પશુઓ સાથેની ક્રૂરતાને અટકાવવા માટે સર્કસની ટિકિટોનું વેચાણ બંધ કરવા બુક માય શોને પત્ર લખ્યો જૉન એબ્રાહમે

જૉન અબ્રાહમ
જૉન એબ્રાહમે હવે ઑનલાઇન ઇ-ટિકિટ પ્લૅટફૉર્મ બુક માય શોને સર્કસની ટિકિટોનું વેચાણ બંધ કરવાનો પત્ર લખ્યો છે. તેનું કહેવું છે કે સર્કસમાં ડૉગી પાસે બળજબરીપૂર્વક કેટલીક ટ્રિક્સ કરાવવામાં આવે છે. તેમને ઊંચેથી જમ્પ મારવાનો હોય છે. તો એક પર્ફોર્મર જીવતી બે માછલીઓને પોતાના દાંત વચ્ચે દબાવે છે, તેને જીવતી ગળી જાય છે અને બાદમાં તેને પાણીના એક બાઉલમાં જીવતી નાખે છે. આ બધી હકીકત બહાર આવતાં રૅમ્બો સર્કસે પણ સ્વીકાર કર્યો કે તેઓ માછલીઓનો ગેરકાયદે ઉપયોગ કરે છે. પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)એ જૉનને ‘પર્સન ઑફ ધ યર’થી નવાજ્યો હતો. જૉને બુક માય શોના સીઈઓ આશિષ હેમરાજાણીને પત્રમાં લખ્યું હતું કે ‘વિશ્વભરના અનેક સર્કસો હવે ઇચ્છુક માનવ કલાકારોનો જ ઉપયોગ કરે છે અને પશુઓનો ઉપયોગ માત્ર મનોરંજક પ્રૉપ્સ તરીકે થાય છે. એને કારણે પશુઓ પ્રાકૃતિક જીવન પસાર કરવાથી વંચિત રહે છે. તેમને ખૂબ જ પીડા અને
અસહ્ય દર્દનો સામનો કરવો પડે છે. તેમને ખૂબ જ નિર્દય પરિસ્થિતિમાં રાખીને અને શારીરિક શોષણ કરીને ડરામણાં અને ભ્રામક કરતબો કરવા વિવશ કરવામાં આવે છે. એવામાં મને આશા છે કે હવે તમે પણ આવી ક્રૂરતાનો પક્ષ નહીં લો અને પ્રાણીઓનો આવી રીતે ઉપયોગ કરનારાં સર્કસોની ટિકિટોને પ્રોત્સાહન, વેચવા અને વેચવાની પરવાનગી ન આપવાની નીતિને લાગુ કરીને યોગ્ય દિશામાં પહેલ કરશો.’