આવો તર્ક રજૂ કરીને ગદર 2ના ડિરેક્ટરે અમીષા પટેલના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
અનિલ શર્મા અને ગદર 2
સુપરહિટ ફિલ્મ ‘ગદર’ની સીક્વલ ‘ગદર 2’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી અને બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થઈ હતી. આ સીક્વલમાં સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મની રિલીઝને સારો એવો સમય થઈ ગયો હોવા છતાં હજી આ ફિલ્મ સાથે સંકળાયેલો વિવાદ શમવાનું નામ નથી લેતો. થોડા સમય પહેલાં ફિલ્મની ઍક્ટ્રેસ અમીષા પટેલે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ‘ફિલ્મના ક્લાઇમૅક્સમાં હું વિલનને મારી નાખું છું એવું દૃશ્ય હતું, પણ છેલ્લી ઘડીએ એ બદલી નાખવામાં આવ્યું અને મને આ વાતની જાણ પણ કરવામાં નહોતી આવી. મને આ વાતનું બહુ ખરાબ લાગ્યું હતું.’
ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્માએ એક ઇન્ટરવ્યુમાં આ મામલે ખુલાસો કરતાં કહ્યું છે કે ‘અમીષાએ શૂટિંગ પહેલાં જ દલીલ કરી હતી કે તેને પણ પાકિસ્તાન લઈ જવી જોઈએ. જોકે ત્યારે જ તેને જણાવવામાં આવ્યું હતું કે સ્ક્રિપ્ટમાં આ શક્ય નથી. તેણે સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી જ ફિલ્મ કરી હતીને? કયો ઍક્ટર મોટો રોલ નથી ઇચ્છતો, દરેક ઍક્ટર ઇચ્છે છે; પણ શું પાકિસ્તાન ટૂરિસ્ટ-પૉઇન્ટ છે જ્યાં સની દેઓલ બધાને લઈને જાય? દીકરો ત્યાં ફસાયો છે, તો પત્નીને પણ લઈ જવી જોઈએ? પત્ની પર કોઈ માણસ બંદૂક તાકી દે તો? શું તારા સિંહ પાગલ છે?’
ADVERTISEMENT
અનિલ શર્મા હવે ‘ગદર 3’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે ફિલ્મ ક્યારે શરૂ થશે અને એમાં અમીષા હશે કે નહીં એ હજી જાણી શકાયું નથી, કારણ કે ઍક્ટ્રેસ અને ફિલ્મમેકર બન્નેએ એકમેક વિરુદ્ધ ઘણા આરોપ મૂક્યા છે.

