોડવાનું કામ જે રીતે થાય છે એ રીત ઉત્તમ ગડાની વાત કહેવાની રીતને કારણે બહાર આવી હતી. કામની બાબતમાં ઉત્તમભાઈ ખરેખર નસીબદાર રહ્યા હતા એવું કહી શકાય. તેમને ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કહેવાય એવા ઍક્ટરો સાથે કામ કરવા મળ્યું અને એ પછી પણ તેઓ સહજ રીતે અમેરિકા જઈને સેટલ થઈ શક્યા. ઉત્તમભાઈએ લખેલા અને જે તેઓ એ સમયે સૌકોઈની બોલતી બંધ કરી દેનારા નાટક ‘રાફડા’ની સીક્વલ માટે પણ વિચારતા હતા અને એક વેબ-સિરીઝ માટે પણ તેમણે રિસર્ચ-વર્ક કરી રાખ્યું હતું. આ અને આવા બીજા જેકોઈ વિચારો હતા એ તમામ વિચારો અને એની ફળશ્રુતિ હવે કાયમ માટે અધૂરી રહેશે અને ગુજરાતી રંગભૂમિથી માંડીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને ડિજિટલ પ્લૅટફૉર્મ સુધ્ધાં ઉત્તમભાઈને મિસ કરશે.

Yugpurush

કેવી વાર્તા અને કેવાં નાટકો?

મધુરજનીનું વિરોધાર્થી એવું નાટક એટલે ઉત્તમ ગડાએ લખેલું નાટક ‘વિષ રજની.’ આ નાટકના માત્ર બે જ શો થયા હતા. નાટકની વાર્તા એ સ્તરની બોલ્ડ હતી. નાટકમાં બે ભાઈઓની વાત હતી. નાનો ભાઈ એક છોકરીના પ્રેમમાં છે અને છોકરી તેને દગો આપીને છોડી દે છે. નાનો ભાઈ ગાંડો થઈ જાય છે અને હવે મોટો ભાઈ પેલી છોકરી સાથે મૅરેજ કરીને ફર્સ્ટ નાઇટે જ ભાંડો ફોડે છે કે ‘હવે તારે આ ગાંડાની વાઇફ બનીને રહેવાનું છે. એને માટે જ મેં તારી સાથે લગ્ન કર્યાં છે.’ આ ઉપરાંત ઉત્તમભાઈએ લખેલા ‘રાફડા’ નાટકમાં બે સગાં ભાઈ-બહેનોના ફિઝિકલ રિલેશનની વાત હતી, જેમાં આ સંબંધને લીધે ભાઈ-બહેનને સાયકોલૉજિકલ પ્રૉબ્લેમ થઈ જાય છે અને તેઓ બન્ને આજુબાજુમાં આવનારા પ્રેમીઓને ફસાવવાના કામે લાગી જાય છે.
બોલ્ડ વિષય પર હાથ અજમાવવામાં ઉત્તમભાઈ જરાય ડરતા કે ગભરાતા નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK