યશરાજ ફિલ્મ્સનાં ૫૦ વર્ષના સુવર્ણ ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો આદિત્ય ચોપડાએ

Published: 28th September, 2020 21:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

‘કભી કભી’, ‘સિલસિલા’, ‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘મોહબ્બતેં’, ‘વીર-ઝારા’, ‘બન્ટી ઔર બબલી’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવી અનેક ફિલ્મો બનાવી હતી.

યશરાજ ફિલ્મ્સ
યશરાજ ફિલ્મ્સ

યશરાજ ફિલ્મ્સનાં ૫૦ વર્ષ થતાં એના ઇતિહાસ વિશે જણાવતાં આદિત્ય ચોપડાએ તેના પિતા યશ ચોપડાને યાદ કર્યા છે. યશ ચોપડાએ જ 1970માં યશરાજ ફિલ્મ્સની સ્થાપના કરી હતી. એ બૅનર હેઠળ અનેક યાદગાર ફિલ્મો બનાવવામાં આવી હતી જે આજે પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ‘કભી કભી’, ‘સિલસિલા’, ‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘મોહબ્બતેં’, ‘વીર-ઝારા’, ‘બન્ટી ઔર બબલી’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવી અનેક ફિલ્મો બનાવી હતી. રવિવારે પોતાના પિતા યશ ચોપડાને યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ પર આદિત્ય ચોપડાએ ભાવુક નોટમાં લખ્યું હતું કે ‘1970માં મારા યશ ચોપડાએ પોતાના ભાઈ બી. આર. ચોપડાની આરામદાયક છત્રછાયાને છોડીને આપબળે પોતાની કંપનીની સ્થાપના કરી હતી. તેઓ બી. આર. ફિલ્મ્સમાં એક કર્મચારી તરીકે જ કામ કરતા હતા. તેમની પાસે પોતાનું કહી શકાય એવું કંઈ જ નહોતું. તેમને કંપની ઊભી કરવાની પણ માહિતી નહોતી. જોકે સખત પરિશ્રમ, આત્મવિશ્વાસ અને સપનાં પૂરાં કરવાના દૃઢ નિશ્ચયને જોરે તેમણે આ વારસો ઊભો કર્યો. વી. શાંતારામે તેમના સ્ટુડિયોમાં પિતાજીને ઑફિસ માટે એક નાનકડી રૂમ આપી હતી. નાનકડી રૂમમાં શરૂ થયેલી કંપની એક દિવસે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી કંપની બની જશે એનો અંદાજો તો તેમને પણ નહોતો. 1995માં યશરાજ ફિલ્મ્સે 25મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે મારા ડિરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ રિલીઝ કરવામાં આવી. પાંચ દાયકાઓથી જૂનાં મૂલ્યો, વેપાર માટે પારંપરિક દૃષ્ટિકોણ રાખનારી અમારી કંપની બોલ્ડ વિચારો રાખનારી કંપની પણ છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વય જ યશરાજ ફિલ્મ્સની વ્યાખ્યા છે. આજે અમે યશરાજ ફિલ્મ્સના 50મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. એથી મને સવાલ તો એ પણ થાય છે કે 50 વર્ષની સફળતાનું રહસ્ય શું છે? જોકે એનો જવાબ છે આ કંપની સાથે એની ફિલ્મોમાં કામ કરનારા તમામ લોકો. ઍક્ટર્સ, ડિરેક્ટર્સ, લેખકો, મ્યુઝિક ડિરેક્ટર્સ એવા અનેક લોકો છે જે પોતાનાં કામ દ્વારા અમીટ છાપ છોડી ગયા છે. અંતે દર્શકો છે જેમણે અમારી ફિલ્મોને ભરપૂર પ્રેમ અને વિશ્વાસ આપ્યો. આ બધા લોકો જ અમારી 50 વર્ષની સફળતાનું રહસ્ય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK