ઑન્ટ્રપ્રનર નિખિલ કામથની યુટ્યુબ ચૅનલ પરના પૉડકાસ્ટ ‘પીપલ બાય WTF’માં રણબીર કપૂરે પોતાના જીવનની ઘણી વાતો કરી છે.
રણબીર કપૂર
ઑન્ટ્રપ્રનર નિખિલ કામથની યુટ્યુબ ચૅનલ પરના પૉડકાસ્ટ ‘પીપલ બાય WTF’માં રણબીર કપૂરે પોતાના જીવનની ઘણી વાતો કરી છે. અગાઉ માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પણ આ શોમાં આવી ચૂક્યા છે. હવે એ શોમાં આવીને રણબીરે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને અનેક જાણીઅજાણી બાબતો પર પ્રકાશ પાડ્યો છે. એમાંના કેટલાક મુદ્દાઓ પર એક નજર નાખીએ
કોઈ ઊંચા અવાજમાં બોલે તો હું ડિસ્ટર્બ થઈ જાઉં છું
ADVERTISEMENT
રણબીર કપૂરે તેના પેરન્ટ્સ રિશી કપૂર અને નીતુ કપૂરના ઝઘડાની અસર પોતાના પર થઈ હોવાનું જણાવ્યું છે. તેમના ઝઘડાથી તે ખૂબ ડરી જતો હતો. એની અસર આજે પણ રણબીર પર છે. તે કહે છે કે કોઈ ઊંચા અવાજમાં બોલે તો તે ડિસ્ટર્બ થઈ જાય છે. રિશી કપૂર અને નીતુ કપૂરનાં લગ્ન ૧૯૮૦માં થયાં હતાં. રણબીર અને રિદ્ધિમા કપૂર સાહની તેમનાં સંતાનો છે. પેરન્ટ્સના ઝઘડાની કેવી અસર થઈ એ વિશે નિખિલ કામથના શો ‘પીપલ બાય WTF’માં રણબીર કહે છે, ‘બાળપણથી જ કોઈ પણ જ્યારે મોટા અવાજમાં વાત કરે તો હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. મારા પેરન્ટ્સની વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા. અમે બંગલામાં રહેતાં હતાં અને બાળપણનો મોટા ભાગનો સમય મેં સીડીઓ પર બેસીને તેમના વચ્ચેની દલીલો સાંભળવામાં પસાર કર્યો છે. તેમને ઝઘડતાં સાંભળતો તો હું ગભરાઈ જતો હતો અને એક ખૂણામાં બેસી જતો હતો. મને લાગે છે કે એ તેમનો ખૂબ કપરો સમય હતો. મારી મમ્મી તેની લાગણીઓ મારી સાથે શૅર કરતી હતી, પરંતુ મારા પપ્પાએ કદી પણ લાગણી વ્યક્ત નહોતી કરી. હું કદી પણ તેમનો દૃષ્ટિકોણ સમજી નથી શક્યો અને ન તો કદી તેમના વિચારો સાંભળ્યા છે.’
પપ્પાના અવસાન વખતે રડ્યો નહોતો રણબીર કપૂર
રણબીર કપૂર કહે છે કે તેના પિતા રિશી કપૂરના નિધન વખતે તે રડ્યો નહોતો. ૨૦૨૦ની ૩૦ એપ્રિલે રિશી કપૂરનું અવસાન થયું હતું. ૨૦૧૮માં તેમને કૅન્સરનું નિદાન થયું હતું. તેમણે ન્યુ યૉર્ક જઈને સારવાર લીધી હતી. ત્યાંથી ભારત આવ્યા બાદ થોડા સમય બાદ અચાનક તેમની તબિયત ખરાબ થઈ અને તેમને મુંબઈની સર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાન વખતે રડવું નહોતું આવ્યું એ વિશે રણબીર કહે છે, ‘આ ખરેખર ફની કહેવાય કે મારા પિતાના અવસાન વખતે હું રડ્યો નહોતો. મને ડૉક્ટરે જણાવ્યું કે તારા પિતાની આ છેલ્લી રાત છે, ગમે ત્યારે તેઓ અંતિમ શ્વાસ લેશે. મને યાદ છે એ સાંભળતાં જ હું ઉપરના રૂમમાં ગયો અને મને પૅનિક અટૅક આવ્યો હતો. એ સાંભળીને મને સમજમાં ન આવ્યું કે હું શું કહું, મને સમજમાં ન આવ્યું કે શું થઈ રહ્યું છે. એ વખતે પિતાને ગુમાવવાનું દર્દ સમજી ન શક્યો અને હું ઉદાસ પણ નહોતો થયો.’
લગ્ન બાદ આલિયાએ પોતાનો અવાજ ધીમો કરી દીધો છે : રણબીર
રણબીર કપૂરનું કહેવું છે કે આલિયા ભટ્ટે લગ્ન બાદ પોતાને પૂરી રીતે બદલી દીધી છે. રણબીરને ઊંચા અવાજથી તકલીફ થાય છે એથી આલિયા ધીમા અવાજમાં વાત કરે છે. એ વિશે રણબીર કહે છે, ‘તે પહેલાં ખૂબ ઊંચા અવાજમાં વાત કરતી હતી. કદાચ મારા પપ્પાની જેમ જ. તેમનો મોટો અવાજ હંમેશાં મને તકલીફ આપતો હતો એથી આલિયાએ પોતાનામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ કંઈ એટલું સરળ નથી અને એ પણ ત્યારે જ્યારે તમે લાઇફનાં ૩૦ વર્ષ આવી રીતે મોટા અવાજમાં વાતો કરીને પસાર કર્યાં હોય. રાહા જો પડી જાય તો એના પર તે સહજતાથી રીઍક્ટ કરે છે. તેનું આવું રીઍક્શન મને તકલીફ આપે છે. જોકે તે કેટલીક વસ્તુઓ એ માટે પણ કરે છે જેથી મને મુશ્કેલી ન પડે. કદાચ હું પણ તેને સરળતા પડે એવું કાંઈક કરી શક્યો હતો, જોકે મેં એવું કાંઈ નથી કર્યું.’
હું સનાતન ધર્મમાં વિશ્વાસ કરવા માંડ્યો છું : રણબીર
રણબીર કપૂરને છેલ્લાં થોડાં વર્ષોથી સનાતન ધર્મ પર ખૂબ આસ્થા વધી છે અને એમાં તે ઊંડો ઊતર્યો છે. જીવનમાં જે કંઈ મળ્યું છે એ માટે તે ભગવાનનો દરરોજ આભાર માને છે. પપ્પા રિશી કપૂર અને મમ્મી નીતુ કપૂરની ધર્મ પ્રત્યે કેવી શ્રદ્ધા હતી એ વિશે રણબીર કહે છે, ‘મારા પપ્પા અતિશય ધર્મનિષ્ઠ હતા. મારી મમ્મીને ધર્મ પ્રત્યે પપ્પા કરતાં ઓછી લાગણી છે.
જોકે પપ્પાને ખુશ રાખવા માટે મારી મમ્મી ધાર્મિક બાબતોમાં રસ લેતી હતી. એવું કહેવાય છે કે માતા-પિતાને જોઈને બાળકો તેમનું અનુકરણ કરતાં હોય છે. એ જ રીતે મને પણ ભગવાનમાં અતૂટ વિશ્વાસ જાગ્યો હતો. ખૂબ નાની ઉંમરમાં મને એ એહસાસ થયો હતો કે મારી ઇચ્છાશક્તિ ખૂબ સ્ટ્રૉન્ગ છે. જો હું ભગવાન પાસે કાંઈ માગું તો મને તરત એ મળી જતું હતું. એથી નાની વયે મેં માગવાનું બંધ કરી દીધું હતું, કારણ કે મેં પોતાની જાતને એમ કહ્યું હતું કે એ શક્તિને કપરા દિવસો માટે બચાવીને રાખું. ત્યારથી દરરોજ રાતે હું ભગવાનનો આભાર માનીને સૂવા જાઉં છું. એથી મારે કદી પણ ભગવાન પાસે માગવું નથી પડ્યું. હું કોઈ મુસીબતમાં હોઉં, મારી મમ્મી સાથે ઝઘડો થયો હોય, કાં તો પછી મારી મમ્મી સાથે કોઈ વિરોધાભાસી ચર્ચા હોય કે તે રડી રહી હોય અથવા તો મારી ફિલ્મ સફળ થાય કાં તો કંઈ ખરીદવું હોય; મેં કદી પણ ભગવાન પાસે કંઈ નથી માગ્યું. એથી ભગવાન સાથે મારા સંબંધો આભારની લાગણીથી ભરેલા છે. આજે હું જ્યાં પહોંચ્યો છું અને મારી પાસે લાઇફમાં જે કંઈ છે એના માટે હું ખૂબ આભારી છું. એથી આવા પ્રકારનું રિલેશન મારા ભગવાન સાથે છે. હું સનાતન ધર્મમાં ખૂબ વિશ્વાસ કરવા માંડ્યો છું. છેલ્લાં થોડાં વર્ષોથી એ વિશે મેં ઘણું વાંચવાનું શરૂ કર્યું છે.’
દીકરીના જન્મ બાદ મૃત્યુનો ડર લાગવા માંડ્યો છે રણબીરને : સ્મોકિંગની ટેવને કહી દીધી છે અલવિદા
રણબીર કપૂરને દીકરી રાહાના જન્મ બાદ તેના પર એટલો પ્રેમ અને લાગણી છે કે તેણે મૃત્યુના ડરથી સ્મોકિંગ છોડી દીધું છે. રાહાનો જન્મ ૨૦૨૨ની ૬ નવેમ્બરે થયો હતો. દીકરી વિશે રણબીર કહે છે, ‘એવું લાગે છે કે કોઈએ મારું દિલ કાઢીને મારા હાથમાં રાખી દીધું છે.’
દીકરી માટે રણબીરે ગયા વર્ષથી સ્મોકિંગની આદત છોડી દીધી છે. એ વિશે રણબીર કહે છે, ‘આજે હું એક દીકરીનો પિતા છું. એ જ બાબત ગેમ-ચેન્જર છે. મને એવું લાગે છે કે મારો હમણાં જ જન્મ થયો છે, મારો પુનર્જન્મ થયો છે. મને એવું લાગે છે કે મારી લાઇફનાં ચાલીસ વર્ષ હું કોઈ બીજું જીવન જીવ્યો હતો. મને નવાં ઇમોશન્સ, નવા વિચારો આવે છે અને મોતનો ડર મને કદી પણ નહોતો. હું હંમેશાંથી વિચારતો હતો કે હું ૭૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામીશ, કેમ કે મને ૮ના આંકડા સાથે ખાસ લગાવ છે. ખબર નહીં હું શું કામ આવું બોલું છું. એથી હવે મને લાગે છે કે આ ખૂબ વહેલું છે. મારી પાસે હવે ૩૦ વર્ષ છે. એથી રાહાને કારણે હું બદલાવ લાવ્યો છું. સિગારેટ સ્મોક કરવાની ગંદી ટેવ મને ૧૭ વર્ષની ઉંમરથી લાગી હતી, જે મેં ગયા વર્ષે પપ્પા બન્યા બાદ છોડી છે. મને અનહેલ્ધી હોવાનો એહસાસ થવા માંડ્યો હતો.’
આજે પણ કઈ વાતનો વસવસો થઈ રહ્યો છે રણબીરને?
રણબીર કપૂરને આજે પણ એ વાતનો વસવસો થઈ રહ્યો છે કે તેનું અને તેના પપ્પા રિશી કપૂર વચ્ચેનું અંતર તે ઘટાડી નહોતો શક્યો. ન્યુ યૉર્કમાં રિશી કપૂરની સારવાર દરમ્યાન રણબીર તેમની સાથે થોડો વખત રહ્યો હતો. પપ્પા સાથે પસાર કરેલા સમયને યાદ કરતાં અને બન્ને વચ્ચેનું અંતર ઘટી શક્યું નહીં એ વિશે રણબીર કહે છે, ‘તેમની ટ્રીટમેન્ટ દરમ્યાન તેમણે એક વર્ષ ન્યુ યૉર્કમાં પસાર કર્યું હતું. હું ત્યાં ૪૫ દિવસ રોકાયો હતો. એક દિવસ તેઓ મારી પાસે આવ્યા અને અચાનક રડવા લાગ્યા હતા. આવી કમજોરી તેમણે કદી નહોતી દેખાડી. મારા માટે એ વિચિત્ર હતું, કારણ કે મને સમજમાં નહોતું આવતું કે હું તેમને શાંત કરું કે પછી ગળે મળું. એ વખતે અમારી વચ્ચેના અંતરનો મને એહસાસ થયો હતો. મને પસ્તાવો થાય છે કે મારામાં એટલી હિમ્મત નહોતી કે એ અંતરને ઘટાડી શકું અથવા તો અમારી વચ્ચેના અંતરની દીવાલને તોડું, તેમને ગળે વળગાડું અને તેમને પ્રેમ આપું.’

