ડૉક્યુમેન્ટ્રીમાં બેઝિક સ્ક્રિપ્ટનો અભાવ પડકારરૂપ પણ રસપ્રદઃ ચેતન ધનાણી

Updated: Sep 16, 2020, 16:37 IST | Keval Trivedi | Mumbai

અભિનેતા ચેતન ધનાણીએ ડાયરેક્ટર કરેલી ડૉક્યુમેન્ટ્રી ‘ઓખા મંડળ, એક અનોખું આંદોનન’નું ટ્રેલર લૉન્ચ થયું છે, જે ફેન્સને ખૂબ જ ગમ્યું છે. ચેતન ધનાણીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતા આ ડૉક્યુમેન્ટ્રી બાબતે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

ચેતન ધનાણી
ચેતન ધનાણી

ઢોલીવુડમાં પોતાની અલગ જ ઓળખ ધરાવતા, નેશનલ એવૉર્ડ વિનિંગ ફિલ્મ રેવાના લીડ એક્ટર અને સ્ક્રિનરાઈટર ચેતન ધનાણીએ ડાયરેક્ટર કરેલી ‘ઓખા મંડળ, એક અનોખું આંદોનન’નું ટ્રેલર લૉન્ચ થયું છે, જે ફેન્સને ખૂબ જ ગમ્યું છે. ચેતન ધનાણીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતા આ ડૉેક્યુમેન્ટ્રી બાબતે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, ‘રેવાના ડાયરેક્ટર અને મારા પાર્ટનર રાહુલ ભોળે એમના ટચમાં આ એનજીઓ (ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ) હતા. તેમણે એક પુસ્તક રાહુલને આપ્યું હતું, જે રાહુલને ખૂબ જ ગમ્યું. રાહુલને વિચાર આવ્યો કે આના ઉપર ડોક્યુમેન્ટ્રી તો બનવી જ જોઈએ. રાહુલે મને અને વિનીત કનોજિયાને આ બુક આપીને કહ્યું કે જો ઈન્ટરેસ્ટિંગ લાગે તો આપણે આમા કંઈક આગળ કરીએ. મેં અને વિનીતે આ પુસ્તક વાંચ્યું, પરંતુ રાહુલ અને વિનીત અન્ય એક ફિલ્મમાં કામ કરતા હોવાથી ડિરેક્શનની જવાબદારી મે સ્વીકારી. અમે ત્રણેય મળીને આની સ્ક્રિપ્ટ બનાવી.’

તેમણે ડૉક્યુમેન્ટ્રીના પડકાર વિશે કહ્યું કે, ‘ડૉક્યુમેન્ટ્રીમાં કોઈ બેઝિક સ્ક્રિપ્ટ હોતી નથી. ફિલ્મમાં આપણી સ્ક્રિપ્ટ હોય છે, બેઝિક સ્ક્રિન પ્લે હોય છે પરંતુ ડૉક્યુમેન્ટ્રીમાં આમ નથી હોતું, લોકો બોલે (ઈન્ટરવ્યૂ આપે) તે હિસાબે વાર્તા બનાવવાની હોય છે. ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રિપ્ટ ન હોવાના કારણે મારા માટે આ વધારે પડકકારરૂપ હતું પણ ઈન્ટરસ્ટીંગ પણ હતું. દરેક ઈન્ટરવ્યૂ લીધા અને તેમની વાતો ધ્યાનથી સાંભળી એ એટલી બધી રસપ્રદ હતી, અંત્યોદયનું કામ બહું સરસ થયું છે અમને બધાને થયું કે આ વાત બધાને ખબર પડવી જોઈએ અને એક ડૉક્યુમેન્ટ્રી તો બનવી જોઈએ, એવો અમારો ધ્યેય હતો. અલગ અલગ કોમ્યુનિટીના લોકો જેવા કે વાસણો આપીને કપડા લઈ જનારા, પશુપાલનનું કામ કરનારા, ખેતમજૂરી કરનારી મહિલાઓને મળવાનું થયું, જે અમારા માટે ખૂબ ઈન્સપાઈરિંગ હતું. મને થયું કે જે લોકો પણ આ ડોક્યુમેન્ટ્રી જોશે તે કંઇ કામ કરવા માટે પ્રોત્સાહિત થશે.’

રેવા ફિલ્મની વાત કરતાં તેમણે કહ્યું કે, કૉલેજના દિવસોમાં તેમણે તત્વમસી પુસ્તક વાંચ્યું હતું. હું, વિનીત અને રાહુલ કૉલેજ સમયથી સાથે હતા. તે વખતે અમે વાત કરી હતી કે જીવનમાં તક મળી તો આપણે આ વિષય ઉપર ફિલ્મ જરૂર બનાવીશું. છ વર્ષ બાદ આ વિચાર હકીકતમાં બદલાયો. અંતે તેમણે ઉમેર્યું કે, મારી આગામી ફિલ્મ 'બાઘડબિલ્લા' આવવાની છે જે ફૅન્સને ખૂબ જ ગમશે એવી મને આશા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK