અનુરાગ કશ્યપે ‘બૉમ્બે વેલ્વેટ’ માટે આમિર ખાનની ત્રણ વર્ષ રાહ જોયા પછી હવે રણવીર સિંહને તેના સ્થાને લીધો
આમિર ખાનને અનુરાગ કશ્યપે લગભગ ત્રણ વર્ષ પહેલાં ૧૯૬૦ અને ’૭૦ના દાયકાના મુંબઈ પરની તેની ત્રણ ફિલ્મોમાંની પહેલી ફિલ્મ ‘બૉમ્બે વેલ્વેટ’ ઑફર કરી હતી. આમિરે આ સમય દરમ્યાન અનુરાગને ક્યારેય પોતાનો જવાબ નહોતો આપ્યો. એમ છતાં આ મહત્વાકાંક્ષી ટ્રાયલૉજી માટે અનુરાગ કશ્યપે આમિરની રાહ જોવાનું નક્કી કર્યું હતું. જોકે હવે તે ફિલ્મ સાથે આગળ વધવા માગે છે અને આમિરની હા કે ના વિશે ચિંતા કર્યા વગર તેણે રણવીર સિંહને આ ફિલ્મ માટે સાઇન કર્યો છે.
અનુરાગ કશ્યપ માટે રણવીર હવે એક ફેવરિટ ઍક્ટર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. ‘ઉડાન’ના ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણેની બીજી ફિલ્મમાં પણ રણવીર કામ કરશે અને અનુરાગ કશ્યપ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર તરીકે કામ કરશે. આ ઉપરાંત એ ફિલ્મ પણ ૧૯૫૦ના દાયકામાં બનેલી અમુક ઘટનાઓ પરની મોટા બજેટની હશે અને લાગે છે કે અનુરાગ કશ્યપને રણવીર પર ખૂબ જ ઓછા સમયમાં ઘણો વિશ્વાસ આવી ગયો છે. તેણે પોતાની આ ટ્રાયલૉજીમાં પણ રણવીર સાથે જ કામ કરવાનું નક્કી કર્યું છે.
રણવીરે ખુદ થોડા સમય પહેલાં કબૂલ્યું હતું કે તે રિયલ લાઇફની ઘટનાઓ અને પાત્રો પરની ફિલ્મમાં કામ કરવા માગે છે. આ બન્ને ફિલ્મોમાં તેને એ પ્રકારના જ રોલ ઑફર કરવામાં આવ્યા છે. જોકે બન્ને રોલ માટે તેને ઘણી મહેનત કરવી પડશે અને એ કારણે જ બન્ને પ્રોજેક્ટ વચ્ચે તેને ઘણો સમય આપવામાં આવશે. ખબરો અનુસાર ‘બૉમ્બે વેલ્વેટ’નું શૂટિંગ જૂન-૨૦૧૨માં જ શરૂ થશે, કારણ કે આમિર ખાન માટે જે રોલ રાખવામાં આવ્યો હતો એની તૈયારી કરવા માટે રણવીરને ઘણો સમય આપવો પડે એ સ્વાભાવિક છે.
જોકે બૉલીવુડ સાથે સંકળાયેલી એક વ્યક્તિ એમ પણ કહે છે કે આમિર ખાનને ક્યારેય ‘બૉમ્બે વેલ્વેટ’ ઑફર જ નહોતી થઈ. આ ટ્રાયલૉજીની અન્ય ફિલ્મમાં તે કામ કરે એવી અનુરાગ કશ્યપની ઇચ્છા હતી. જોકે હજી સુધી એ ચોક્કસ નથી કે જો તેને અન્ય ફિલ્મ માટે વિચારવામાં આવ્યો હોય તો એમાં પણ તેની સાથે અનુરાગ કશ્યપ કામ કરશે કે નહીં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK