એનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડાએ સ્કૂબા ડાઇવિંગ કરવા દરમ્યાન સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો પણ ઉપાડ્યો હતો. એનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. સાથે જ દરિયાને આવા કચરાથી મુક્ત રાખવાનો પણ તેણે સંદેશ આપ્યો છે. એ વિડિયોમાં દેખાય છે કે તે દરિયાના ઊંડાણમાંથી કચરો ઉઠાવી રહી છે. એમાં માસ્ક, કૅન્સ અને ઘણીબધી પ્લાસ્ટિકની વસ્તુઓ છે જે દરિયાઈ જીવો માટે જોખમી છે. એ વિડિયો પર કૅપ્શન આપેલી છે કે ‘દર વર્ષે લગભગ ૧૪ મિલ્યન ટન્સ પ્લાસ્ટિક દરિયામાં ઠલવાય છે. ૨૦૨૦ સુધી તો સમુદ્રમાં લગભગ ચારગણો કચરો ઠલવાયો છે. એને કારણે હજારો દરિયાઈ જીવોને નુકસાન થાય છે. એ દરિયાઈ જીવો, ડૉલ્ફિન્સ અને સીલ્સ માટે પણ હાનિકારક છે. જોકે રાહતની બાબત એ છે કે ડાઇવ અગેઇન્સ્ટ ડેબ્રીઝના માધ્યમથી ડાઇવર્સ દરિયાને અને આવા જીવોને બચાવવામાં મદદ કરી રહ્યા છે. આ પહેલ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી લગભગ ૯૦ હજાર વિઝિટર્સે સમુદ્રમાંથી બે મિલ્યન કચરાના ટુકડાઓને બહાર કાઢ્યા છે. હું ખુશ છું કે મારા તરફથી મેં થોડું યોગદાન આપ્યું છે.’
કચરો ઉઠાવતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, ‘ડાઇવિંગ કરવાની ખૂબ મજા આવી, પરંતુ સાથે જ મેં ડાઇવ અગેઇન્સ્ટ ડેબ્રીઝમાં પણ ભાગ આપ્યો. દરિયામાં પરિવર્તન લાવવા માટે મારો સાથ આપો. પ્રોફેશનલ અસોસિએશન ઑફ ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર્સ સાથે સ્કૂબા ડાઇવર બની છું.’