આ ઍડ્વાઇઝ સંજય ગોરડિયાની છે અને આ વાતને તેમણે પોતે લાઇફટાઇમ પાળી છે. આ જ કારણ છે કે સંજયસર અત્યારે પણ અજાતશત્રુ છે. તેમને કોઈની સામે વાંધો નહીં અને કોઈને તેમની સામે પ્રૉબ્લેમ નહીં

ફાઇલ તસવીર
નાનામાં નાના માણસો સાથે સંજય ગોરડિયા એકદમ પ્રેમભાવથી વાતો કરે. જો એ વ્યક્તિ તેમને ઓળખતી હોય તો સંજયસર તેમની ફૅમિલીથી માંડીને બાળકો અને પેરન્ટ્સ વિશે પણ પૂછે. ‘કહેવતલાલ પરિવાર’ના યુનિટમાં કેટલાક લોકો અમદાવાદના હતા. એ લોકોએ સંજયસરને ઘરે આવવા માટે કહ્યું તો સંજયસર તરત જ તૈયાર અને તેઓ તેમના ઘરે ગયા પણ ખરા.
આપણે વાત કરીએ છીએ ગુજરાતી રંગભૂમિના પૉપ્યુલર ઍક્ટર અને જોકસમ્રાટ તરીકે ફૅન્સમાં જાણીતા થયા છે એ સંજય ગોરડિયાની. મેં તમને લાસ્ટ સન્ડે કહ્યું હતું કે નેક્સ્ટ વીક હું તમને સંજયસરની એવી વાત કહીશ જેની મને ‘કહેવતલાલ પરિવાર’ના શૂટિંગ દરમ્યાન ખબર પડી હતી. સંજયસરના ફૅન્સ અને તેમના ફ્રેન્ડ્સને પણ મજા આવે એવી એ વાત મને સાવ અનાયાસ કહેવાય એવી રીતે ખબર પડી હતી, પણ એ વાત કરતાં પહેલાં તમને કહું કે કોઈ પણ હોય, સંજયસરનો દુશ્મન પણ હોય અને જો તે તેમને સામે મળી જાય તો તેઓ હસીને જ મળશે. આમ તો સંજયસરનો કોઈ દુશ્મન હોય જ નહીં, કારણ કે તે પોતાની વાતમાં બહુ સ્પષ્ટ છે.
તમારી કોઈ વાતનું તેમને ખરાબ લાગે તો એ બીજા અને ત્રીજાને નહીં કહે, એ તમને જ કહે અને કહ્યા પછી તે એ વાતને મનમાંથી કાઢી પણ નાખે. સંજયસર ગુજરાતી થિયેટરના એટલા મોટા પ્રોડ્યુસર છે કે બીજું કોઈ થયું નથી. લોકો તેમને ગુજરાતી થિયેટરના યશરાજ કહે છે એ તમારી જાણ ખાતર, પણ તેમને એ વાતનું સહેજ પણ ગુમાન કે ઈગો નથી. પોતાને કામ હોય તો એ નાનામાં નાના માણસને પણ ફોન કરે. આ જે તેમની ડાઉન-ટુ-અર્થ રહેવાની માનસિકતા છે એણે જ સંજયસરને મહાનતાનું આ લેવલ આપ્યું છે.
સંજયસરની એક બહુ સરસ વાત તમને કહું.
તેઓ હંમેશાં કહે કે લાઇફમાં ક્યારેય ડોર અંદરથી બંધ નહીં કરવાનો, ક્યારેય નહીં. તમને કોઈની સાથે ફાવે નહીં તો એક ડિસ્ટન્સ કરી લો, પણ સંબંધો તોડવાનું કામ ક્યારેય કરો નહીં. તમને કે પછી તમારા ફૅમિલી મેમ્બરને એની જરૂર પડે ત્યારે અને એ જ વ્યક્તિ એ કામ કરી શકે એમ હશે તો એવા સમયે તમને તેને ફોન કરતાં કે રૂબરૂ મળવા જતાં સંકોચ થશે. બેટર છે કે દરવાજો અંદરથી ખુલ્લો રાખો, જેથી દરવાજે કોઈ આવે તો તેને તમારો દરવાજો બંધ ન મળે. આ જ કારણ છે કે સંજયસર ઓળખતા હોય એવા કોઈને પણ તમે તેમને ફોન કરવાનું કહો એટલે એ બીજી જ સેકન્ડે મોબાઇલ હાથમાં લઈને નંબર ડાયલ કરે. ફોન કરી લીધા પછી આપણને ખબર પડે કે સંજયસરે તો તેમની સાથે છેક બે વર્ષે વાત કરી છે.
રિલેશનશિપની આવી વાતો સમજવાની સાથોસાથ મને ઍક્ટિંગની બાબતમાં પણ તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું, તો એ પણ જાણવા મળ્યું કે કોઈ પણ સબ્જેક્ટમાં સ્ક્રિપ્ટનું મહત્ત્વ કેવું હોય. એ પણ સમજાયું કે રોલનું ઇમ્પ્રૂવાઇઝેશન કેવી રીતે કરવાનું હોય અને એ પણ ખબર પડી કે તમે ગમે એટલા મોટા સ્ટાર બની જાઓ, પણ દુનિયા તમને તો જ પ્રેમ કરે જો તમે તેની સાથે હળીમળીને રહેતા હો.
સંજયસર લારી-ગલ્લા પર ખાવા માટે પણ ઊભા રહી જાય અને તેઓ જમતા હોય એ દરમ્યાન તેમને મળવા કે પછી સેલ્ફી પડાવવા લોકો આવે તો તેની સાથે પણ હસીબોલીને જ વાત કરે. એક વખત આવી જ રીતે અમે બન્ને એક લારી પર ઊભા રહીને ખાતા હતા તો તેમને જોઈને અનેક લોકો ત્યાં આવી ગયા. બધા તેમની સાથે સેલ્ફી પડાવે અને હાથ મિલાવે. એ લોકો ગયા પછી સંજયસરે જે વાત કરી એ વાત ખરેખર દરેક સ્ટારે સમજવા જેવી છે.
‘ભવ્ય, આ જ લોકો થકી તો આપણે છીએ યાર. બાકી કોણ આપણો ભાવ પૂછે.’
નાનામાં નાના માણસો સાથે સંજય ગોરડિયા એકદમ પ્રેમભાવથી વાતો કરે. જો એ વ્યક્તિ તેમની ઓળખતી હોય તો સંજયસર તેમની ફૅમિલીથી માંડીને બાળકો અને પેરન્ટ્સ વિશે પણ પૂછે. ‘કહેવતલાલ પરિવાર’ના યુનિટમાં કેટલાક લોકો અમદાવાદના હતા. એ લોકોએ સંજયસરને ઘરે આવવા માટે કહ્યું તો સંજયસર તરત જ તૈયાર અને તે તેમના ઘરે ગયા પણ ખરા. મને આ વાતની એટલે ખબર છે કે હું સંજયસરનો રૂમ-પાર્ટનર હતો!
હા, હું અને સંજયસર રૂમ શૅર કરતા હતા. અફકોર્સ સંજયસર અને મને પર્સનલ રૂમમાં મળ્યા હતા, પણ સંજયસરના આગ્રહને લીધે જ હું તેમની રૂમમાં રાતે રોકાવા જતો અને ત્યાં જ સૂઈ જતો. એ કારણ શું હતું અને શું કામ સંજયસર મને પરાણે પોતાની રૂમમાં લઈ ગયા હતા એની વાત આપણે આવતા વીકમાં કરીશું, પણ એટલું ચોક્કસ કહીશ કે શરૂઆતની એક-બે રાત પછી મને તેમની સાથે એટલી મજા આવવા માંડી હતી કે હું જ રાતે સામે ચાલીને તેમની રૂમમાં જવા માંડ્યો.
કલાકોના કલાકો સુધી અમે રૂમમાં બેસીને વાતો કરીએ. તેમના એક્સ્પીરિયન્સ જાણું, એ કિસ્સા એટલા અદ્ભુત હતા કે તમે વિચારી પણ ન શકો. સંજયસર એકલા શું કામ સૂઈ નથી શકતા એની વાત હજી બાકી છે, પણ સમય નથી એટલે એ વાત હવે આવતા સન્ડેએ કરીએ તો ચાલશેને?