આલિયાની નવી શૉર્ટ ફિલ્મ ધૂમ મચાવી રહી છે

Published: 27th October, 2014 05:02 IST

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હાઇવે’, ‘ટૂ સ્ટેટ્સ’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ દ્વારા લોકોનાં દિલ જીતી લેનારી આલિયા ભટ્ટ હવે એક શૉર્ટ ફિલ્મમાં પબ્લિકને ગમી રહી છે. મહિલાઓની સેફ્ટી પર આધારિત આ શૉર્ટ ફિલ્મનું નામ ‘ગોઇંગ હોમ’ છે અને થોડા દિવસ પહેલાં યુટયુબ પર લૉન્ચ થયા પછી હવે એ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ધૂમ મચાવી રહી છે.

આ ફિલ્મ ‘ક્વીન’ના ડિરેક્ટર વિકાસ બહલે બનાવી છે જેમાં તેણે એક મહિલા જેની માત્ર કલ્પના જ કરી શકે એવી પરિસ્થિતિ દેખાડી છે. આજના અવિશ્વાસ અને ડરના માહોલનો એમાં છાંટો પણ નથી.
પાંચેક મિનિટથી થોડી લાંબી આ શૉર્ટ ફિલ્મમાં આલિયાને ભરરાતે ડ્રાઇવ કરતી દેખાડવામાં આવી છે અને તે પોતાની મમ્મીને ફોન પર કહી રહી છે કે હું જલદી જ ઘરે પહોંચી જઈશ. પણ અચાનક તેની કાર ખોટકાઈ જાય છે. આખા રસ્તા પર કોઈ નથી અને તે વિચારમાં પડી જાય છે કે હવે શું કરવું. ત્યાં જ તેને એક કાર દેખાય છે જેમાં કેટલાક છોકરાઓ છે જે સ્મોકિંગ કરી રહ્યા છે અને તેને ઘૂરી રહ્યા છે.


એકલી છોકરીને જોઈને તેઓ પોતાની કારને આલિયાની કારની નજીક લઈ આવે છે. હવે શું થશે એના વિશે તમને સ્વાભાવિક વિચારો જ આવશે - સૂમસામ રાત, ટૂંકાં કપડાં પહેરેલી એક જુવાન છોકરી રસ્તા પર એકલી, સામે કેટલાક યંગ છોકરાઓ અને પછી તેમના દ્વારા છોકરી પર...બટ વેઇટ, આ ફિલ્મમાં આવું કંઈ નથી થતું. છોકરાઓ આલિયાની કાર રિપેર કરવાની કોશિશ કરે છે અને એમાં સફળતા નથી મળતી તો તેઓ આલિયાને તેના ઘર સુધી સુરક્ષિત રીતે મૂકી આવે છે.પોતાના જનરલ નૉલેજની અછતને કારણે હાસ્યનું પાત્ર બનતી આલિયાએ થોડા સમય પહેલાં પોતાની જ ઠેકડી ઉડાડતો એક વિડિયો બનાવીને પણ વાહવાહી લૂંટી હતી. હવે મહિલાઓની સેફ્ટી પરની ફિલ્મ ધૂમ મચાવી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK