અક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ

Updated: 30th June, 2020 16:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મલ્ટીપ્લેક્સે ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર કરી, 'સૂર્યવંશી' 13 નવેમ્બરે અને '83' ડિસેમ્બરની 25 તારીખે રિલીઝ થશે

ફિલ્મ '83' અને 'સૂર્યવંશી'નું પોસ્ટર
ફિલ્મ '83' અને 'સૂર્યવંશી'નું પોસ્ટર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે બૉલીવુડની બિગ બજેટ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નહોતી થઈ શકી. એટલે મેકર્સ ધીમેધીમે એક પછી એક ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યાં છે. પરંતુ અક્ષય કુમારની 'સૂર્યવંશી' અને રણવીર સિંહની '83' ફિલ્મના મેકર્સે પહેલેથી જ નક્કી કર્યું હતું કે ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવી. એટલે આ ફિલ્મો થિયેટરમાં ક્યારે રિલીઝ થશે તેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે દર્શકોની આતુરતાનો આંત આવ્યો છે અને બન્ને ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે, રોહિત શેટ્ટી તથા અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ દિવાળી પર એટલે કે 13 નવેમ્બરના રોજ રિલીઝ થશે જ્યારે કબીર ખાનની ‘83’ ક્રિસમસ પર  એટલે કે 25 ડિસેમ્બરે રિલીઝ થશે. આ બંને ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પ્રોડ્યૂસ કરી છે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ગ્રુપના CEO શિબાશીષ સરકારે બૉલીવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બન્ને ફિલ્મ દિવાળી તથા ક્રિસમસ પર રિલીઝ થશે. અમે બન્ને ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવા ઈચ્છતા હતાં. અમને આશા છે કે દિવાળી તથા ક્રિસમસ સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. નોંધનીય છે કે, લૉકડાઉન બાદ પહેલી જ વાર હિંદી ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર તથા કેટરીના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ કેટેગરીની આ ચોથી ફિલ્મ છે. આ પહેલાં રોહિતે અજય દેવગન સાથે 'સિંઘમ' તથા 'સિંઘમ રિટર્ન્સ' અને રણવીર સિંહ સાથે 'સિમ્બા' બનાવી હતી. 'સૂર્યવંશી'માં અજય દેવગન અને રણવીર સિંહ પણ જોવા મળશે. રોહિત શેટ્ટીએ લૉકડાઉનમાં જ સ્પષ્ટતા કરી હતી કે, આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં અને જ્યારે પણ થિયેટર ફરીવાર ખુલશે ત્યારે જ આ ફિલ્મ રિલીઝ થશે.

જ્યારે ફિલ્મ '83' ભારતે પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે. '83'માં દીપિકા પાદુકોણ રોમી દેવના રોલમાં છે. દીપિકા પાદુકોણ ફિલ્મની કો-પ્રોડ્યૂસર પણ છે. 

નવાઈની વાત એ છે કે મલ્ટીપ્લેક્સે ફિલ્મ રિલીઝની જાહેરાત કરી છે. પરંતુ હજી સુધી ફિલ્મના ડિરેક્ટર્સ તથા કલાકારોએ આ ફિલ્મની રિલીઝ ડેટને લઈ કોઈ જાહેરાત નથી કરી.

First Published: 30th June, 2020 16:02 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK