° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


આજે મા આનંદ શીલાનાં જન્મદિવસે વાગોળો તેમની ઓશો રજનીશ સાથેની સ્મૃતિઓ

28 December, 2021 05:35 PM IST | Mumbai | Chirantana Bhatt

મૂળ વડોદરાનાં પટેલ દંપતિના દીકરી શીલાએ ઓશો રજનીશ સાથે જોડાયા બાદ વિવાદોથી ઘેરાયેલી જિંદગી જીવી છે, અને આજે 72 વર્ષે તે સ્પષ્ટતાથી કહી શકે છે કે આ જિંદગીનું તેમને લગીરેક ગિલ્ટ નથી કે ન તો તે કોઇ કહેવાતા બોજમાંથી મુક્તિ મેળવવા માગે છે.

મા આનંદ શીલા સાથેની વાતચીતમાં ડોકાય છે સાદગી, નિર્ભિકતા, સ્વીકાર અને એક એવી વ્યકિત જે આજે પણ એટલી જ બિંધાસ્ત છે જેટલી પહેલાં હતી, તે પોતાની જિંદગી જીવે છે, કોઇને કંઇ શીખવા-કહેવા-સમજાવવાના અભરખા વિના.

મા આનંદ શીલા સાથેની વાતચીતમાં ડોકાય છે સાદગી, નિર્ભિકતા, સ્વીકાર અને એક એવી વ્યકિત જે આજે પણ એટલી જ બિંધાસ્ત છે જેટલી પહેલાં હતી, તે પોતાની જિંદગી જીવે છે, કોઇને કંઇ શીખવા-કહેવા-સમજાવવાના અભરખા વિના.

ઓશો રજનીશની વિવાદાસ્પદ અને છતાંય પ્રભાવી જિંદગીમાં જેણે રસ લીધો છે તે તમામ મા આનંદ શીલાના નામથી અજાણ્યા નથી. મૂળ વડોદરાનાં શીલા પટેલને તેમનાં પિતા અંબાલાલ પટેલ પહેલીવાર ઓશો રજનીશને મળવા લઇ ગયા અને પછી જે થયું તેનાથી બધાં જ વાકેફ છે. નેટફ્લિક્સ પર આવેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ વાઇલ્ડ વાઇલ્ડ કંટ્રીને કારણે મા આનંદ શીલા ફરી ચર્ચામાં આવ્યા અને સર્ચિંગ ફોર શીલા એ બીજી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ હતી જેમાં 34 વર્ષે ભારત આવેલા મા આનંદ શીલાની વાત કરાઇ. અનેક ઇન્ટરવ્યુઝ, જાતભાતના હાઇ સોસાયટીના લોકો સાથે મુલાકાત અને પિતાના હિંચકે બેસીને આંસુ લુછતાં મા આનંદ શીલાને બધાંએ ફરી જોયાં. મા આનંદ શીલા પર કથિત બાયોટેરરિઝમના હુમલો પ્લાન કરવાનો આક્ષેપ પણ મુકાયો તો જે ઓશો રજનીશને પોતે આજે પણ ગળાડુબ પ્રેમ કરે છે તે ઓશો રજનીશે પણ શીલાને ગુનેગાર ઠેરવ્યાં. 39 મહિના જેલમાં પસાર કર્યા પછી મા આનંદ શીલા જેલમાંથી છૂટ્યા પછી રજનીશ આશ્રમ સાથેના છેડા ફાડી સ્વિટ્ઝરલેન્ડમાં પંગુઓ અને વૃદ્ધો માટે કૅર હોમ ચલાવે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મા આનંદ શીલા સાથે ખાસ ઇન્ટરવ્યુ કર્યો. આ વાત-ચીતનો વિસ્તૃત અહેવાલ તેમનાં વ્યક્તિત્વની રસપ્રદ બાજુને ઉજાગર કરે છે.

હું તમને શું કહીને સંબોધું તો તમને ગમશે એવા સવાલના જવાબમાં મા આનંદ શીલા કહે છે કે જે રીતે તમને માફક આવતુ હોય તે રીતે સંબોધો. તમને જે કમ્ફર્ટેબલ લાગતુ હોય તે રીતે સંબોધો. આ એક કેઝ્યુઅલ સવાલથી અમારી વાત-ચીત ચાલુ થાય છે. પીળા રંગને એપ્લિક વર્કવાળો કુર્તો, સી-ગ્રીન સ્ટોલ, પાતળી ફ્રેમનાં ચશ્માં અને એક ધારો મીઠો અવાજ. આ વાત-ચીત સરળતાથી આગળ વધે છે અને તેમાં ડોકાય છે સાદગી, નિર્ભિકતા, સ્વીકાર અને એક એવી વ્યકિત જે આજે પણ એટલી જ બિંધાસ્ત છે જેટલી પહેલાં હતી, તે પોતાની જિંદગી જીવે છે, કોઇને કંઇ શીખવા-કહેવા-સમજાવવાનાં અભરખા વિના.

એવા કયા સવાલો છે જેના જવાબ આપી તમે પણ હવે કંટાળ્યા છો?

તું મને પૂછે છે એટલે જે મારા મનમાં આવે છે તે એ છે કે, લોકો મને હંમેશા પૂછે છે કે શું મને મુક્તિ મળી ગઇ છે, એક રીતે એમ કે શું હવે હું કોઇ બોજમાં છું ખરી? ત્યારે મને એમ થાય કે હું તો એ દિશામાં વિચારતી જ નથી. મારે જે કરવું હોય એ જ હું કરું છું, મારા મનમાં તે અંગે પુરી સ્પષ્ટતા છે. હું મુક્તિની અનિવાર્યતા વિશે શા માટે વિચારું? મને કોઇ ગિલ્ટ કે તે માટેની કોઇ ગુનાઇત લાગણી નથી. ગુનાઇત લાગણી અને મુક્તિ એક સિક્કાની બે બાજુ છે અને મને બેમાંથી કોઇપણ લાગુ નથી પડતાં. મોટા ભાગના લોકો મુક્તિ અને ગુનાઇત લાગણીની વચ્ચે જ જીવતાં હોય છે. મને કોઇએ એમ પૂછ્યું કે તમે ગિલ્ટ ફિલ થાય ત્યારે તમે શું પ્રતિક્રિયા આપો છો, પણ મને ગિલ્ટી ફિલ નથી થતું, હું એ જ કરું છું જે મારે કરવું હોય અને જે રીતે કરવું હોય તે જ રીતે કરું છું, તે રસોઇ હોય, સાફ સફાઇ હોય કે પછી કોઇ હાઇ ફિલોસોફીની વાત હોય. જે મારા મનમા હોય તે જ હું કરું છું, કહું છું.

શું તમે પહેલેથી જ મનસ્વી હતાં કે પછી તમે જે જિંદગી જીવ્યા તેને કારણે તમે તેવાં બન્યાં?

મને લાગે છે કે તે બંન્ને બાબતનું કોમ્બિનેશન છે. જિંદગીનાં પોતાનાં તત્વ હોય છે જેનાથી તમને પ્રેરણા મળે, પ્રેરણા તમને ત્યારે જ મળે જ્યારે તમારામાં એ ગુણ હોય. ગિલ્ટ ન હોય તો જ વ્યક્તિ મૂવ ઓન થઇ શકે.

પણ અમુક ફિલોસોફર્સનું માનવું છે કે ડર અગત્યનો છે કારણકે એ ભાવના હોય તો તમે ભૂલ ન કરો કારણકે તમે સતર્ક હો. તમારું આ અંગે શું કહેવું છે?

હું માનું છું કે તે રીતે વિચારવું ખોટું છે. જો તમને ડર લાગતો હોય તો તમે પહેલેથી જ તમારા ડરમાં ગુંચવાયેલા છો અને તમે ત્યારે 100 ટકા કોઇ પણ બાબતમાં ઇન્વોલ્વ નથી હોતા. તમે જ્યારે પણ કંઇ કરો તો તેમાં તમે પુરેપુરા, 100 ટકા ઇન્વોલ્વ હો તે જરૂરી છે.

જ્યારે તમારી સાથે ઓશો રજનીશની વાત થાય ત્યારે તમને હંમેશા પુછવામાં આવે છે શું તમારે તેમની સાથે શારિરીક  સંબંધો હતા? આટલા વર્ષો પછી પણ લોકો તમને આ સવાલ પૂછે જ છે, શું તમને તેનાથી અકળામણ થાય છે કે શા માટે હજી પણ લોકોને આ જ વાતમાં રસ છે?

તેમની જિંદગી આ જ મૂલ્યો પર ટકેલી છે એટલે એ લોકો એવા સવાલો કરે છે, તેઓ પોતાની જિંદગીમાં આ વિચારથી આગળ નથી વધી શક્યા અને કદાચ તેઓ મારી પાસેથી જાણવા માગે છે કે હું મારી જિંદગીમાં ત્યાં અટકી ગઇ કે હું આગળ વધી ગઇ છું. કોઇ પ્રામાણિક રીતે પૂછવા માંગતું હોય તો એમ પૂછે કે,”મને આવું લાગે છે અને મારે જાણવું છે કે તમે તમારા સંબંધ અંગે શું માનો છો?”

માની લો કે આ પ્રામાણિક સવાલ તમને હું અત્યારે પૂછું છું, તમે શું જવાબ આપશો?

આ સવાલનો જવાબ મેં મારી રીતે નહીં પણ એક યા બીજી રીતે આપ્યો જ છે. મેં જે સત્ય હતું એજ કહ્યું છે. હું તે માણસને પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું.  પ્રેમ અને સેક્સ બંન્ને અલગ ચીજો છે. મેં જ્યારે પણ ભગવાન (ઓશો રજનીશ) વિશે વિચાર્યું છે ત્યારે એક ક્ષણ માટે પણ મારી લાગણીઓને સેક્સ્યુઆલિટી સાથે નથી જોડી. ભગવાન માટે મને માત્ર પ્રેમ, સન્માન, આદર અને કૃતજ્ઞતા જ અનુભવાયાં છે.

આજના સમયમાં લોકો બિનશરતી પ્રેમની વાત કરે છે – અનકન્ડિશનલ લવ પણ તમે એવા સમયે બિનશરતી પ્રેમને આત્મસાત કર્યો જ્યારે તમે યુવાન હતાં, હોર્મોન્સ પણ હોય, શારીરિક ઇચ્છા પણ થાય પણ છતાંય બિનશરતી પ્રેમ તમે કેવી રીતે કરી શક્યાં?

હું બસ પ્રેમમાં પડી, કોઇ જુવાન છોકરી પ્રેમમાં પડે એમ જ. હું જે રીતે પ્રેમમાં પડી તે રીતે કોઇ પ્રેમમાં પડે ત્યારે કોઇ કંઇ વિચારે નહીં, મગજ ન વાપરે, બસ પ્રેમમાં પડો પછી તે હોર્મોન્સ હોય કે ન હોય કંઇ ફેર નથી પડતો અને  હું પ્રેમમાં હતી અને તે બહુ જ સરસ ફિલિંગ હતી.

તમે કોઇપણ પ્રકારની અપેક્ષા વિના પ્રેમમાં પડ્યાં હતાં?

પ્રેમમાં અપેક્ષા ન હોય, અને જો હોય તો તે પ્રેમ નથી સોદો છે, બિઝનેસ છે, તું મારે માટે આમ કર અને હું તારે માટે આ કરું, - એવી ગોઠવણ હોય તો તેને પ્રેમ ન કહેવાય

તમે રજનીશથી છૂટાં પડ્યાં તેને વર્ષો થઇ ગયાં પણ એ કઇ બાબતો છે જે તમારામાં હજી પણ નથી બદલાઇ, જે ત્યારે પણ હતી?

તમે મને જુઓ છો, હું જેવી આજે છું તેવી ત્યારે પણ હતી, ભગવાન સાથે પણ અને ભગવાન વિના પણ. હું સ્પષ્ટ વક્તા ત્યારે પણ હતી અને આજે પણ છું, ઊંમરને કારણે કે હું જે વાતાવરણમાં રહું છું, જેમની કાળજી રાખું છું ત્યાં મને આકરી ભાષાની જરૂર નથી, ભાષા બદલાઇ છે. બસ માત્ર ઊંમરનો ફેર છે, મારી મૂળ પ્રકૃતિ જેવી હતી તેવી જ આજે પણ છે.

ભાષા અને વહેવાર સિવાય બીજી કઇ બાબતો છે જે બદલાઇ ગઇ છે?

હું હજી પણ કોમ્યુનિટી સાથે રહું છું, મારી જિંદગી મારી રીતે જીવું છું, તમે જિંદગીને એવી રીતે વહેંચી ન શકો, હા મીડિયાવાળા મારી જિંદગીનું ડાયસેક્શન કર્યા કરે છે અને ભલે કરતા, મને કંઇ બહુ ફેર નથી પડતો.

સમય સાથે બધું બદલાય છે એ આપણે જાણીએ છીએ પણ તમારા રજનીશ સાથેના વર્ષો અને અનુભવથી કેટલા આગળ વધી ગયાં છો?

બિલકુલ આગળ વધી છું, ઘણી બધી, હું મુવ ઓન થઇ ગઇ છું, એ તો હવે છે જ નહીં. શારીરિક રીતે તો તે છે નહીં. મેં મારી જિંદગી જીવવાની રીત, શૈલી શોધી. હું તેમની સાથે હતી ત્યારે તે જીવતી હતી, તેમના પ્રકારની જિંદગી જીવતી હતી તેનાથી અલગ જીવું છું, એક રીતે જોઇએ તો હું બહુ દૂર નથી કારણકે હું હજી પણ તેમને એટલો જ પ્રેમ કરું છું. તેમની પાસેથી શીખેલા પાઠ આજે પણ હું મારી જિંદગીમાં લાગુ કરું છું, જે રીતે જીવું છું તેમાં તેમનું શીખવેલું ઘણું છે.

 

તેમની શીખવેલી કઇ બાબતો હજી પણ તમારી સાથે છે, તમારી ભીતર છે?

પ્રેમ, જિંદગી, હાસ્ય, સ્વીકાર – આ બોધ હું તેમની પાસેથી શીખી, આ ચીજો આજે પણ મારામાં છે, હું તે સાથે રાખીને જ જીવું છું.

તમે સ્વીકારની વાત કરી, તમે રજનીશને પુરેપુરા સ્વીકાર્યા પણ તમારા બે જણ વચ્ચે જે વિવાદ થયો તે પછી તે તમને સ્વીકારી ન શક્યા, તેમનો દ્રષ્ટિકોણ બદલાઇ ગયો. તમે કહેશો કે પોતે જે ઉપદેશ આપતા હતા તે પાળવામાં જ રજનીશ પાછા પડ્યા.

તેમણે જે કહ્યું તે તેમની ચોઇસ છે, તેમણે એવું કેમ કર્યું તેનો જવાબ તેમણે આપવો રહ્યો. હું તેમને પ્રેમ કરું છું એટલે મારે તેમના પ્રત્યે થોડી વધારે ઉદારતા દેખાડવી રહી. વળી તે હંમેશા એમ કહેતા કે મારી આંગળી સામે નહીં પણ તે કઇ દિશામાં નિર્દેશ કરે છે તેની પર નજર રાખો. એટલે કે હું પોતે જે શીખવું છું તે અનુસરું છું કે નહીં તેની ફિકર ન કરો પણ હું ઇચ્છું છું કે તમે મારી પાસેથી તમે શીખો. હું ભગવાનની આ વાતને પુરેપુરી અનુસરું છું.

લોકોએ તમને કઇ રીતે યાદ રાખશે તો તમને ગમશે?

તેમણે મને જરાય યાદ રાખવાની જરૂર નથી. જે રીતે મને કેવી રીતે સંબોધવી કે બોલાવવી તે તેમની પર્સનલ ચોઇસ છે તે જ રીતે મારા જેવી વેગાબોન્ડને યાદ રાખવા માટે પણ તેઓ પોતાના મનનું કરે, જેમ ઠીક લાગે તેમ યાદ રાખે કે ન ય રાખે. હું જેવી છું તેવી જ તમે મને જુઓ છો અને તમારે તમારી જિંદગીના અનુભવોને આધારે મારી જિંદગીનો અર્થ કાઢો, તેની પ્રત્યે દ્રષ્ટિકોણ બાંધો, એ તો તમારે જોવાનું છે.

તમે સ્વિટ્ઝરલેન્ડમાં જે કામ કરો છો તે ખૂબ સારું છે, પણ લોકો જ્યારે તમારી વાત કરે ત્યારે તે રજનીશને કારણે જ હોય છે?  આ અંગે તમને કેવું લાગે છે? તમારી અત્યારની જિંદગીની વાત લોકો નથી કરતા તે તમને કઠે છે?

કેટલાક લોકોની દ્રષ્ટિ ટૂંકી હોય અને કેટલાકની દ્રષ્ટિ દીર્ઘ હોય છે, તો હવે એમાં તો હું શું કરી શકું કે તે લોકો મને કેવી રીતે જુએ છે કે કેવી રીતે યાદ રાખે છે. એવા પણ લોકો છે જે મારા અત્યારના કામને જુએ છે, પારખે છે, તેને પ્રશંસે છે તો એવા લોકો છે જે મારી ભગવાન સાથેની જિંદગી પર જ ફોકસ કરે છે. મને તો બેમાંથી એકેનો વાંધો નથી કારણકે બંન્ને મારી જ જિંદગી છે.

તમને એ વાતની અકળામણ નથી કે લોકો તમને રજનીશથી અલગ કરીને નથી જોતા?
ના, તમે મને એમનાથી કેવી રીતે અલગ કરશો, તે મારા શ્વાચ્છોશ્વાસ છે, મેં તેમને પ્રેમ કર્યો છે અને જે રીતે જિંદગી જઇ રહી છે હું ભવિષ્યમાં પણ તેમને પ્રેમ કરતી રહીશ.

તમે સતત એમ કહ્યું છે કે લોકો રજનીશના સમયે જે શીલા હતી તેની જ વાત કરે છે, હું અત્યારે શું છું તે લોકોને નથી ખબર. મારો તમને સવાલ છે કે શું તમે શીલાને ઓળખો છો?

હું તારી સામે છું, અને તારા જ નહીં પણ આખી ય દુનિયાના સવાલોના જવાબ આપે છે. મેં થાક્યા વગર લોકોના સવાલનો જવાબ આપ્યા છે, અને હજી પણ આપું છું – તે બધું જ શીલા છે. આ એ જ શીલા છે જેને ભગવાને ખૂબ પ્રેમ કર્યો, આ એ જ શીલા છે જેણે ભગવાનને બહુ પ્રેમ કર્યો. આ એ જ શીલા છે જે અંબાલાલ અને મણીબેન પટેલની દીકરી છે, જેમને તેમની દીકરી પર ગર્વ છે અને મને એક દીકરી તરીકે તેમના સંતાન હોવાનો ગર્વ છે.  હું પારદર્શી છું.

જેલવાસને કારણે તમે કેટલાં બદલાયાં?

જો જેલમાં રહેવા જેવો અનુભવ તમને ન બદલે તો તમે કોઇ તક ગુમાવી એમ કહીશ. મારી દીકરી મને તેના સ્કૂલના વેકેશન દરમિયાન મળવા આવી હતી. તેણે મને પૂછ્યું, કે “શીલી તું બદલાઇ ગઇ છે?” તેનું અવલોકન સચોટ હતું. જો હું એ સમય દરમિયાન ન બદલાઉં તો મેં મારો સમય વેડફ્યો કહેવાય. મને જે અનુભવ મળ્યો તેના લીધે મને સમયનું મૂલ્ય અને ધીરજ બંન્ને બાબતો શીખવા મળી. સમયનું મૂલ્ય એ રીતે કે, આપણે રોજીંદી જિંદગીમાં સમયને સમજવામાં થાપ ખાઇએ છીએ અને એટલે જ સ્ટ્રેસમાં રહીએ છીએ. આપણે કહ્યા કહીએ કે મારી પાસે સમય નથી, મારે ત્યાં જવાનું છે, મારે પેલુ કરવાનું છે વગેરે. જેલમાં તો તમે માત્ર સમય જ ગણો છો. બધાં ગણતરી કર્યા કરે કે કેટલો સમય સજા ભોગવવાની છે, હજી કેટલો વખત જેલમાં રહેવાનું છે વગેરે. આ આખી બાબત સમય પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ જ બદલી નાખે. વળી જેલમાં તો લાંબો સમય રાહ જોવાની હોય છે, મેં પણ જેલમાંથી બહાર આવવા માટે 39 મહિના રાહ જોઇ, અને એ સમયે મને ધીરજ કેળવતા શીખવ્યું અને મારો સમય સતત વિચારોમાં વેડફાય નહીં તે પણ હું શીખી, મેં મારા સમયનો સદુપયોગ કર્યો.

આખું વિશ્વ રોગચાળામાં સપડાયેલું છે, તમારે ત્યાં શું સંજોગો છે, લોકો કેવી રીતે તેની સાથે ડીલ કરી રહ્યા છે.

મારી વાત કરું તો હું બહુ પ્રેક્ટિકલી તેને જોઉં છું. મારું પહેલું વિશ્લેષણ તો એ છે કે આપણે ધારીએ તેના કરતાં ઘણો મોટો છે, આપણે વિચારવું રહ્યું કે એવો રાક્ષસ જે મારા કરતાં વિશાળ છે તેની સાથે કેવી રીતે ડીલ કરવું. તેને સ્વીકારવો રહ્યો, તું મારા બારણે આવ્યો છે તો આવ તને સ્વીકારું એવો અભિગમ રાખીએ તો સૌથી પહેલાં તો મોતનો ભય જતો રહે. વાઇરસને કારણે સતત મૃત્યુનાં સમાચાર સાંભળીએ છીએ ત્યારે તેવા સંજોગોમાં એ જે છે તેને સ્વીકારીએ તો આપણને ખબર પડે કે તેની સામે કેવી રીતે લડવું. હું તેને કહીશ કે તું મારા આંગણે આવ્યો છે, તો ચાલ પહેલાં હું આઇસોલેશનમાં જાઉં, હું કાળજી રાખું જેથી બીજાઓને સંક્રમિત ન કરું. આમ તમારું ફોકસ બીજાઓને મદદ કરવા પર જાય અને એમ થાય ત્યારે તમારો ડર ઓછો થાય. આમ પ્રેક્ટિકલી જ તમારે બધું હેન્ડલ કરવું પડે. અમારે ત્યા પણ નવેમ્બરમાં 80 ટકા પેશન્ટ અને સ્ટાફ કોવિડ-19 પૉઝિટીવ હતાં, જે સિરિયસ હતાં તેમને અમે હૉસ્પિટલમાં દાખલ કર્યા અને તેઓ સચવાઇ ગયાં. અમારામાંના છ જણે બે અઠવાડિયા સુધી ડબલ શિફ્ટમાં કામ કર્યુ, બાકીના લોકોને ઘરે જ રહેવા કહ્યું. આ મેનેજમેન્ટ હતું અને આખરે બધાં સચવાઇ ગયા. ધીરે ધીરે બધું નોર્મલ થઇ ગયું. હજી પણ બધાં જરૂરી પ્રિકૉશન્સ અમે લઇએ જ છીએ. પ્રેક્ટિકલ રહેવું અને તમારા પોતાના ડરનો ભોગ ન બનવું આ બે બાબતો સૌથી વધુ જરૂરી છે.

રોગચાળાને કારણે લોકોને હતાશા અને નિરાશાનો બોજ વર્તાય છે, માનસિક તાણ બહુ છે. આ સંજોગોમાં તમે શું સલાહ આપશો?

મારી એક જ સલાહ છે કે તમે સંજોગો ટાળી શકો તેમ ન હો ત્યારે તમારી બુદ્ધિમત્તા વાપરો, સંજોગો સ્વીકારો અને આ તકનો લાભ લઇ તમારા પોતાના ખાસ મિત્ર બનો. તમે આ શીખો પછી સોશ્યલ લાઇફનો પણ જૂદો જ અર્થ હશે, તમને એકલતા નહી લાગે. કુદરતે તમને આ સમય આપ્યો છે જાતને ઓળખવાનો. આપણી જાત સાથે કંટાળીએ ત્યારે આપણને સોશ્યલ લાઇફની જરૂર પડે છે તો જાત સાથે બોર ન થાવ. ભારત પાસે સમૃદ્ધ સંગીત છે, એ વાઇબ્રેશન તમારા માહોલમાં ભેળવો. હું રોજ સવારે સરસ સંગીતથી જ દિવસ શરૂ કરું છું, મારા લોકો સાથે બેસીને સવારે મારી કૉફી પીઉં છું અને પછી સ્ટાફ આવવાનું શરૂ કરે અને અમે બધાં સાથે બેસીને કૉફી માણીએ. અમે દિલ ખોલીની વાત કરીને દિવસ શરૂ કરીએ છીએ.

લોકો તમારી પાસે સતત સલાહ માંગવા આવે એમ બને છે?

હા, લોકો રોજે રોજ મને ઇમેઇલ્સ અને ઇન્સ્ટાગ્રામ પર લખીને સલાહ માગતા હોય છે. લોકો સતત કનેક્ટ થવા માંગતા હોય છે.

નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી પછી તમે અચાનક જ લાઇમલાઇટમાં આવી ગયાં, બધાં તમારે વિશે જાણવા માગતા હતા. કેવું રહ્યો એ અનુભવ, આટલા વર્ષે અચાનક જ આટલું બધું અટેન્શન મળવું.

હું રજનીશપુરમમાં હતી ત્યારે પણ મને એવી લાઇમલાઇટ મળી હતી અને અહીં સ્વિટ્ઝરલેન્ડમાં મારી ટીમ અને હું જેની કાળજી રાખું છું તે બધાં પણ મને એટલુ જ અટેન્શન આપે છે તો મને કંઇ બહુ અજુગતું નથી લાગતું, જે સલાહ આપી શકું તે આપું છું.

તમારા બીજા શોખ શું છે?

મને બ્લેક કૉફી પીવાનો શોખ છે, હું 18 વર્ષની હતી ત્યારથી મને બ્લેક કૉફી કે બ્લેક ટી જ ફાવે છે. હવે હું હર્બલ ટીઝ પણ પીઉં છું. મને રસોડામાં જે બન્યું હોય તે ખાવાનું ગમે છે, હું ડાયાબિટીક છું એટલે જરા શિસ્ત પૂર્વકનું ખાઉં છું. મને ગળ્યું ખાવાનું કે કાર્બ્ઝ ખાવાનો મોહ નથી થતો. હું સલાડ્ઝ અને ચીઝ વગેરે ખાઉં છું. મને વાંચવાનું ગમે છે. દિવસના બાર કલાક કામ કરું છું, સવારે સાત વાગ્યાથી ઑફિસમાં કામ કરવાનું શરૂ કરું છું અને સાંજે સાડા છ સાત સુધી કામ કરતી હોઉં છું. પછી થાક પણ લાગેને, હું 72 વર્ષની થઇ. પથારીમાં પડીને હું મારા ઇમેઇલ્સના જવાબ આપું અને ક્યારેક સમાચાર સાંભળું, પછી મને ઝોકું આવવા માંડે.

34 વર્ષ પછી ભારતનો પ્રવાસ... શું થયું, અચાનક.

મારી ઉંમર થઇ રહી છે, મારે તો બહુ વખતથી વતનની મુલાકાત એક વખત તો લેવી જ હતી. પણ મારી બહેને મને એની છૂટ ન આપતી. મને અનુરાગે ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને તેનો ઇમઇલ મેં મારી બહેનોને વાંચી સંભળાવ્યો અને કહ્યું કે તમને જેમ ઠીક લાગશે તે હું કરીશ. એ ઇમેઇલ વાંચ્યા પછી તેમણે પણ મને હા પાડી દીધી. મારી સાથે મારી બંન્ને સેક્રેટરીઝ પણ આવી, તેઓ નહતા ઇચ્છતા કે હું એકલી આવું. મારી બહેન મીરાંએ પછી તો મારી આ મુસાફરીને લગતું જે કામ કરવુ પડે તેમાં મદદ પણ કરી. આખરે મારી ઇચ્છા પુરી થઇ.

રજનીશ પછી તેમની જગ્યા લેવા માટે કોઇ નથી તે અંગે તમારું શું કહેવું છે?

ભગવાને અમને સ્વતંત્ર બનાવ્યા, મને ક્યારેય એમ લાગતું જ નથી કે તે મારી જિંદગીમાં નથી. તેમણે મને પુરતી સમજ આપી છે કે હું મારી જિંદગી મારી રીતે જીવી શકું. તેમણે જે ઉપદેશ આપ્યો તેનાથી અમે સાથે કોમ્યુનલ લાઇફ જીવી શકીએ તે સમજ્યા છીએ. ભગવાને તેમનું જ્ઞાન તમામ વારસો અને પુસ્તકોમાં આપ્યું છે, શબ્દોમાં આપ્યું છે. એ બધું વ્યવસ્થિત કરીને લોકો સુધી સરખી ચેનલથી પહોંચે તે માટે કોઇ વ્યવસ્થાપકની જરૂર છે. તેમણે જેમની પર વિશ્વાસ કર્યો તે બધાંને પૈસામાં રસ છે, રાજકારણીઓની માફક. એ લોકો શું કરે છે મને ખબર નથી, મારા કાને વાતો પડતી હોય છે. મને આશા છે કે ક્યારેક કોઇ હિંમત કરીને સંજોગો હાથમા લેશે અને બધું બદલાશે,આ ભ્રષ્ટ લોકો દૂર થશે. ભગવાનના ટીચિંગ્ઝ માટે કંઇપણ સારું કરી શકવાની તેમની અણઆવડત તેમણે પુરવાર કરી દીધી છે. ભગવાનનું સ્થાન કોઇ લઇ શકે તેવી કોઇનામાં આવડત કે ક્ષમતા છે જ નહીં, જો કોઇ એમ માનતું હોય તો એ માણસ ક્રેઝી છે એમ હું માનું છું.

તમે જે બે ડૉક્યુમેન્ટ્રીઝમાં છો, એ બન્ને મેં જોઇ છે. તમે હંમેશા આટલા જ શાંત હો છો?  આ સ્વસ્થતા તમારો સ્થાઇ ભાવ કઈ રીતે હોઇ શકે, સતત.

હું હંમેશાથી આવી જ રહી છું, હું યંગ હતી ત્યારે પણ જે લોકોને નથી ખબર. વળી હું મોજ પણ કરું છું, હજી પણ. મને ડાન્સ કરવાનું ગમે છે, હું એક્સર્સાઇઝ કરું ત્યારે પણ જરા ધમાલ મસ્તી કરતી હોઉં, તેમની સાથે ચાલવા જાઉં છું. પૉઝિટીવ એનર્જી સતત રાખું છું કારણકે તે જ વ્યક્તિને ‘ફન’ બનાવે છે, મોજીલી બનાવે છે. આ માટે કંઇ બહુ શો-શા કરવાની જરૂરી નથી. ચહેરા પર સ્મિત હોય, ગમતી વ્યક્તિઓને તમે પ્રેમથી ભેટો અને સારી વાતો કરો, કોઇની વાત સાંભળો તે ય બહું છે.

લોકો પૉઝિટીવીટીની બહુ જ વાત કરે છે, તો સતત પૉઝિટીવ વળી કેવી રીતે રહી શકાય?

પૉઝિટીવ રહેવું એક સારી આબત પણ હોઇ શકે છે. માણસની પ્રકૃતિ છે કે તે નેગેટિવીટીને યોગ્ય ઠેરવે, જસ્ટિફાય કરે અને તેને જ આદત બનાવે. આપણે લોકો, પરિસ્થિતિ વગેરે પર શંકા કર્યા કરીએ જેની જરૂર જ નથી.  વિશ્વાસ કરવાને બદલે શંકા કરીને મગજ પર બોજ વધારવાને લોકો બુદ્ધીશાળી એપ્રોચ ગણે છે. પરંતુ હું એમ નથી માનતી, એમ કરી તેમે તમારી જાતને જ હર્ટ કરો છો. એવી ક્ષણો પણ હોય છે કે તમને થાક લાગે, કંટાળો આવે ત્યારે સૌથી પહેલાં તો એ સમજો, એ સ્વીકારો, તે ક્ષણના થાકને ઓળખો. એ સ્વીકાર પછી તરત જ તમને તેમાંથી બહાર આવવાની ખબર પડશે. આ જ રીતે લોકોએ પૉઝિટીવીટીને આદત બનાવવી જોઇએ, મેં આ આદત કેળવી છે તો જ તમે નકારાત્મકતામાંથી બહાર રહી શકો. મેં મારી માંને હંમેશા હસતા જ જોઇ હતી, અમને છોકરાંઓને ખબર પણ ન પડતી બાપુજીને અને તેમને ક્યારે શું સંઘર્ષ કરવો પડતો. મેં ક્યારેય મારાં બાને એક ક્ષણ માટે પણ કડવાશના મૂડમાં નહોતાં જોયાં, હું પણ એવી જ છું. હું આ મારાં બા પાસેથી શીખી છું. બા હંમેશા હસતાં જ હોય, સૂર્યમુખીની માફક.

તમારામાં આજે કેટલું ગુજરાતીપણું છે?

ઘણું છે પણ ભાષા ઓછી થઇ ગઇ છે. હું ભાષા ભુલી ગઇ છું પણ મારી બહેનો સાથે તોફાન મસ્તી કરતા ક્યારેક એક બે શબ્દો ગુજરાતીમાં બોલી દઉં તો એ લકી ડે ગણાય. હવે એટલું સારું ગુજરાતી નથી આવડતું, મને ઝડપથી ગુજરાતી શબ્દો યાદ નથી આવતા, અંગ્રેજીમાં વિચારવાની ટેવ પડી ગઇ છે.

તમારી જિંદગીમાં સૌથી વધુ પ્રભાવ કોનો, રજનીશ ઉપરાંત?
મારી જિંદગી ત્રણ લોકોનું ત્રિકોણ છે, માતા-પિતા અને ભગવાન. તેઓ મારી જિંદગીનુ સર્કલ્ પુરું કરે છે.

તમારો સંદેશ, કંઇક જે તમારે કહેવું હોય.

હું વર્ષોથી જે કહેવું હોય તે જ કહેતી આવી છું, રજનીશપુરમમાં હતી ત્યારે પણ, ભગવાનથી છૂટી પડી ત્યારથી અને હજી આજે પણ - એટલે આમ કંઇ નવું બહુ કહેવાનું છે નહીં. છતાં ય હું બધાં યંગસ્ટર્સને મારે કહવું છે કે તમે તમારી જાતમાં જે સુંદરતા છે તેનો વિચાર કરો, તમારી આસપાસ રહેલી સુંદરતાનો વિચાર કરો અને જરાય નાસીપાસ ન થાવ. જીવનમાં તડકી-છાંયડી તો આવે, તેમાંથી જેટલું મેળવાય અને જીવાય તે જીવો. મારી જેમ 72નાં થશો ત્યારે જિંદગી પર નજર કરશો ત્યારે કહેશો કે, જિંદગી કંઇ એટલી મુશ્કેલ નહોતી, મજા આવી.

28 December, 2021 05:35 PM IST | Mumbai | Chirantana Bhatt

અન્ય લેખો

વેબ સિરીઝ

નાર્કોટિક્સની રાણી બેબી પાટણકર પર વેબ-સિરીઝ બનાવશે સંજય ગુપ્તા

દેશમાં નાર્કોટિક્સનું સામ્રાજ્ય ઊભું કરનાર બેબી પાટણકરના જીવનને વેબ-સિરીઝના માધ્યમથી સંજય ગુપ્તા દેખાડશે. ૧૦ પાર્ટની સિરીઝ બનાવવામાં આવશે.

14 January, 2022 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ક્લાસ ઑફ 2020’માં જોવા મળશે શેફાલી જરીવાલા

આ સિરીઝ ALTBalaji પર રિલીઝ થવાની છે જેમાં વિકાસ ગુપ્તા અને રોહન મેહરા પણ જોવા મળશે

25 September, 2021 02:07 IST | mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

હર્ષદ મહેતા બાદ હવે નીરવ મોદી પર બનશે વેબ સિરીઝ

પત્રકાર પવન સી. લાલના પુસ્તક “ફ્લડ: ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ  ડાયમંડ મુઘલ નીરવ મોદી” પરથી વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય કર્યો છે.

17 September, 2021 02:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK