‘બિલ્ડર બૉય્ઝ’ ફિલ્મના પ્રીવ્યુને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે.
ફિલ્મ ‘બિલ્ડર બૉય્ઝ’ એક્ટર્સ
મુંબઈ હોય કે અમદાવાદ, આપણે બધા જાણીએ છીએ કે બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જાય એટલે કેટલી માથાકૂટ હોય છે. ચાણક્ય પટેલની ફિલ્મ ‘બિલ્ડર બૉય્ઝ’ આ જ વિષયની આસપાસ ફરે છે. ઈશા કંસારા, રોનક કામદાર અને શિવમ પારેખ આ ફિલ્મના ઍક્ટર્સ છે. સેતુ કૌશલ પટેલે અને નેહા રાજોરાએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મની વાર્તાનું વિશ્વ એક જૂના ખખડધજ બિલ્ડિંગનું છે જેનું રીડેવલપમેન્ટ કરવાની જવાબદારી બે એવા યુવાનો લે છે જેમણે આ પહેલાં આવું કામ કર્યું નથી.
આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. આર્કિટેક્ચરનો વિદ્યાર્થી રહી ચૂકેલો રોનક કામદાર કહે છે, ‘ચાણક્ય પટેલની આ ફિલ્મની વાર્તા સાથે હું તરત કનેક્ટ થયો, કારણ કે મેં દુનિયા નજીકથી જોઈ છે.’
શિવમ પારેખના પિતા બિલ્ડર છે એટલે તેના માટે પણ આ કથાનકનું વિશ્વ પરિચિત હતું. ચાણક્ય પટેલ પોતે આર્કિટેક્ટ છે અને આ તેમની બીજી ફિલ્મ છે. આ વિશે ચાણક્ય પટેલ કહે છે, ‘હું પોતે જે બિલ્ડિંગમાં પહેલાં રહેતો હતો એ રીડેવલપમેન્ટમાં મૂકવું પડે એવી જ હાલતમાં હતું. બિલ્ડિંગની બહુ મીટિંગમાં હું ગયો છું અને મેં રહેવાસીઓ કેવી માગણી કરતા હોય છે એ બહુ નજીકથી જોયું છે. મારી ફિલ્મો હું જ લખું છું એટલે કદાચ સ્વાભાવિક રીતે મેં જે વિશ્વ જોયું છે એની વાર્તાઓ અને અવલોકનો મારી ફિલ્મમાં દેખાઈ આવે છે.’
ADVERTISEMENT
આ ફિલ્મ વિશે ઈશા કહે છે, ‘આ ફિલ્મનું એકેએક પાત્ર એવું છે જેની સાથે દર્શક રિલેટ કરી શકશે. ગુજરાતીમાં કૉમેડી ફિલ્મો બહુ આવે છે પણ એમાં કૉમેડી નૅચરલી સર્જાઈ જાય એવું હંમેશાં નથી થતું. આ ફિલ્મનાં પાત્રો એવાં છે કે જેને જોઈને તમને તમારી આસપાસ રહેતા લોકો, સોસાયટીના સભ્યો વગેરે યાદ આવશે. લોકો અલગ-અલગ સ્થિતિમાં કેવી રીતે રીઍક્ટ કરે છે એ પણ જોવાની અલગ મજા છે.’
‘બિલ્ડર બૉય્ઝ’ ફિલ્મના પ્રીવ્યુને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે. આ વિશે રોનક કામદાર કહે છે કે ચાણક્ય પટેલની ફિલ્મોમાં તમને હૃષીકેશ મુખરજીની ફિલ્મોની ઝલક દેખાઈ આવશે. શિવમ અને રોનકે સાથે કર્યો હોય એવો આ પાંચમો પ્રોજેક્ટ છે અને તેમની દોસ્તીને કારણે તેમનાં પાત્રો વચ્ચેનો બૉન્ડ બહુ સારી રીતે સ્ક્રીન પર દેખાઈ આવે છે એવું શિવમ અને રોનક બન્નેનું માનવું છે. ઈશાને જો તેનું ફિલ્મનું પાત્ર રિયલ લાઇફમાં મળશે તો તે તેને શું સલાહ આપશે એમ પૂછવામાં આવ્યું હતું. આ વિશે ઈશા કહે છે, ‘હું તેને કહીશ કે જીવનમાં થોડો પર્સ્પેક્ટિવ કેળવ. બધું માની લેવા કરતાં જરા દુનિયા જો અને લાંબું વિચાર.’