સની દેઓલ અને રાજકુમાર સંતોષીએ અગાઉ ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’માં સાથે કામ કર્યું હતું.

રાજકુમાર સંતોષી અને સની દેઓલ
સની દેઓલ અને રાજકુમાર સંતોષી લગભગ ૨૭ વર્ષ બાદ ફરીથી સાથે કામ કરવાના છે. તેઓ ‘લાહોર : 1947’માં સાથે કામ કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સની દેઓલ અને રાજકુમાર સંતોષીએ અગાઉ ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’માં સાથે કામ કર્યું હતું. ‘લાહોર : 1947’ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વિશેની સ્ટોરી હશે. આ ફિલ્મ વિશે રાજકુમાર સંતોષીએ કહ્યું કે ‘મારી આગામી ફિલ્મ ‘લાહોર : 1947’ છે. વિભાજનની આ સ્ટોરીમાં સની દેઓલ લીડ રોલમાં દેખાશે. સની અને હું ઘણા સમયથી સાથે કામ કરવા વિશે વિચારી રહ્યા હતા, પરંતુ કાંઈ મેળ પડ્યો નહોતો. જોકે હવે મને એ વાતનો પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’ કરતાં પણ વધુ ભવ્ય બનવાની છે. જો બધું સમું સુતરું પાર પડ્યું તો માર્ચમાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે. સ્ટુડિયોમાં અમે લાહોર શહેરનો સેટ ઊભો કરીશું. આ સેટ પર મોટા ભાગની ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. આ મારા માટે ખૂબ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. આ મારું સપનું છે. હું છેલ્લાં ૧૦ વર્ષોથી એને બનાવવાનો પ્રયાસ કરતો હતો અને હવે ફાઇનલી એ સપનું સાકાર થઈ રહ્યું છે. ‘લાહોર : 1947’ને હું મે સુધીમાં પૂરું કરવાનું વિચારી રહ્યો છું અને બાદમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ કરીશ.’