તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’માં તે રિન્કુના રોલમાં દેખાવાની છે
‘અતરંગી રે’ સારા અલી ખાન
સારા અલી ખાનનું કહેવું છે કે તે બંડખોર નથી કે ઘર છોડીને ભાગી જાય. તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’માં તે રિન્કુના રોલમાં દેખાવાની છે. એમાં તેનો સ્વભાવ બળવાખોર દેખાડવામાં આવ્યો છે. ફિલ્મને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર અને ધનુષ પણ જોવા મળશે. ફિલ્મમાં પોતાના કૅરૅક્ટર રિન્કુને લઈને સારાએ કહ્યું હતું કે ‘અમે બન્ને આત્મવિશ્વાસુ વ્યક્તિઓ છીએ. તેમનો આત્મવિશ્વાસ તેમની આંતરિક ભેદ્યતાને છુપાવે છે. જોકે અમે અલગ પણ છીએ. હું તેના જેવી બંડખોર નથી, હું બૉટલ્સ નથી તોડતી અથવા તો ૨૧ વખત ભાગતી નથી. મારી ફૅમિલી ખૂબ સહાયક છે. હું મારા હસબન્ડનાં લગ્નમાં તો નાચી પણ ન શકું. સાથે જ હું તો બિહારી ઉચ્ચારણમાં વાત ન કરી શકું. ફિલ્મ કરતી વખતે ખાસ વાત એ છે કે તમે તમારા પાત્રને જજ ન કરી શકો. આવું જ મને આનંદજીએ કહ્યું હતું. તેમણે મને મારા ઑન-સ્ક્રીન કૅરૅક્ટર રિન્કુના પ્રેમમાં પાડી છે. તમે જો એક વખત જીવનને સમજી જાઓ તો પછી ખરું, ખોટું, કાળું કે ધોળું કંઈ નથી હોતું. એથી તમે દરેક બાબતને જજ ન કરી શકો. આ જ વસ્તુ મેં ફિલ્મમાં શીખી અને એનો અહેસાસ કર્યો હતો.’
રિન્કુના પાત્રને ભજવવા માટે સારાને બિહારી ભાષામાં બોલવાનું હતું. એ વિશે સારાએ કહ્યું હતું કે ‘આ મારા માટે એટલું તો સરળ નહોતું. આવી ફિલ્મો કરતી વખતે તમે જ્યારે સેટ પર જાઓ તો એ સહેલું નથી હોતું. તમારે માત્ર ઉચ્ચારણ જ નથી શીખવાના પરંતુ એની બૉડી-લૅન્ગ્વેજ, ડાયલૉગ અને ઉચ્ચારણ એટલી તો સચોટતાથી બોલવાના હોય છે કે તમે જ્યારે સેટ પર હો તો તમારે માત્ર એ ચોક્કસ સીન વિશે જ વિચારવાનું હોય છે અને બીજું કંઈ દિમાગમાં નથી આવતું.’
આ ફિલ્મ માટે વિવિધ શહેરોમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો હતો એ વિશે સારાએ કહ્યું હતું કે ‘અમે બિહારના બનારસના કેટલાક ભાગોમાં શૂટિંગ કર્યું હતું અને એ ખૂબ સુંદર હતું. હું શૂટિંગ માટે સવારના નીકળી જતી હતી અને રસ્તામાં આવતાં ખેતરોને જોતી હતી. મને જ્યારે પણ સમય મળતો તો હું ગંગા આરતી અને કાશી વિશ્વનાથનાં દર્શને જતી હતી. બાદમાં અમે મદુરાઈમાં શૂટિંગ કર્યું હતું અને એ પણ ખૂબ આહ્લાદક રહ્યું. ત્યાંનું ફૂડ મને ખૂબ ગમ્યું અને ઇડલી જેવું ઘણુંબધું ગમ્યું હતું. બાદમાં અમે દિલ્હી આવ્યા અને શૂટિંગ લોકેશન્સ પર સવારે ચાર વાગ્યે પહોંચીને થાકી ગયા હતાં. મારા માટે તો આ યાદગાર શૂટિંગનો અનુભવ રહ્યો હતો.’
અક્ષયકુમાર અને ધનુષ સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં સારાએ કહ્યું હતું કે ‘અક્ષયકુમાર સુપરસ્ટાર છે. ધનુષ નૅશનલ અવૉર્ડ વિજેતા છે. એથી હા, સ્પર્ધા જેવું તો કંઈ જ નહોતું. એમાં માત્ર પ્રેરણા લેવાનું અને શીખવાનું જ છે. જોકે સેટ્સ પર તો અમે બધા આનંદજીનાં બાળકો અને તેમનાં પાત્રોના વિશ્વમાં હતાં. હું એ વખતે સારા નહીં, રિન્કુ હતી અને ધનુષ માત્ર વિષુ હતો.’