યુવાન બાળકોને આવતી કાલના સ્ટાર બનાવવા માટે ઉત્સુક છું : શંકર મહાદેવન
શંકર મહાદેવન
શંકર મહાદેવનને હાલમાં જ ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ની નવમી સીઝનનો પહેલો જજ બનાવવામાં આવ્યો છે. ઝીટીવી હવે આઠમી સીઝન બાદ તેમના આ શોની નવમી સીઝનને લઈને આવી રહ્યું છે. ‘સા રે ગા મા પા’ ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયેલા શંકર મહાદેવનને પહેલી વાર ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ’ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ શોની છેલ્લી સીઝનને હિમેશ રેશમિયા, અલકા યાજ્ઞિક અને જાવેદ અલીએ જજ કરી હતી. આ શોને જજ કરવા વિશે શંકર મહાદેવને કહ્યું કે ‘આ આઇકૉનિક રિયલિટી શોને જજ કરવા માટે હું એક્સાઇટેડ છું. મેં ‘સા રે ગા મા પા’ની ઘણી સીઝન જજ કરી છે, પરંતુ હું પહેલી વાર ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને જજ કરી રહ્યો છું. હું આ યુવાન બાળકોને આવતી કાલના સ્ટાર બનાવવા માટે ઉત્સુક છું. છેલ્લાં ઘણાં વર્ષોથી યુવાન ટૅલન્ટને આ શોએ ખૂબ જ સારું પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું છે અને એ મેં જોયું છે. શરૂઆતથી જ તેમને શીખવા અને પોતાનો વિકાસ કરવા માટે એક સ્ટેજ મળે તો તેઓ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાનો માર્ક છોડી શકે છે. મ્યુઝિક કમ્પોઝર તરીકે અમે હંમેશાં નવી ટૅલન્ટ અને અવાજની શોધમાં હોઈએ છીએ. આવી ટૅલન્ટ શોધવા માટે આ ખૂબ જ સારો શો છે.’