લગ્ન બાદ શું ચેન્જ આવ્યો એ વિશે પૂછતાં સોનાક્ષી સિંહાએ કહ્યું...
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ
લગ્ન કર્યા બાદ સનાક્ષી સિંહાની લાઇફમાં એ બદલાવ આવ્યો છે કે તે હવે હૉસ્પિટલમાં નથી જઈ શકતી. જોકે આ વાત તેણે મસ્તીમાં કહી છે. ૨૩ જૂને સોનાક્ષી અને ઝહીર ઇકબાલે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્ન બાદ શું બદલાવ આવ્યો એ વશે પૂછતાં સોનાક્ષી કહે છે, ‘મારા રિલેશનની સારી વાત એ છે કે હું પહેલાં જે ફીલ કરતી હમણાં પણ એ જ કરું છું. મને ખુશી છે કે લગ્ન પહેલાં જ મારી લાઇફ એકદમ સેટ હતી. ફરી કામ શરૂ કરીને હું ખુશ છું. મારી લાઇફમાં ફક્ત એક જ ચેન્જ આવ્યો કે હું હવે હૉસ્પિટલમાં નથી જઈ શકતી. મને હૉસ્પિટલની બહાર જોતાં જ લોકો કહેશે કે હું પ્રેગ્નન્ટ છું. બસ, આ જ એક તફાવત છે.’
સોનાક્ષી-ઝહીરનાં લગ્નમાં હિન્દુ-મુસ્લિમ ઍન્ગલનો ઉમેરો ન કરવાની સલાહ આપી મુકેશ ખન્નાએ
ADVERTISEMENT
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્ન થયાં ત્યારથી એ ચર્ચાનો વિષય બન્યાં છે. અનેક સેલિબ્રિટીએ તેમને સપોર્ટ કર્યો છે. સોનાક્ષીના ડૅડી શત્રુઘ્ન સિંહા પણ અગાઉ કહી ચૂક્યા છે કે તેમની દીકરીએ કોઈ ગેરકાયદે કામ નથી કર્યું. એવામાં હવે મુકેશ ખન્નાએ પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. તેમણે લોકોને સલાહ આપી છે કે તેમનાં લગ્નમાં હિન્દુ-મુસ્લિમ ઍન્ગલનો ઉમેરો ન કરવામાં આવે. સાથે જ જણાવ્યું કે આ કાંઈ લવ જેહાદનો મુદ્દો નથી. એ વિશે મુકેશ ખન્ના કહે છે, ‘સોનાક્ષી અને ઝહીરનાં લગ્નને હિન્દુ-મુસ્લિમ ઍન્ગલ સાથે ન જોડો. બન્નેએ અચાનક લગ્ન નથી કર્યાં. તેઓ એકબીજાને ૬-૭ વર્ષથી ઓળખે છે અને બાદમાં તેમણે લગ્ન કર્યાં છે. હવે લોકો એને લવ જેહાદ સાથે જોડી રહ્યા છે. લવ જેહાદ ત્યારે કહેવાય જ્યારે કોઈ યુવતીનાં લગ્ન બળજબરીપૂર્વક કરવામાં આવે. અમારા સમયમાં પણ અનેક હિન્દુ-મુસ્લિમે લગ્ન કર્યાં છે અને તેઓ ખુશ છે. સોનાક્ષી અને ઝહીરનાં લગ્ન તેમનો પારિવારિક મુદ્દો છે.’