સોશ્યલ મીડિયા પર પસ્તાળ પડી અનુપમા પર : લોકોએ યાદ દેવડાવ્યું કે હવે તમે BJPનાં મેમ્બર છો, આવું ન કરાય
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ટીવી-ઇન્ડસ્ટ્રીની ટોચની ઍક્ટ્રેસ મનાતી રૂપાલી ગાંગુલી શનિવારે સાંજે એક ઇવેન્ટમાંથી ઉતાવળે બહાર નીકળીને એક સ્કૂટીની પાછળની સીટ પર બેસીને જતી જોવા મળી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે અને એમાં દેખાય છે કે તે તેના મૅનેજર સાથે સ્કૂટીની પાછળની સીટ પર બેસીને બહાર જઈ રહી છે. લોકોએ નોંધ્યું હતું કે તેના મૅનેજરે કે રૂપાલી ગાંગુલીએ હેલ્મેટ નહોતી પહેરી અને આમ તેમણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
વિડિયોમાં દેખાય છે કે રૂપાલી એકદમ સારી રીતે તૈયાર થઈ છે અને કોઈ અકળ કારણસર તે ઇવેન્ટના સ્થળેથી તેના મૅનેજર કૌશલ સાથે બહાર આવે છે અને સ્કૂટીની પાછળ બેસી જાય છે. તે ફોટોગ્રાફરોને પોઝ આપવા માટે પણ રોકાતી નથી અને ઉતાવળે નીકળી જાય છે. જોકે તે ઉતાવળમાં હોય એવું દેખાય છે.
લોકો જણાવી રહ્યા છે કે કોઈ પણ જાતની ઉતાવળ તેમને ટ્રાફિકના નિયમનો ભંગ કરવાની પરવાનગી આપતી નથી. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે આ વિડિયોને મુંબઈ પોલીસને ટૅગ કરીને તેમની સામે ટ્રાફિકના નિયમના ભંગ બદલ પગલાં લેવાની માગણી કરી છે. એક યુઝરે લખ્યું હતું કે ‘હેલ્મેટ ક્યાં છે? ડ્રાઇવરને જેલમાં મોકલો.’ બીજા યુઝરે લખ્યું હતું કે ‘મુંબઈ પોલીસ, પ્લીઝ તેમની સામે પગલાં લો.’
સોશ્યલ મીડિયામાં ઘણા લોકો કહી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સક્રિય રાજનેતા છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને તેના ચાહકોમાં તે ખોટું ઉદાહરણ સ્થાપિત કરી રહી છે.