કરીના દીપિકા કરીના

Published: 5th August, 2012 03:06 IST

સંજય લીલા ભણસાલીની ગુજરાતી જુલિયટનું જબરું ચલકચલાણું : રામલીલાની હિરોઇન તરીકે ફરી પાછી ઓરિજિનલ પસંદગી બેબો ગોઠવાઈ ગઈ છે : લગ્ન હવે કદાચ ફિલ્મની રિલીઝ પછી

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ના આધારે ગુજરાતના બૅકગ્રાઉન્ડમાં બની રહેલી હિન્દી ફિલ્મમાં હિરોઇન તરીકે કરીના કપૂરને ફરી સાઇન કરવામાં આવી હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે કરીનાને ગઈ કાલે આ ફિલ્મ માટે તેની તમામ શરતો માન્ય રાખીને સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મ હિરોઇનની પસંદગીને મામલે પહેલેથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલીની પહેલી પસંદગી કરીના જ હતી અને તેને સૌથી પહેલાં સાઇન પણ કરવામાં આવી હતી. જોકે પછી પાછળથી કરીનાએ આ ફિલ્મ છોડી દીધી હતી અને એના માટે તારીખો ન હોવાનું કારણ આગળ ધર્યું હતું. આ બધા વિવાદો વખતે સંજયે સ્પષ્ટતા કરી હતી કે હકીકતમાં કરીના આ વર્ષના અંતમાં લગ્ન કરવાનું આયોજન કરી રહી છે અને મારી ફિલ્મ માટે પરિણીત હિરોઇન ચાલે એમ ન હોવાને કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી છે.

કરીનાએ ‘રામ લીલા’ છોડી દીધા બાદ આ રોલ માટે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ સહિત અનેક હિરોઇનોનાં નામ ચર્ચામાં હતાં. એક તબક્કે તો સંજયે આ રોલ માટે કોઈ નવા ચહેરાને સાઇન કરવાના વિકલ્પ વિશે પણ ગંભીરતાથી વિચારી જોયું હતું. આખરે લાંબા વિચાર પછી હજી ગયા અઠવાડિયે જ આ રોલ માટે દીપિકાને સાઇન કરવામાં આવી હતી. જોકે સંજયે ગઈ કાલે દીપિકાને બદલે ફરી કરીનાને સાઇન કરીને પોતાની પહેલી પસંદગી પાસે જવાનું પસંદ કર્યું છે. આ ફિલ્મમાં હીરોના રોલ માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી છે.

આ મુદ્દે વાત કરતાં સંજયની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘સંજયે આ રોલ માટે દીપિકાને સાઇન તો કરી હતી, પણ દીપિકાનું ઑડિશન જોઈને તેને આ રોલ દીપિકા સારી રીતે ભજવી શકશે એની કોઈ ખાતરી નહોતી થતી. તેણે નવો ચહેરો લૉન્ચ કરવાની શક્યતા પણ વિચારી, પણ આખરે તે ફરી કરીના પાસે ગયો અને કરીનાએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો એટલે પછી સંજયે પોતાની પહેલી પસંદગી કરીના પર જ કળશ ઢોળ્યો છે.’

કરીનાએ ‘રામ લીલા’ સાઇન કરી પોતાની શરતોએ

કરીનાએ ‘રામ લીલા’ ફરીથી સાઇન તો કરી છે; પણ ખબર પડી છે કે તેણે પોતાની શરતોએ આ ફિલ્મ સાઇન કરી છે, કારણ કે તેને બરાબર ખબર છે કે આ ફિલ્મ માટે તે સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ છે. ચર્ચા છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં બહુચર્ચિત લગ્ન આ ફિલ્મને કારણે પાછળ ઠેલવામાં આવ્યાં છે અને હવે જ્યાં સુધી આ ફિલ્મ રિલીઝ નહીં થાય ત્યાં સુધી કરીના લગ્ન નહીં કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK