Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બિગ બૉસના ઘરમાં હું દરરોજ ૧૫૦ રોટલી બનાવતી

બિગ બૉસના ઘરમાં હું દરરોજ ૧૫૦ રોટલી બનાવતી

10 February, 2021 01:00 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બિગ બૉસના ઘરમાં હું દરરોજ ૧૫૦ રોટલી બનાવતી

સ્ટીમિંગ ઇડલી : રંગબેરંગી સ્ટીમ ઇડલી અને સાંભાર જેવું હેલ્ધી કૉમ્બિનેશન બનાવવાની પણ મજા આવે અને ખાવાની પણ.

સ્ટીમિંગ ઇડલી : રંગબેરંગી સ્ટીમ ઇડલી અને સાંભાર જેવું હેલ્ધી કૉમ્બિનેશન બનાવવાની પણ મજા આવે અને ખાવાની પણ.


મોનલ ગજ્જર હજી હમણાં જ ‘બિગ બૉસ’ તેલુગુની ચોથી સીઝનમાંથી ૯૦ દિવસ રહીને બહાર આવી અને અત્યારે તે તેલુગુ શો ‘ડાન્સ પ્લસ’ની ચોથી સીઝનમાં જજ છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવી દેનારી આ ગુજરાતી ઍક્ટ્રેસે ‘રેવા’, ‘થઈ જશે!’ અને ‘આવ તારું કરી નાખું’ જેવી ગુજરાતી ફિલ્મો કરી, તો હમણાં પંકજ ત્રિપાઠી સાથે ક્રિટિકલી ખૂબ વખણાયેલી ફિલ્મ ‘કાગઝ’ પણ કરી. મોનલ અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે પોતાના ફૂડ-પૅશન્સની વાતો કરે છે. મોનલ કહે છે, ‘કિચનમાં બ્લન્ડર થવાં જોઈએ, થયેલાં બ્લન્ડર જ તમને ટ્રેઇન કરતાં હોય છે’

ખીચડી મારી ફેવરિટ અને એમાં પણ વઘારેલી ખીચડી તો મને અનહદ ભાવે. શૂટ પર લાંબો સમય રહેવાનું બને અને એ પછી હું ઘરે પાછી આવું એટલે સૌથી પહેલું કામ ખીચડી ખાવાનું કરવાનું. ખીચડી ટેસ્ટ માટે જ નહીં, હેલ્થ માટે પણ એટલી જ બેસ્ટ છે અને સૌથી સરસ વાત એ કે એની મેકિંગ-પ્રોસેસ પણ એટલી જ ઈઝી છે. અડધી રાતે ભૂખ લાગે અને જો તમને ખીચડી મળી જાય તો એ ખાવામાં જરાય વાંધો નહીં અને મજાની વાત એ કે એ તમને સંતોષ પણ કરે. થૅન્ક ગૉડ કે હવે ખીચડી બધી જગ્યાએ મળે છે. હા, થોડો ટેસ્ટ અલગ હોય કે પછી એમાં પડતાં ઇનગ્રેડિયન્ટ્સ અલગ હોય, પણ ખીચડી હોય ખરી. ખીચડી જેવું જ ઇડલીનું છે. ખાવામાં હેલ્ધી અને બનાવવામાં એકદમ આસાન.
ખીચડી મારી ફેવરિટ છે એવી જ રીતે મને ગુજરાતી ફૂડ પણ બધું ભાવે. એમાં પણ ભાખરી મને વધારે ભાવે. મને બધાં જ શાક ભાવે, એવું કોઈ શાક નહીં હોય કે મને ભાવતું ન હોય કે હું ખાતી ન હોઉં. મારો નિયમ છે કે થાળીમાં જેકાંઈ પીરસાય એ બધી વરાઇટી ખાવાની. ક્યારેય અન્નનો અનાદર નહીં કરવાનો. મારો ઉછેર જ એ રીતે થયો છે. નાનપણથી મમ્મી ગીતાબહેને મને શીખવ્યું છે કે થાળીમાં જે હોય એ છોડીને ક્યારેય ઊભા નથી થવાનું, ક્યારેય ફૂડ વેસ્ટ નહીં કરવાનું. વાત સાચી પણ છે કે આપણે એટલા બ્લેઝ્‍ડ છીએ કે આપણને બે ટાઇમ વ્યવસ્થિત જમવા મળે છે. દુનિયામાં અઢળક લોકો છે જેમને બે ટંક પૂરું જમવા પણ નથી મળતું. આ જ વાત મને ‘બિગ બૉસ’ તેલુગુના ઘરમાં પણ ફરીથી શીખવા મળી. તમારી પાસે બહુ લિમિટેડ કહેવાય એવી ફૂડ-આઇટમ હોય ને એમાં જ તમારે ચલાવવાનું હોય. આવા સમયે તમને ફૂડની સાચી કિંમત સમજાય.
ફ્લૅશબૅક...
મૂળ અમે સૌરાષ્ટ્રના જસદણ ગામના, પણ મારો ઉછેર અમદાવાદમાં જ થયો છે. મમ્મી ખૂબ સરસ કુક, તે રસોઈ બનાવવામાં ચીવટ પણ ખૂબ રાખે. તમને હું કહુંકે મમ્મીની રસોઈમાં તમને ક્યારેય તેલ, ઘી કે બીજી કોઈ આઇટમ વધારે પડતી વપરાઈ હોય એવું ન લાગે. બધું એકદમ પ્રમાણસર હોય. હું નાની હતી ત્યારે મમ્મીને પોતાનો સાડીનો બિઝનેસ હતો એટલે તે સાડીની ખરીદી કરવા અવારનવાર સુરત જાય. હું ત્યારે પાંચમું ભણતી. મારો નિયમ, સ્કૂલથી આવીને સીધી મમ્મી પાસે ભાગું અને સ્કૂલમાં શું થયું એ બધું મમ્મીને કહું. મમ્મી અને નાની રસોડામાં કામ કરતાં હોય. તેમને કામ કરતાં જોઈને જ હું કામ શીખી છું. ગ્રાસ્પિંગ પાવર સારો એટલે કુકિંગ પણ ગ્રાસ્પ કરીને શીખી અને જેકાંઈ શીખી એ બને પણ સરસ. મારા માટે તો એ વખતે આ બધું ઍડ્વેન્ચર જેવું હતું. અમે બે બહેનો, મોટી હું. મમ્મી સુરત જાય એટલે તેમની ગેરહાજરીમાં રસોઈની જવાબદારી મારી હોય. મને એક કિસ્સો યાદ આવે છે...
એક વખત મેં સ્કૂલથી આવીને પપ્પા અને બહેનને પૂછ્યું કે આપણે બટાટાવડાં ખાવાં છે. તેલ તો એ સમયે લક્ઝરી ગણાતી એટલે અમારા ઘરમાં તેલનો બહુ ઉપયોગ થતો નહીં, વાર-તહેવારે કે પછી ઘરે મહેમાન આવ્યા હોય એ વખતે તેલની આઇટમ બને. પપ્પા અને બહેને હા પાડી એટલે એ દિવસે મેં ઘરે બટાટાવડાં બનાવ્યાં, વડા ફ્રાય કરવાનાં હોય એટલે ઑબ્વિયસલી તેલ વધુ વપરાય, પણ મેં તો એવો વિચાર કર્યા વિના બનાવી નાખ્યાં બટાટાવડાં. ખૂબ સરસ બટાટાવડાં બન્યાં. મમ્મી એ જ સાંજે ઘરે આવી ત્યારે મેં તેને માટે સાચવી રાખેલાં વડાં તેને આપ્યાં. પહેલાં તો વડાં જોઈને મમ્મીને ઝટકો લાગ્યો, પણ ટેસ્ટ કર્યા પછી એ ઝટકો ઓસરી ગયો. મમ્મીને ખૂબ ભાવ્યાં. પછી તો એવું બન્યું કે મમ્મી જ્યારે પણ બહાર જાય અને મારે રસોઈ બનાવવાની હોય ત્યારે બહેન અને પપ્પાની એવી જાતજાતની ફરમાઈશ આવે અને હું એ બનાવું. બધાને ભાવે પણ ખરાં અને મમ્મી પણ રાજી થઈને ખાય. પછી હસતાં-હસતાં કહે પણ ખરાં કે હું તેલ સાચવીને વાપરું છું અને તમે લોકો જ્યાફત ઉડાડો છો.
‘બિગ બૉસ’ની વાત કહું તો હાઉસમાં હું રોજની ઓછામાં ઓછી ૧૫૦ રોટલી બનાવતી, કિચનની ડ્યુટી મારી હતી અને મને લોકોને જમાડવું પણ ગમે તો, બીજી વાત, કુકિંગ ફાવે પણ ખરું અને મારું ગમતું કામ પણ ખરું એટલે હું સામેથી કિચનની ડ્યુટી માગીને પણ બધાને માટે કુક કરતી.
પ્રેઝન્ટ...
અત્યારે તો કામને કારણે સતત ૧૪થી ૧૬ કલાક શૂટ ચાલતું હોય છે જેને કારણે લંચ-બ્રેક પણ ફિક્સ નથી રહેતો, પણ હા, હું એ વાતનું ધ્યાન રાખું કે સવારે સરસમજાનો નાસ્તો થઈ જવો જોઈએ. સવારે મારા નાસ્તામાં ભાખરી હોય, ખાખરા હોય, ઍપલ પ્રોટીન શેક હોય. પછી દિવસ દરમ્યાન ભૂખ લાગે તો સૅલડ ઑર્ડર કરી દીધો હોય કે પછી મિલ્ક-શેક પી લઉં, પણ એક વાતમાં કોઈ ચેન્જ ન આવવો જોઈએ. સવારે નીકળું એ પહેલાં હેવી બ્રેકફાસ્ટ લઈને જ નીકળવાનું જેથી બહુ જલદી ભૂખ ન લાગે. નૉર્મલી લોકો એવું કરતા હોય કે ઘરે આવે ત્યારે ડાયટ ફૉલો કરે, પણ હું ઘરે હોઉં ત્યારે એવું બને જ નહીં અને મને પણ એવું જ ગમે છે. હું બહાર મારા નિયમો પાળું, પણ ઘરે આવું એટલે મમ્મીના હાથની સરસમજાની બધી રસોઈ જમવાની અને એમાં કોઈ નિયમને વચ્ચે નહીં લાવવાના. મમ્મી પૂરણપોળી બનાવે તો એ પણ ખાવાની અને મમ્મીના હાથનાં દાળભાત પણ ખાવાનાં. અમદાવાદ આવી હોઉં ત્યારે હું મારો ફેવરિટ નૅચરલનો આઇસક્રીમ પણ અચૂક ખાઉં અને એ પણ રોજ. ડાર્ક ચૉકલેટ બહાર ન ખાઉં, પણ ઘરે આવ્યા પછી વિનાસંકોચ ખાવાનું રાખું. મારે ઘરે ઓછું રહેવાનું હોય છે એટલે હું ઘરમાં કોઈ વાતની ફિકર કરતી નથી. નિયમો બધા બહાર અને શૂટ પર હોઉં ત્યારે.
બ્લન્ડર, ધ બ્લેસિંગ...
લોકો બ્લન્ડરને ખરાબ માને છે અને એ હશે પણ ખરાં, પણ હું કહીશ કે ક્યારેય ભૂલ વિના શીખવા ન મળે. મારા હાથે બ્લન્ડર પણ થયાં છે, નથી થયાં એવું નથી, પણ એ બધાં બ્લન્ડર્સ મને પછી બહુ કામ લાગ્યાં છે. તમને એક વાત કહું. નાની હતી ત્યારે મેં એક વાર ભીંડાનું શાક બનાવ્યું. પહેલાં ભીંડાને પાણીથી સાફ કર્યા અને પછી એને લૂછતાં ભૂલી ગઈ અને સીધા જ મેં વઘારમાં નાખી દીધા. શાકમાં ચીકાશ આવી ગઈ. બહુ ટ્રાય કરી પણ પછી શાક સરખું બન્યું જ નહીં અને એ શાક નાહકનું જવા દેવું પડ્યું. એ પછી હું ક્યારેય ભીંડાને હાથ નહોતી લગાડતી, પણ હમણાં એ ઘટનાનાં વર્ષો પછી મેં ફરી વાર ‘બિગ બૉસ’ના ઘરમાં ભીંડાનું શાક બનાવ્યું ત્યારે મને એ કિસ્સો યાદ આવી ગયો એટલે ખાસ ધ્યાન રાખ્યું કે શાક બગડે નહીં. ભીંડા ધોઈને એને બહાર તડકામાં સૂકવવા મૂકી દીધા. ભીંડા બરાબર સુકાઈ ગયા એટલે પછી એનું શાક બનાવ્યું, બધાને બહુ ભાવ્યું શાક.



બિગ બૉસના ઘરમાં બ્લન્ડર


તમને બધાને ખબર છે કે ‘બિગ બૉસ’ હાઉસમાં મીઠો લોટ ખાવા આપે તો પણ બહુ મોટી લક્ઝરી મળી ગઈ હોય એવું લાગે. બધું તોલી-તોલીને વાપરવાનું હોય. મેં ચાર દિવસની મલાઈ ભેગી કરી એમાંથી ઘી બનાવ્યું અને એ પછી નક્કી કર્યું કે હવે ઘરમાં બધા માટે મોહનથાળ બનાવવો. વીકમાં એક વાર ચણાનો લોટ મળે. એ બેસન લઈને મેં એના મોહનથાળ બનાવીને એના લાડુ વાળ્યા. વળેલા આ લાડુ બરાબર પ્રોપર શેપમાં આવી જાય એ માટે મેં એને થોડી વાર માટે ફ્રીઝરમાં મૂક્યા અને પછી ટાસ્ક આવી ગયો એમાં એ લાડુ ફ્રીઝરમાં જ રહી ગયા અને એકદમ કડક થઈ ગયા. ફેંકી તો દેવાય નહીં એને એટલે એ લાડુને બહાર કાઢીને બે મિનિટ માટે અવનમાં ગરમ કર્યા તો નવું બ્લન્ડર થયું. મોહનથાળના લાડુ તો સાવ પીગળીને સપાટ એટલે કે કેકના આકારમાં આવી ગયા. ફેલાઈ ગયેલા એ મોહનથાળને કેકનો શેપ આપીને અમે એ મોહનથાળ કેકને આઇસક્રીમ સાથે મિક્સ કરીને ખાધો. હું કહીશ કે ફૂડ-મેકિંગનો તમારી પાસે એક્સ્પીરિયન્સ હોય તો તમે એને ક્યારેય વેસ્ટ થવા ન દો. વેસ્ટ થતું ફૂડ જોઈને ઑટોમૅટિકલી તમારું સબ-કૉન્શિયસ માઇન્ડ કામે લાગી જાય અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રોસેસ ઑન થઈ જાય.

નૉર્મલી લોકો એવું કરતા હોય કે ઘરે આવે ત્યારે ડાયટ ફૉલો કરે, પણ હું બહાર ડાયટના નિયમો પાળું અને ઘરે આવું એટલે મમ્મીના હાથની સરસમજાની બધી રસોઈ જમવાની. એમાં કોઈ નિયમને વચ્ચે નહીં લાવવાનો. મમ્મી પૂરણપોળી બનાવે તો એ પણ ખાવાની અને મમ્મીના હાથનાં દાળભાત પણ ખાવાનાં. અમદાવાદ આવી હોઉં ત્યારે હું મારો ફેવરિટ નૅચરલનો આઇસક્રીમ પણ અચૂક ખાઉં અને એ પણ રોજ...


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 01:00 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK