શાહરુખ ખાનનું કહેવું છે કે તેને દિનેશ કાર્તિક હંમેશાં ફિનિશર તરીકે જોઈએ છે. દિનેશ કાર્તિક શાહરુખ ખાનની કોલકતા નાઇટ રાઇડર્સમાંથી રમતો હતો.
દિનેશ કાર્તિક
શાહરુખ ખાનનું કહેવું છે કે તેને દિનેશ કાર્તિક હંમેશાં ફિનિશર તરીકે જોઈએ છે. દિનેશ કાર્તિક શાહરુખ ખાનની કોલકતા નાઇટ રાઇડર્સમાંથી રમતો હતો. તે આઇપીએલનો સૌથી સફળ કૅપ્ટનમાં બીજા ક્રમે હતો અને ત્યાર બાદ તે કોલકતામાંથી અલગ થયો હતો. તેણે હાલમાં જ શાહરુખ ખાનની ‘જવાન’ જોઈ હતી. આ ફિલ્મ જોયા બાદ તેણે તેનો પોતાનો રિવ્યુ એક્સ પર શૅર કર્યો હતો. દિનેશ કાર્તિકે પોસ્ટ કર્યું હતું કે ‘મને લાગે છે કે ‘જવાન’ને જેટલી ભવ્યતાથી બનાવવામાં આવી છે અને એનો જે સ્કેલ છે એને જોતાં ફિલ્મ ભારતની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બનશે. શાહરુખ ખાનને અલગ-અલગ અવતારમાં રજૂ કરવા માટે ઍટલીએ ખૂબ જ મહેનત કરી છે. મારો ફેવરિટ વિક્રમ રાઠોડ છે. તેની સ્ટાઇલ, તેનો ઑરા જે છે એવું આ જ સુધી શાહરુખ ખાન પાસેથી કોઈએ જોયો નહીં હોય એવો છે. ૨૦૧૮માં મેં જ્યારે કેકેઆર સાથે શરૂઆત કરી હતી ત્યારે જ ઍટલી તેમને મળવા આવ્યો હતો. તે સીએસકે અને કેકેઆરની મૅચ જોવા માટે ચેન્નઈ આવ્યો હતો. આ ફિલ્મને બનતાં પાચ વર્ષ લાગ્યાં છે. ઘણાં ડિસ્કશન, સ્ક્રિપ્ટમાં નાના-મોટા બદલાવ અને આ ફિલ્મને પ્રૉપર કમર્શિયલ બનાવવા માટે આટલા સમયમાં ઘણી મહનેત લાગી છે. એકેએક ફ્રેમને ઇન્ટરેસ્ટિંગ બનાવવી અને દિલધડક બનાવવી એ માટે આ રાહ જોવી વ્યર્થ ગઈ છે. હું વેન્કી મૈસૂર સર (કેકેઆરનો મૅનેજિંગ ડિરેક્ટર)નો આભાર માનું છું અને તેમના માટે ખુશ છું. તેમણે બૅકગ્રાઉન્ડમાં આની પાછળ ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મ અદ્ભુત હિટ રહી. એ તેઓ ડિઝર્વ કરે છે. ‘જવાન’ની ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. નયનતારા અને વિજય સેતુપતિ, તમે પૅન ઇન્ડિયા હીરોઝ છો અને તમે તમારા દમ અને તમારી ઍક્ટિંગ સ્કિલના આધારે દરેક દૃશ્યને જકડી રાખ્યું છે.
અનિરુદ્ધ આજનો રૉકસ્ટાર છે અને દરેક ફિલ્મ દ્વારા તે નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ જોરદાર હતું.’ દિનશ કાર્તિકની આ પોસ્ટનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘ડીકે તું એકદમ અદ્ભુત છે. તને ફિલ્મોમાં પણ ખૂબ જ રસ છે એ જોઈ શકાય છે. કેકેઆરમાં તું જ્યારે હતો એ સમય દરમ્યાન તો મને તારી આ સાઇડ ક્યારેય જોવા ન મળી. તને ફિલ્મ જોવાની મજા આવી એથી હું ખુશ છું. દીપિકાને મારો પ્રેમ આપજે. જો તું ફ્રી હોય અને સમય હોય તો થોડાં અઠવાડિયાં બાદ ફરી ફિલ્મ જોવા જજે. તારી એક ફિનિશર તરીકેની જરૂરિયાત મને હંમેશાં રહેશે.’

