બ્રેસ્ટ-કૅન્સર ડિટેક્ટ થયા બાદ એની સારવાર લઈ રહી છે: તેણે કહ્યું કે મારા માથાનો તાજ તો મારું સાહસ છે
હિના ખાન
હિના ખાને તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર છે. એની સારવાર દરમ્યાન માથાના વાળ ખરવા લાગે છે. એથી હિનાએ જાતે જ હેર કટ કરાવવાનું નક્કી કરી લીધું હતું. એનો વિડિયો તેણે શૅર કર્યો હતો જેથી જીવનમાં આવનાર પડકારનો હિમ્મતથી સામનો કરવાની અન્ય લોકોને તે પ્રેરણા આપી શકે. હેર કટ વખતે હિનાની મમ્મી ઇમોશનલ થઈ ગઈ હતી અને દીકરી માટે તે પ્રાર્થના કરી રહી હતી. એ વિડિયોમાં હિનાના ચહેરા પર સ્માઇલ છે અને બીમારી સામે હિમ્મતથી લડવાનો જોશ સ્પષ્ટ દેખાઈ આવે છે. એ હેરકટ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી, ‘મારી મમ્મીનો રડવાનો અવાજ તમે સાંભળી શકો છો. સાથે જ તે પોતાની જાતને એ વસ્તુ માટે તૈયાર કરી રહી છે જેની તેણે કદી કલ્પના પણ નહોતી કરી. હું એ તમામ સુંદર લોકો ખાસ કરીને મહિલાઓને જણાવવા માગું છું જે મારી જેમ આ બીમારીનો સામનો કરી રહી છે, કે આપણા માટે આ ખૂબ અઘરું હોય છે, આપણા વાળ આપણે કદી કાપવા નથી માગતા. આપણા માટે તો એ માથાનો તાજ સમાન છે. જોકે બીમારીના જંગ સામે તમારે વાળ ગુમાવવાના હોય છે; જે તમારું અભિમાન, તમારો તાજ હોય છે. જો તમારે જીતવું હોય તો ક્યારેક અઘરા નિર્ણયો લેવા પડે છે. મેં નક્કી કર્યું છે કે આ લડાઈનો સામનો કરતાં મારે જીતવું છે. મારા વાળ ખરવા માંડે એ પહેલાં જ મેં એને કાપી નાખ્યા છે. એથી મારા ક્રાઉનને મેં જતો કર્યો છે. મને એહસાસ થયો છે કે મારો રિયલ ક્રાઉન તો મારું સાહસ, મારી સ્ટ્રેન્ગ્થ અને મારી જાત પ્રત્યેનો પ્રેમ છે. અને હા, મેં નક્કી કર્યું છે કે મારા આ વાળની હું સુંદર વિગ બનાવડાવીશ. વાળ ફરીથી ઊગી જશે, આઇબ્રોઝ પણ પાછી આવશે, ઘા પણ રૂઝાઈ જશે પરંતુ જોશ તો અડીખમ રહેવો જોઈએ. આ સ્ટોરી મેં એટલા માટે રેકૉર્ડ કરી છે કે મારી જર્ની, મારો પ્રયાસ દરેકને પ્રેરણા આપે. હું પ્રાર્થના કરું છું કે મારું દર્દ હળવું થાય અને જીતવાની તાકાત આપે. પ્લીઝ, મારા માટે પ્રાર્થના કરો.’

