બાલાજીને ફળ્યો ઇમરાન : દર વર્ષે એક ફિલ્મની ભેટ આપશે એકતા

Published: 14th December, 2011 09:17 IST

‘ધ ડર્ટી પિક્ચર’ની સફળતા બાદ પ્રભાવિત એકતા તેને દર વર્ષે ઓછામાં ઓછી એક ફિલ્મમાં લેશેઇમરાન હાશ્મી અત્યારે બૉલીવુડમાં એવું સ્થાન મેળવવામાં સફળ થઈ રહ્યો છે જે કોઈ સુપરસ્ટારથી ઓછું ન ગણી શકાય. હિન્દી ફિલ્મજગતનાં બે ખૂબ જ સફળ પ્રોડક્શન હાઉસિસમાં તેની અત્યારે એટલી બોલબાલા છે કે લાગી રહ્યું છે કે તેનો આ સિતારો સમય જતાંની સાથે આગળ જ વધશે. મહેશ અને મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સમાં તો ફેવરિટ ઍક્ટર તરીકે ઇમરાનની ગણના થાય જ છે, હવે એકતા કપૂર માટે પણ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ અને ત્યાર પછી થોડા દિવસ પહેલાં રિલીઝ થયેલી ‘ધ ડર્ટી પિક્ચર’ની સફળતા બાદ બાલાજી મોશન પિક્ચર્સ માટે તે ડિમાન્ડિંગ ઍક્ટર થઈ ગયો છે.

આગામી ફિલ્મ ‘શાંઘાઈ’ના ડિરેક્ટર દિબાકર બૅનરર્જી દ્વારા આપવામાં આવેલા ઉપનામ ‘કૉમન મૅન્સ સ્ટાર’ને ઇમરાન યથાર્થ પુરવાર કરે છે એવું માનનારી એકતા કપૂર કહે છે, ‘આજના જમાનામાં સામાન્ય માણસોને થિયેટર્સ સુધી ખેંચવામાં ઇમરાન જેટલા સફળ કલાકારો ખૂબ જ ઓછા છે. આ બાબત તેની ભૂતકાળની ફિલ્મો વડે સાબિત થાય જ છે. આ ઉપરાંત કામ કરવા માટે તે એક ખૂબ જ સારો માણસ છે.’

કહેવામાં આવી રહ્યું છે કે એકતા અને તેની ટીમ સાથે કામ કરવામાં ઇમરાનને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નથી પડી રહ્યો અને એ કારણે જ તેનાથી બધા ખૂબ જ પ્રભાવિત થયા છે અને દર વર્ષે ઓછામાં ઓછી એક ફિલ્મમાં તો સાથે કામ કરવા માગે જ છે. આ કારણે જ તેને જેટલા વધુ પ્રોજેક્ટ્સમાં કાસ્ટ કરવામાં આવે એટલું સારું એવું બાલાજી મોશન પિક્ચર્સ સાથે સંકળાયેલા લોકો માને છે.

ઇમરાનને એકતા કપૂરના પ્રોડક્શનની વિશાલ ભારદ્વાજ સાથેની ‘ડાયન’માં તો લીડ રોલ મળ્યો જ છે, પણ સાથે-સાથે ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે પણ તેની સાથે વાતચીત ચાલી રહી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK