૨૦૦૩માં તેઓ બૅન્કરપ્ટ થયા હતા, પરંતુ આજે તેમની પાસે ૧૦ મિલ્યન ડૉલરની સંપત્તિ છે.

માઇક ટાયસન
ભૂતપૂર્વ બૉક્સર માઇક ટાયસને જણાવ્યું કે આપણે બધા એક દિવસ મૃત્યુ પામીશું, પૈસો જ સર્વસ્વ નથી. તેઓ તેલુગુ સ્ટાર વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડે સાથેની ‘લાઇગર’માં દેખાવાના છે. ‘હૉટ બૉક્સિંગ વિથ ટાયસન’ આ પૉડકાસ્ટમાં થેરપિસ્ટ સીન મૅક ફારલૅન્ડ સાથેની વાતચીતમાં માઇક ટાયસને એમ પણ જણાવ્યું હતું કે પૈસો સલામતી નથી આપતો. એ વિશે માઇક ટાયસને કહ્યું કે ‘એક દિવસ આપણે બધા મરવાના છીએ. હું જ્યારે પણ અરીસામાં જોઉં છું ત્યારે હું મારા ચહેરા પર થોડા સ્પૉટ્સ જોઉં છું. મારી જાતને હું કહું છું કે ‘વાઉ...’ એનો અર્થ એ કે મારી એક્સપાઇરેશનની તારીખ નજીક આવી ગઈ છે. ખૂબ નજીક છે.’
૨૦૦૩માં તેઓ બૅન્કરપ્ટ થયા હતા, પરંતુ આજે તેમની પાસે ૧૦ મિલ્યન ડૉલરની સંપત્તિ છે. તેમનું માનવું છે કે પૈસો ખુશી નથી લાવી શકતો. ધન-દોલતની વ્યાખ્યા પોતાના શબ્દોમાં વ્યક્ત કરતાં માઇક ટાયસને કહ્યું કે ‘પૈસો મારા માટે સર્વસ્વ નથી એવું હું હંમેશાં લોકોને કહું છું. લોકો વિચારે છે કે પૈસા તેમને ખુશી આપશે. મારી પાસે અગાઉ પૈસા નહોતા. જો તમારી પાસે અઢળક પૈસો આવી જાય તો એનો અર્થ એ નથી થતો કે તમે કોઈની પાસે અપેક્ષા રાખો કે તે તમને પ્રેમ કરે. તમારી પાસે ૫૦૦ બિલ્યન ડૉલરની સંપત્તિ હશે તો તમારા પ્રત્યેના પ્રેમને હું કેવી રીતે વ્યક્ત કરીશ? એ ખોટો ભ્રમ છે. તમને એમ લાગે કે તમારી સાથે કંઈક અણધાર્યું નથી થવાનું. તમને એમ લાગે કે બૅન્ક પડી ભાંગશે નહીં. તમને એમ લાગે છે કે જો તમારી પાસે ભરપૂર પૈસા આવી જશે તો તમે અજેય બની જશો. એ સાચું નથી. એથી હું હંમેશાં કહેતો આવ્યો છું કે પૈસાને સિક્યૉરિટી ગણવામાં આવે છે એ માન્યતા જ ખોટી છે.’
માઇકની વાઇફ લકિહા સ્પાઇસર કહેતી હતી કે તેને વધારે પૈસા જોઈએ છે, જેથી તે વધુ સિક્યૉર અનુભવે. એ વિશે માઇકે કહ્યું કે ‘સિક્યૉરિટી કોને કહેવાય એની મને ખબર નથી. તમે પૈસા બૅન્કમાં મૂકો અને દર અઠવાડિયે તમને ચેક મળતો રહે અને તમે આગળની લાઇફ આરામથી પસાર કરો. શું એ સિક્યૉરિટી છે? એનો અર્થ એ કે શું તમે કદી બીમાર નહીં પડો? તમારી કારને કદી ટક્કર નહીં લાગે? તમે બ્રિજ પરથી પડી નહીં જાઓ? મને ચોક્કસ ખાતરી નથી. શું એ સિક્યૉરિટી છે? શું પૈસો તમને આ બધી ઘટનાઓથી બચાવી શકશે?’