મંદી-મંદીની વાતો વચ્ચે પણ દિવાળી સાવ ફિક્કી નહોતી

Published: Nov 02, 2019, 17:56 IST | ભક્તિ ડી દેસાઈ | મુંબઈ ડેસ્ક

જ્વેલરી, રેડીમેડ ગાર્મેન્ટ, મીઠાઈ, રેસ્ટોરાં એમ દરેક ક્ષેત્રના વેપારીઓનું માનવું છે કે મંદી-મંદીની વાતો જેટલી હતી એટલી ખરાબ દિવાળી તો નહોતી જ

ઉત્સવ આવતાં પહેલાંનો ઉત્સાહ કદાચ જોરદાર નહોતો પણ માર્કેટમાં ધંધાની દૃષ્ટિએ જોઈએ તો મંદીની અપેક્ષાએ દિવાળી વેપારીઓ માટે ઘણી સારી રહી. જ્વેલરી, રેડીમેડ ગાર્મેન્ટ, મીઠાઈ, રેસ્ટોરાં એમ દરેક ક્ષેત્રના વેપારીઓનું માનવું છે કે મંદી-મંદીની વાતો જેટલી હતી એટલી ખરાબ દિવાળી તો નહોતી જ

દિવાળી આવી અને ગઈ. પહેલેથી જ એવી ચર્ચા હતી કે આ વખતે દિવાળીની ઊજવણીમાં પણ મંદીની અસર છે. ખાસ કરીને વેપાર-ધંધાવાળા લોકોને લાગતું હતું કે આ વખતે દિવાળી સાવ પણ મોળી હશે. આ વર્ષની દિવાળીમાં ઘરે-ઘરે દીવા અને લાઇટ્સ તો જરૂર દેખાયાં, પણ લોકોના ચહેરા પરની ચમક ઝાંખી થઈ ગયેલી દેખાઈ. આ આખા વર્ષ દરમ્યાન ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા દરેક ઉત્સવોની રોનક ઝાંખી પડી ગઈ હતી. વર્ષના મોટામાં મોટા પર્વ દિવાળીમાં પણ આર્થિક ચિંતાને કારણે નોકરિયાત વર્ગથી લઈને વેપારી વર્ગ સુધી દરેક લોકોના તહેવાર મનાવવાના ઉત્સાહમાં ઓછપ દેખાઈ હતી. આ વર્ષે તો રેસ્ટોરાં પણ સૂની-સૂની હતી. દર વર્ષની જેમ દિવાળીમાં રેસ્ટોરાંની બહાર કલાકો સુધી પોતાના પરિવારનો વારો ક્યારે આવશે એની રાહ જોતા લોકોની ચહલપહલ પણ ન સંભળાઈ. દર વર્ષે દિવાળીમાં ફરવા જનારા લોકોની મોટી સંખ્યા હોય જ છે છતાં મુંબઈમાં દિવાળીમાં તો બધે ભીડ દેખાય છે, જે આ વર્ષની દિવાળીમાં નહોતી.
વરસાદની ઋતુમાં આમેય લોકો ખરીદી ઓછી કરતા હોય છે અને બધા જ વેપારમાં થોડી મંદી જણાય છે. આવી જ પરિસ્થિતિ ચૂંટણીના સમયે પણ સર્જાતી હોય છે એવું વેપારીઓનું પોતાના અનુભવ પરથી કહેવું છે. આ વર્ષે દિવાળી સુધી વરસાદની અતિવૃષ્ટિ રહી, આર્થિક મંદી તો હતી જ અને ઉપરથી ‘દુકાળમાં અધિક માસ’ની જેમ દિવાળીના ૧૦ દિવસ પહેલાં જ મહારાષ્ટ્રમાં ચૂંટણીનું આયોજન થયું એ બધાં કારણોનો પ્રભાવ દિવાળીની મજા પર પડ્યો અને લોકોએ દિવાળીની છૂટથી થતી ખરીદી પર પણ કાપ મૂકી દીધો હતો. ગઈ કાલે લાભપાંચમથી હવે દિવાળીની રજાઓ પૂરી કરીને ફરીથી બધું રાબેતામુજબ થઈ ગયું છે ત્યારે અમે જાણવાની કોશિશ કરી કે શું ખરેખર અપેક્ષા મુજબ દિવાળી સાવ ખરાબ ગઈ કે પછી એટલું ચિંતા કરવા જેવું નથી. આ વાતનો અંદાજ માંડવા અમે એવા વિવિધ સેક્ટરના વેપારીઓને પૂછ્યું કે જેમનો દિવાળીમાં ખૂબ ધંધો થતો હોય. તહેવારોમાં ખરીદીમાં કપડાં, સોના-ચાંદીના સિક્કા અથવા દાગીના, સૂકા મેવાનાં બૉક્સ, મીઠાઈ અને ચૉકલેટનું ચલણ વધારે હોય. આ બધા વેપારમાં દિવાળી દરમ્યાન કેટલો ધંધો થયો એ જાણ્યા પછી દિવાળી વાસ્તવમાં જ ઝાંખી હતી કે નહીં એનો અંદાજ આવશે. આના સિવાય લોકો જ્યારે એકબીજાના ઘરે જાય ત્યારે અન્ય ભેટ-વસ્તુઓ પણ અપાતી હોય છે, પણ એ દરેકની વ્યક્તિગત પસંદગી પર નિર્ભર હોવાથી એની કેટલી ખરીદી થઈ અને એના ધંધા પર કેટલી અસર પડી એ જાણવું મુશ્કેલ છે.
સોનાની દુકાનોમાં દિવાળી ફિક્કી
દશેરા અને ધનતેરસ સાથે સામાન્ય રીતે ગુજરાતીઓની એવી માન્યતા છે કે આ દિવસોમાં યથાશક્તિ સોનું ખરીદવું જોઈએ. જેમને દાગીના ન ખરીદવા
હોય અને ખાસ પૈસા ખર્ચ ન કરવા હોય એવા નોકરિયાત વર્ગ અથવા મધ્યમ વર્ગના લોકો એક કે બે ગ્રામનો સિક્કો જરૂર ખરીદે. જેઓ દશેરામાં ન ખરીદે તેઓ ધનતેરસના દિવસે તો
સોનું ખરીદે જ, કારણ, ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન થાય છે એથી આ દિવસ પણ સોનાની ખરીદી માટે ઉત્તમ ગણાય છે.
લગભગ પાંચેક વર્ષ પહેલાંની વાત છે કે સોનાની દુકાનમાં સાંજ સુધીમાં એક અને બે ગ્રામના સિક્કા ઘટી જતા. ઘણા મોટા જ્વેલર્સ પોતાની દુકાનની બહાર દશેરા અને દિવાળીમાં એક અને બે ગ્રામના સિક્કા માટે વિશેષ કાઉન્ટર રાખતા અને અહીં રાત્રે ૧૨ વાગ્યા સુધી ગ્રાહકોની મોટી હરોળ એક અને બે ગ્રામના સોનાના સિક્કાઓની ખરીદી માટે રહેતી.
પ્રસંગને કારણે થઈ સોનાની ખરીદી દિવાળીમાં
અહીં દાનાભાઈ જ્વેલર્સના પાર્ટનર અશોક મીનાવાલા કહે છે, ‘છેલ્લા ૬ મહિનાથી માર્કેટ ઘણી મંદ પડી ગઈ હતી અને એમાં પણ જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે વેપારમાં ઘણી મંદી આવી ગઈ હતી. બજેટ પછી સોના પર અઢી ટકા ડ્યુટી લાગ્યા બાદ તો આ આખા વેપારનું તંત્ર જ બદલાઈ ગયું. સોનાના ઑફિશ્યલ અને અનઑફિશ્યલ ભાવમાં બહુ ફરક આવી ગયા. એક તરફ આ તફાવત વધ્યો અને બીજી તરફ સોનાના ભાવમાં પણ વધારો થતો ગયો. આ વખતે નવરાત્રિમાં ધંધો જામવામાં વાર લાગી, પણ દશેરા અને દિવાળી આમ જોઈએ તો ધાર્યા કરતાં સારાં ગયાં. અલબત્ત, ગયા વર્ષની તુલનાએ એક વાત ચોક્કસ છે કે એ દિવાળી કરતાં આ વર્ષે આશરે ૨૦થી ૨૫ ટક્કા ધંધામાં પડતી જણાઈ છે. મધ્યમવર્ગીય અને વેપારી વર્ગના લોકો, જેમને ત્યાં પ્રસંગ હોય એવા ગ્રાહકોની સંખ્યા હાલમાં વધારે છે.’
તેઓ આગળ એક અને બે ગ્રામના સિક્કાના વેચાણ માટે કહે છે, ‘ધનતેરસના દિવસે જે લોકો શુકન માટે અથવા સોનું જમા થવાના હેતુથી એક-બે ગ્રામનું સોનું લે છે તેઓ પર મંદીની સૌથી વધુ અસર થઈ છે અને એમાં પણ જીવનનિર્વાહ ખર્ચ વધી રહ્યો છે, બાંધી આવકમાં જ ચલાવવું પડે છે, મંદીને કારણે બોનસ પણ નથી મળ્યા એથી આ વેચાણ બહુ ઓછું થયું છે.’
વધતી જતી મોંઘવારી અને લોકોના આવકના માર્ગોમાં અનિશ્ચિતતાને કારણે સોનાના ધંધામાં દિવાળીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે જરૂર મંદી જણાઈ છે.
રેડીમેડમાં ધાર્યા કરતાં ધંધો સારો
રેડીમેડ ડ્રેસનું વેચાણ દિવાળી દરમ્યાન કેવું રહ્યું એ જણાવતાં પાયલ ડ્રેસિસના માલિક અને હોલસેલના વેપારી વિરલ વોરા કહે છે, ‘હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રેડીમેડના ધંધામાં અમે જે વિચાર્યું હતું એના કરતાં અમને લોકો પાસેથી દિવાળીમાં સારો પ્રતિસાદ મળ્યો. મને મારા અમુક રીટેલ વેપારીઓએ પણ કહ્યું કે અમારો ધંધો સારો થયો. ગયા વર્ષની તુલનાએ તો ૧૦ ટકા જેટલો ઓછો ધંધો થયો એમ કહી શકાય. હું દાદરમાં છું અને મેં જોયું કે દિવાળી દરમ્યાન દાદરની માર્કેટમાં પગ મૂકવાની જગ્યા નહોતી એટલા લોકો ખરીદી માટે ઊમટ્યા હતા. આ વાત માત્ર અહીંની છે. કદાચ શહેરના અન્ય ભાગમાં વેપાર કરનારા વેપારીઓને મંદી અનુભવાઈ હોય એમ પણ બની શકે.’
જોકે વેપારમાં તેજી અને મંદી એ એના વિસ્તાર પર પણ નિર્ભર કરે છે.
ગયા વર્ષ કરતાં આ વર્ષે ધંધામાં મંદી
મુંબઈમાં જે ગ્રુપની ૯૦ જેટલી રેસ્ટોરાં છે એના પાર્ટનર હોટેલ ઇન્ડસ્ટ્રી પર દિવાળીમાં આ વર્ષે કેવો વેપાર રહ્યો એ જણાવતાં મુંબઈના માલિક કહે છે, ‘દિવાળીની પરિભાષા ધીરે-ધીરે બદલાઈ રહી છે. હવે લોકોને રજા હોય એથી તેઓ બહારગામ ચાલ્યા જાય છે. અમારે ત્યાં એક વાત છે કે દિવાળી અને બેસતા વર્ષ એ બન્ને દિવસે હોટેલ્સમાં પહેલાંનાં વર્ષોમાં ખૂબ ભીડ જોવા મળતી અને ઘણી વાર આ બેમાંથી એક દિવસ અમને વધુ લાભ થાય એટલુ પાક્કું રહેતું, પણ આ વર્ષની દિવાળીમાં ભીડ ઓછી જણાઈ. દિવાળી અને બેસતું વર્ષ બન્ને દિવસોમાં ધંધો મંદ હતો. ગયા વર્ષ અને આ વર્ષની તુલના કરીએ તો આશરે ૧૨થી ૧૫ ટકા વેપાર ઓછો થયો છે. ઘણી જગ્યાએ તો અમારા માણસોને બોનસ પણ અમારે અમારા ખિસ્સામાંથી જ આપવો પડ્યો છે.’
ખાણીપીણીમાં ખાસ અસર નહીં
અંધેરી-પશ્ચિમના લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એરિયાના અજમેરા ગ્રુપની અડેમો હૉસ્પિટલિટી એલએલપીની મોટી રેસ્ટોરાં; વાઇટ ચારકોલ, લોકો લોકા અને ઓટિયમના માલિક હર્ષ અજમેરા કહે છે, ‘અમારી રેસ્ટોરાંમાં દિવાળી દરમ્યાન ભીડ હતી અને અમારા ધંધા પર દિવાળીમાં મંદીની અસર હોય એવું અમને નથી લાગ્યું, કારણ કે આ વર્ષે પણ અમે ગયા વર્ષ જેટલો જ ધંધો કર્યો છે. અમારી આશા પ્રમાણે મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા અને અમારી સેવાનો લાભ લીધો.’
મીઠાઈની અનિવાર્યતાથી વેપારમાં નથી નડતી મંદી
મુંબઈમાં ચર્ની રોડના રાજકોટ પેંડાવાળા કામદાર સ્વીટ્સના જિમી ઠક્કર મંદીની મીઠાઈના વેપાર પર અસર જણાવતાં કહે છે, ‘બીજા ઉદ્યોગની જેમ અમારી ફૂડ-ઇન્ડસ્ટ્રી પર મંદીનો ખૂબ પ્રભાવ નથી પડતો. અમારો વેપાર મીઠાઈનો છે જે પ્રસંગ, ઉત્સવ અને તહેવારોમાં અનિવાર્ય છે એટલે લોકોએ એ ખરીદવી જ પડે. હા, એક મોટો તફાવત અમે જોયો કે કૉર્પોરેટ ઑફિસ તરફથી અમને મોટા ઑર્ડર મળે છે. તેઓએ ગયા વર્ષે અઢી હજાર પૅકેટ્સ લીધાં હતાં અને આ વર્ષે ઓછાં કરીને ફક્ત ૧૫૦૦ પૅકેટ્સ ખરીદ્યાં. તેઓએ પણ મુખ્ય ક્લાયન્ટ્સને જ મીઠાઈ આપી. અમુક બાંધેલા ઘરાકો જે દર વર્ષે એક કિલો મીઠાઈ લે છે તેઓએ પોણો કિલો લીધી, અડધો કિલોવાળાએ ૪૦૦ ગ્રામ લીધી. આમ લોકો પર મંદીનો પ્રભાવ છે એવું જણાયું. તેઓએ ખર્ચા પણ ઓછા કરી નાખ્યા છે. અમારા ધંધામાં ગયા વર્ષની દિવાળી કરતાં આ વર્ષે ૧૫ ટકા ઘટ આવી છે.’
લોકો આર્થિક રીતે જ્યારે મૂંઝાતા હોય ત્યારે કપડાં, સોના, ચાંદી, ગિફ્ટની વસ્તુઓ અને અનેક સુખ-સુવિધાની વસ્તુઓ પર થતા બિનજરૂરી ખર્ચાને જરૂર ઓછો કરી શકે છે, પણ ખાવા-પીવા પર અથવા પ્રસંગોમાં રેસ્ટોરાંમાં જવાના ખર્ચા પર નિયંત્રણ લાવવું યોગ્ય નથી સમજતા. દિવાળીમાં લોકોના ઘરમાં પૂજા પણ મોટા પ્રમાણમાં થાય છે. ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન માટે મીઠાઈ જરૂરી હોય છે. લોકોને એકબીજાને ઘરે આપવા-લેવા માટે અને કૉર્પોરેટ ગિફ્ટમાં પણ મીઠાઈ અને ચૉકલેટ વપરાય છે અને એથી જ આ ખર્ચો અનિવાર્ય બની જાય છે.
દિવાળીનો તહેવાર કેવો રહ્યો એ વિશે જણાવતાં વેપારી કૃણાલ ઝવેરી કહે છે, ‘આ વર્ષે ફટાકડા જરૂર ઓછા ફૂટ્યા છે, કારણ લોકોમાં હવે એની વિપરીત અસર માટે જાગૃતિ આવી ગઈ છે, પણ મને મંદી હોય એવું દિવાળીમાં લાગ્યું નહોતું. આજના લોકોએ પૈસા ખર્ચવાની પોતાની શૈલી બદલી નાખી છે. જેમ કે હવે લોકો દિવાળીમાં મૂવી જોવા જાય છે, પીત્ઝા અને ઇટાલિયન ખાવા જાય છે. પહેલાં અમે દુકાનમાં નવી વસ્તુઓ ખરીદવા જતા, હવે બજારમાં ઓછી ભીડ છે, કારણ લોકો ઑનલાઇન વસ્તુ ખરીદે છે. મુંબઈની બહાર ફરવા જવામાં વધારે ખર્ચો કરે છે. આમ તહેવારો તરફનો લોકોનો અભિગમ બદલાયો છે, પણ દિવાળીની મજા તો લોકોએ માણી જ હતી.’
બોરીવલીમાં રહેતા અન્ય એક બિઝનેસમન હેમાંગ શાહ કહે છે, ‘દિવાળીમાં આ વર્ષે આમારા વિસ્તારમાં વર્ષો પછી ખૂબ ફટાકડા ફૂટ્યા. મારા વર્તુળમાં વધારે પડતા બિલ્ડર અને આર્કિટેક્ટ્સ છે અને એ બધા લોકોએ પણ દર વર્ષની જેમ ધામધૂમથી દિવાળી મનાવી. મારા મિત્રવર્તુળમાં અમુક લોકો હમણાં ફરવા ગયા છે, અમુક આવતા અઠવાડિયે જશે. આમ લોકોએ બહારગામ જવા પર પણ સારો એવો ખર્ચો કર્યો છે. લોકો હવે મીઠાઈ ઓછી અને સૂકા મેવા તથા ચૉકલેટ્સની ખરીદી વધારે કરે છે. સોનાના ભાવ વધ્યા છે એથી કદાચ ત્યાં ઓછો ઘંધો થયો હોય, પણ મેં ચાંદીની દુકાનોમાં આ વર્ષે ધનતેરસના દિવસે લાઇન જોઈ હતી. નવાં કપડાં પહેરીને ધામધૂમથી લોકોએ ચોપડાપૂજન પણ કર્યું હતું, પીત્ઝાના ખાસ જે જૉઇન્ટ્સ છે ત્યાં કેટલાય લોકોની લાંબી લાઇન હતી. કદાચ લોકો પહેલાંની જેમ બિનજરૂરી ખર્ચ નથી કરતા, પણ પોતાન પર પ્રસંગે ખર્ચો કરે જ છે. આવું જોઈને થાય કે આ મંદી નથી, પણ તહેવારો પ્રત્યેનો નવી પેઢીના લોકોની વિચારધારામાં આવેલો ફરક છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK