સ્ક્રિપ્ટથી શરૂઆત કરીને ડિરેક્શન, ઍક્ટિંગ અને મ્યુઝિક દરેક ડિપાર્ટમેન્ટમાં ફિલ્મ કંગાળ છે : શિલ્પા અને શર્લીનું ગ્લૅમર પણ ફિલ્મને બચાવી નહીં શકે

Movie Review: ‘બોર’ કિયા ઇસ ફિલ્મને
નિકમ્મા
કાસ્ટ : શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અભિમન્યુ દસાની, સમીર સોની, શર્લી સેટિયા
ડિરેક્ટર : સબ્બીર ખાન
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ‘હંગામા 2’ દ્વારા ફિલ્મોમાં કમબેક કર્યું હતું, પરંતુ સિનેમાના પડદે તે ‘નિકમ્મા’ દ્વારા આવી છે. સબ્બીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ થિયેટર્સમાં લગભગ બે વર્ષ બાદ રિલીઝ કરવામાં આવી છે. ૨૦૧૭માં આવેલી તેલુગુ ફિલ્મ ‘મિડલ ક્લાસ અબ્બાયી’ની આ હિન્દી રીમેક છે અને એને સીધી ઓટીટી પર રિલીઝ કરવાની જરૂર હતી.
સ્ટોરી ટાઇમ
૪૭ વર્ષની શિલ્પાની કમબૅક ફિલ્મ તરીકે એને ખૂબ જ પ્રમોટ કરવામાં આવી હતી. જોકે શિલ્પા પણ તેનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી છે. યુટ્યુબ સેન્સેશન શર્લી સેટિયાએ આ ફિલ્મ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યો છે. જોકે તેની પણ ઍક્ટર તરીકેને પહેલી ફિલ્મ નેટફ્લિક્સ પર આવી ગઈ હતી. શર્લી સેટિયાની સાથે આ ફિલ્મમાં ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની પણ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં ડ્રામાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અભિમન્યુએ આદીનું પાત્ર ભજવ્યું હોય છે જે કંઈ કરતો નથી હોતો. બસ, આરામ કરવો એ જ તેનું કામ હોય છે. તેના ભાઈ રમણનું પાત્ર સમીર સોનીએ ભજવ્યું છે. રમણ તેનાં બધાં નખરાં ઉઠાવતો હોય છે. જોકે નોકરીને કારણે રમણ અને તેની પત્ની અવનીનું પાત્ર ભજવતી શિલ્પાએ અલગ રહેવું પડે છે. રમણના કહેવાથી અવની તેના દિયર આદીને તેની સાથે રાખે છે. આદી તેની મમ્મી સમાન ભાભીને ઘરનું થોડું–થોડું કામ કરવા લાગે છે. જોકે આ દરમ્યાન તે નિક્કીના પ્રેમમાં પડે છે. આ પાત્ર શર્લીએ ભજવ્યું છે. નિક્કીના પ્રેમમાં પડતાં ફિલ્મ લવ સ્ટોરી બને છે.
જોકે ડ્રામા અને લવ હોય તો ઍક્શન કેવી રીતે બાકી રહી શકે. આથી આદી અને અવની એમએલએ વિક્રમજિત બિશ્તની સામે એટલે કે અભિમન્યુ સિંહ અને તેના ગુંડાઓનો સામનો કરતાં પણ જોવા મળે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
તેલુગુ ફિલ્મમાં નાનીએ કામ કર્યું હતું. આ ફિલ્મ ત્યાં ખૂબ જ હિટ રહી હતી અને એથી એનું હિન્દીકરણ કરવામાં આવ્યું. જોકે દરેક ફિલ્મની રીમેક સારી બને એ જરૂરી નથી હોતું. બૉલીવુડે હવે એ સમજવું જરૂરી છે કે રીમેક એકમાત્ર રસ્તો નથી. તેમણે ઓરિજિનલ સ્ટોરી લાવવી જરૂરી છે નહીંતર એ દિવસ દૂર નથી કે બૉલીવુડનું નામ-ઓ-નિશાન નહીં રહે. ભલભલા સ્ટાર કેમ ન હોય, હવે જો સ્ટોરીમાં દમ ન હોય તો એ ફિલ્મ નહીં ચાલે. ‘નિકમ્મા’ના હાલ પણ એવા જ છે. આ ફિલ્મની સ્ટોરીમાં જરા પણ દમ નથી. અઢી કલાકનું ટૉર્ચર છે. એના કરતાં રિપીટ ફિલ્મ જોવી વધુ સારી લાગે છે. સબ્બીર ખાન એક રીતે રીમેક કિંગ છે. તેણે ‘કમ્બખ્ત ઇશ્ક’, ‘હીરોપંતી’ અને ‘બાગી’ બનાવી હતી. આ ત્રણેય ફિલ્મ સાઉથની રીમેક હતી. જોકે એ બૉક્સ-ઑફિસ પર ચાલી પણ હતી. ત્યાર બાદ તેણે વધુ એક રીમેક ‘મુન્ના માઇકલ’ બનાવી. એ ફ્લૉપ રહી અને હવે આ ફિલ્મ પણ નિષ્ફળ રહી છે. દર્શકોને ટેસ્ટ બદલાયો છે અને હવે તેમને કન્ટેન્ટથી ભરપૂર ફિલ્મ જ પસંદ પડે છે. સ્ટોરી રાઇટિંગ, ડાયલૉગ, ડિરેક્શન, પ્રોડક્શન વૅલ્યુ અને ઍક્ટિંગ સારી ન હોય તો દર્શકો હવે ફિલ્મ જોવા નહીં જાય. તેમ જ સબ્બીરના ડિરેક્શનમાં પણ ખૂબ જ નબળું છે.
પર્ફોર્મન્સ
શિલ્પા શેટ્ટી કુન્દ્રા ભલે ગમે એટલી ફિટ કેમ ન હોય, પરંતુ તે આ ફિલ્મ દ્વારા દર્શકોને થિયેટર્સમાં લાવવા માટે ફિટ નથી. તેની અને અભિમન્યુની વચ્ચે ભાભી-દિયરનો સંબંધ એટલો રિયલ નથી લાગતો. અભિમન્યુ પણ ડાન્સ અને ઍક્શન કરી શકે છે, પરંતુ તેના ચહેરાનાં એક્સપ્રેશન હજી પણ યોગ્ય નથી અને તેણે એના પર કામ કરવાની ખૂબ જ જરૂર છે જેથી તે દર્શકોને ઇમોશનલી કનેક્ટ કરી શકે. શર્લી સેટિયાએ નિક્કીનું પાત્ર ભજવ્યું છે જે કૉલેજમાં હોય છે, પરંતુ ક્યારેય પણ કૉલેજમાં જોવા નથી મળી. તેની પાસે ગીત ગાવા અને રોમૅન્સ કરવા સિવાય કોઈ ખાસ કામ નહોતું.
મ્યુઝિક
‘નિકમ્મા’ની સ્ટોરી, ડિરેક્શન અને પર્ફોર્મન્સ દરેકમાં જ પ્રૉબ્લેમ હોય ત્યાં ગીતમાં પણ એટલો દમ ન હોય ત્યારે ફિલ્મ ખરેખર દર્શકો માટે માથાનો દુખાવો બની જાય છે. ‘નિકમ્મા કિયા ઇસ દિલને’ ઓરિજિનલ ગીત માટે સાંભળી શકાય છે, પરંતુ એમ છતાં ઓરિજિનલ એ ઓરિજિનલ છે.
આખરી સલામ
ઈશા દેઓલ અને તુષાર કપૂરની ૨૦૦૨માં આવેલી ‘ક્યા દિલને કહા’ના ગીત ‘નિકમ્મા કિયા ઇસ દિલને’ આ ફિલ્મ માટે ફરી રીક્રીએટ કરવામાં આવ્યું છે. ઓરિજિનલ ગીત સંજય છેલ દ્વારા લખવામાં આવ્યું હતું. જોકે ‘નિક્કમા’ના મેકર્સે છેલ સાહેબ પાસે પરવાનગી લઈને ગીતના બોલ બદલીને ‘બોરિંગ કિયા ઇસ ફિલ્મને’ રાખવાની જરૂર હતી, જે વધુ યોગ્ય લાગે છે.