પોતાની તમામ ફિલ્મો ઉત્તર પ્રદેશમાં જ શૂટ કરવા માટે જાણીતા થયેલા વિશાલ ભારદ્વાજને ‘માતૃ કી બીવી કા મન ડોલા’નું શૂટિંગ ગુજરાતમાં કરવા માટે મનાવ્યા
ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા અભિનીત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘માતૃ કી બીવી કા મન ડોલા’ ફિલ્મનું શૂટિંગ વાંકાનેર અને માંડવીમાં કરવામાં આવશે. પોતાની તમામ ફિલ્મોનું શૂટિંગ હંમેશાં ઉત્તર પ્રદેશમાં કરનારા ડિરેક્ટરને ગુજરાતમાં લઈ આવવાનું કામ બીજા કોઈએ નહીં પણ ગુજરાત ટૂરિઝમના બ્રૅન્ડ-ઍમ્બેસેડર એવા બિગ બીએ કર્યું છે. ગુજરાત ટૂરિઝમ કૉર્પોરેશનના સેક્રેટરી વિપુલ મિત્રાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વિશાલની ઇચ્છા તો ઉત્તર પ્રદેશમાં જવાની હતી, પણ અમિતાભ બચ્ચને તેની સાથે વાત કરીને તેને ગુજરાતના પ્લસ પૉઇન્ટ સમજાવ્યા અને પછી અમને પણ ફોન કરીને વિશાલને જોઈતી સગવડ પૂરી કરી આપવાનું કહ્યું. જો બિગ બીએ આવો ઇન્ટરેસ્ટ ન લીધો હોત તો કદાચ આ પ્રોજેક્ટ ગુજરાતમાં ન આવ્યો હોત.’
કૉમેડી ફિલ્મ ‘માતૃ કી બીવી કા મન ડોલા’ માટે વિશાલ ભારદ્વાજે વાંકાનેર અને માંડવીમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે. ડિસેમ્બરમાં થનારા આ શૂટિંગમાં વાંકાનેર અને માંડવીના પૅલેસ ઉપરાંત સ્થાનિક માર્કેટ અને માંડવી બીચ પર શૂટિંગ થશે. શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં કુલ ૨૧ દિવસનું શૂટિંગ કરવામાં આવશે, જેમાં બે ગીતનો પણ સમાવેશ થાય છે. ફિલ્મના શૂટિંગ માટે ઇમરાન ખાન, અનુષ્કા શર્મા, પંકજ કપૂર અને બીજા કો-ઍક્ટર્સ આવશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK