આમિર ખાન રોજનાં ૫૦-૬૦ પાન ખાતો

Published: 24th October, 2014 04:13 IST

આમિર ખાનના વિવાદાસ્પદ પોસ્ટર બાદ હવે રાજકુમાર હિરાણીની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, સ્ટોરીનું સસ્પેન્સ યથાવત્
ઍક્ટર આમિર ખાને કહ્યું હતું કે ફિલ્મ ‘pk’ના કૅરૅક્ટરમાં જાન રેડવા તે રોજનાં ૫૦-૬૦ પાન ખાતો હતો. ગઈ કાલે દિવાળીના અવસરે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરતી વખતે મારી આ ફિલ્મ પણ સફળ થશે. એવી આશા દર્શાવતાં આમિરે કહ્યું હતું કે ‘યોગાનુયોગ મારી ફિલ્મો નાતાલ પર રિલીઝ થાય છે અને દિવાળીના તહેવારોમાં હું મારી ફિલ્મોનાં ટ્રેલર રિલીઝ કરતો રહ્યો છું. એથી આ ફિલ્મનું ટ્રેલર પણ દિવાળી પર જ રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. મને આશા છે કે મારી અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ સફળ રહેશે.’

આ ફિલ્મના શૂટિંગ વખતની કેટલીક ખાસ વાતો યાદ કરતાં આમિરે કહ્યું હતું કે ‘હું પાન નથી ખાતો, પરંતુ આ ફિલ્મમાં મારા રોલને ધ્યાનમાં લઈને રોજનાં ૫૦-૬૦ પાન ખાતો હતો અને આ માટે સેટ પર સતત પાનવાળાને હાજર રાખવો પડતો હતો.’

આમિર ખાન સાથે આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત, સંજય દત્ત, બમન ઈરાની અને સૌરભ શુક્લા પણ છે. ‘pk’ વિશે વધુ વાત કરતાં આમિરે કહ્યું હતું કે ‘રાજકુમાર હિરાણીની અન્ય ફિલ્મોની જેમ તેની આ ફિલ્મમાં પણ એક કડક સંદેશ છે. મારી કરીઅરનો સૌથી અઘરો રોલ મેં આ ફિલ્મમાં કર્યો છે. મારા કૅરૅક્ટરને કારણે આ ફિલ્મમાં હું સતત દેખાતો રહીશ.’

ફિલ્મની સ્ટોરી વિશે આમિરે કહ્યું હતું કે ‘હું આ વિશે વધુ કંઈ કહીશ તો એનું હાર્દ છતું થઈ જશે. આ ફિલ્મ વિશે ઘણી અફવાઓ ચાલે છે. કોઈ કહે છે મારો ડબલ રોલ છે તો કોઈ કહે છે હું પરગ્રહવાસીની ભૂમિકામાં છું, પરંતુ સાચી સ્ટોરી માટે બધાએ ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.’

રાજકુમાર હિરાણીની અગાઉની ફિલ્મોની જેમ ‘pk’માં પણ એક સૂત્રધાર છે. આ ફિલ્મમાં અનુષ્કા સૂત્રધાર બની છે. ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા ટ્રેલર મુજબ આમિર ખાન pkના રોલમાં છે અને અનુષ્કાનું નામ જગત જનની છે એટલું બહાર આવ્યું છે.

આ પહેલાં વિવાદાસ્પદ પોસ્ટર અને હવે બે મિનિટ દસ સેકન્ડના આ પ્રોમોએ લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જગાવી છે. ફિલ્મની સ્ટોરી વિશે કંઈ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું, પરંતુ ‘pk’ની ટીમે આ ટીઝરમાં તેના વિવાદાસ્પદ પોસ્ટરવાળા દૃશ્યની એક ઝલક પણ મૂકી છે.

સંજય દત્ત માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ

‘pk’માં સંજય દત્તનો પણ મહત્વનો રોલ છે અને જો પરમિશન મળે તો જેલમાં તેના માટે આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવાનો વિચાર છે એમ આમિર ખાને જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK