આ વાત તેણે તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સૉન્ગ-લૉન્ચ વખતે કહી છે

આમિર ખાન
આમિર ખાને જણાવ્યું છે કે જ્યારે તેનું પહેલું બ્રેકઅપ થયું ત્યાર બાદ એક વસ્તુ તેની સાથે સારી બની હતી. આ વાત તેણે તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સૉન્ગ-લૉન્ચ વખતે કહી છે. આ ફિલ્મને આમિર ખાન અને કિરણ રાવે વાયકૉમ 18 સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ૧૧ ઑગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર ખાન, મોના સિંહ અને નાગ ચૈતન્ય લીડ રોલમાં છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ‘ફિર ના ઐસી રાત આએગી’ ગીતના લૉન્ચ વખતે પોતાના પહેલા બ્રેકઅપ વિશે આમિર ખાને કહ્યું કે ‘એક સમય હતો જ્યારે હું ટેનિસ રમતો હતો. તે પણ એ જ ક્લબમાં આવતી હતી. એક દિવસ મને જાણ થઈ કે તે તેની ફૅમિલી સાથે દેશ છોડીને જતી રહી છે. મારું દિલ તૂટી ગયું હતું. મૂંઝવણ તો એ હતી કે તેને આ વાતની જાણ જ નહોતી. જોકે એક વસ્તુ સારી થઈ કે હું સારો ટેનિસ પ્લેયર બની ગયો. થોડાં વર્ષો બાદ મેં સ્ટેટ-લેવલની ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને હું સ્ટેટ-લેવલનો ચૅમ્પિયન બની ગયો હતો.’