‘હેરાફેરી ૩’ અક્ષયકુમાર વગર?

Published: 24th October, 2011 20:08 IST

અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલને ચમકાવતી ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’ ઘણી સફળ રહી છે અને એ કારણે જ ઘણા સમયથી આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે હવે લાગી રહ્યું છે કે રાજુના પાત્રમાં અક્ષયકુમાર હવે આ ત્રીજી ફિલ્મથી દૂર જ રહેવા માગે છે.

 

આ પાછળનું કારણ તેના અને પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા વચ્ચે થયેલા એક ઝઘડાને માનવામાં આવી રહ્યું છે. તેમની વચ્ચેનો ઝઘડો એટલો ખરાબ રહ્યો હતો કે હવે ભવિષ્યમાં અક્કી ક્યારેય તેમની સાથે કામ કરવા નથી માગતો.

જોકે અક્કીએ ફિલ્મમાં કામ કરવાની ના પાડતાં સૌથી વધુ મુશ્કેલી ફિલ્મના ડિરેક્ટર અનીસ બઝમીને થઈ છે. અત્યાર સુધી તેઓ આ ફિલ્મ માટે યોગ્ય સ્ક્રિપ્ટને લખવામાં સફળ નહોતા થયા અને જ્યારે તેમને સફળતા મળી છે ત્યારે હવે અક્કીએ પોતાનો આ નર્ણિય જાહેર કર્યો છે. અનીસ બઝમી આ કૉમેડી ફિલ્મ માટે યોગ્ય સ્ક્રિપ્ટ લખવા માગતા હતા અને એ કારણે જ તેમણે ઘણો સમય લીધો છે. આ સમય દરમ્યાન જ ઝઘડો થયા પછી અક્કીએ ના પાડી છે અને તેમણે ફિરોઝ નડિયાદવાલા સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ તેઓ ડિરેક્ટ કરશે.

અનીસ બઝમી માને છે કે કોઈ પણ ‘હેરાફેરી’ ફિલ્મ અક્ષય વગર અધૂરી જ છે અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. અનીસ બઝમી કહે છે, ‘આ સિરીઝ અને અક્ષય એકબીજાના પર્યાય છે. તેના વગર ફિલ્મ બની ન શકે.’ અનીસ બઝમીને લાગતું હતું કે સમય જતાં સમાધાન આવી જશે, પણ એક વખત કોઈ ફિલ્મમેકર મિત્ર સાથે ઝઘડો થયા પછી અક્કી તેની સાથે સમાધાન નથી કરતો.

અનીસ બઝમી કહે છે, ‘અક્ષય મારો ઘણો સારો મિત્ર છે અને ફેવરિટ ઍક્ટર પણ. અમે ‘વેલકમ’ અને ‘થૅન્ક યુ’માં સાથે કામ કર્યું છે. તેણે મને કહ્યું કે તે મારી સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કરશે, પણ આ ‘હેરાફેરી ૩’માં નહીં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK