° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


Jayeshbhai Jordaar: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ જયેશભાઈ જોરદારનું આ ગુજરાત કનેક્શન તમે જાણો છો?

11 May, 2022 03:02 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

જયેશભાઈને ‘જોરદાર’ લૂક આપવામાં આ ગુજરાતી મેકઅપ આર્ટિસ્ટનો છે હાથ

રણવીર સિંહ, જયેશભાઈ જોરદારના ડાયરેક્ટર દિવ્યાંગ ઠાકર અને મેકઅપ આર્ટિસ્ટ હેતુલ તપોધન Jayeshbhai Jordaar

રણવીર સિંહ, જયેશભાઈ જોરદારના ડાયરેક્ટર દિવ્યાંગ ઠાકર અને મેકઅપ આર્ટિસ્ટ હેતુલ તપોધન

આગામી શુક્રવારે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝ થઈ રહી છે. રણવીણ સિંહે આ ફિલ્મમાં ‘જયેશભાઈ’નું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર ગુજરાતી હોવાથી ગુજરાતીઓ પોતાના ફેવરેટ સ્ટારને આ પાત્રમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. મૂખ્ય પાત્ર ગુજરાતી હોવા ઉપરાંત ફિલ્મનું વધુ એક ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. રણવીર સિંહને જયેશભાઈનો ‘જોરદાર’ લૂક આપવામાં જાણીતા ગુજરાતી મેકઅપ આર્ટિસ્ટ હેતુલ તપોધનનો સિંહફાળો છે. આ ફિલ્મના તમામ પાત્રોના જોરદાર લૂક હેતુલે જ ડિઝાઇન કર્યા છે.

કેવી રીતે જઈશ?, છેલ્લો દિવસ, રોંગ સાઇડ રાજૂ, ધૂનકી, વિઠ્ઠલ તીડી અને એકવીસમું ટિફિન જેવી 50થી વધુ અર્બન ગુજરાતી ફિલ્મોમાં પોતાના મેકઅપના જાદુથી એક્ટર્સને પાત્રનો ચોક્કસ લૂક આપનાર હેતુલ તપોધન ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મ સાથે બોલીવૂડમાં પોતાનો હાથ અજમાવ્યો છે. અર્બન ગુજરાતી ફિલ્મથી બોલીવૂડની આ સફર જાણવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે હેતુલ તપોધન  સાથે ખાસ વાતચીત કરી હતી.

આ રીતે થઈ મેકઅપની શરૂઆત

તપોધન પરિવારની આ ત્રીજી પેઢી છે, જે નાટ્ય અને સિનેમા જગત સાથે જોડાયેલી છે. છ દાયકાથી વધુ સમયથી આ પરિવાર નૃત્ય, સેટ ડિઝાઇન અને ખાસ તો મેકઅપ માટે જાણીતો છે. તેથી ‘મોરના ઈંડા ચિતરવા ન પડે’ એ કહેવત અહીં બંધ બેસતી જણાય, પરંતુ હેતુલે મેકઅપની શરૂઆત કઈ રીતે કરી તેની વાર્તા પણ રસપ્રદ છે. હેતુલ કહે છે કે “હું જ્યારે નાનો હતો, ત્યારે મને આઇસક્રીમ બહુ ભાવતી તેથી પપ્પા મને આઇસ્ક્રીમની લાલચે અનેક કાર્યક્રમમાં લઈ જતાં જ્યાં હું પપ્પાને મેકઅપ કરતાં જોતો, અવલોકન કરતો અને શીખતો.”

“હું જ્યારે નવમા ધોરણમાં ભણતો ત્યારે મેં પ્રથમ વખત ભરતનાટ્યમ માટે મેકઅપ કરેલો. ત્યાર બાદ અગણિત નાટકોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. જોકે, અર્બન ફિલ્મોમાં મેં શરૂઆત વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’થી કરી અને અર્બન ફિલ્મોનો આ સિલસિલો આજે પણ ચાલી રહ્યો છે,” તેમણે ઉમેર્યું હતું.

આ રીતે મળી ‘જયેશભાઈ જોરદાર’

યશ રાજ ફિલ્મ્સની જયેશભાઈ જોરદાર વિશે વાત કરતાં હેતુલ કહે છે કે “મુંબઈમાં જ્યારે આ ફિલ્મ હજુ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં હતી, ત્યારે ફિલ્મના ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કરનો મને ફોન આવ્યો અને જયેશભાઈના લૂક માટે પ્રયાસો છતાં કંઈ જોઈતું ન મળવાની વાત કહી અને મને પણ આ વિશે કામ કરવા કહ્યું હતું.”

તેમણે કહ્યું કે, “મારા આપેલા સજેશન્સ અને લૂક ટેસ્ટ તેમને ગમ્યા હતા. ત્યાર બાદ મેં મુંબઈ આવી કોન્ટ્રેક્ટ સાઇન કર્યો. અમે સૌપ્રથમ શાલિની પાંડેનો લૂક નક્કી કર્યો અને ત્યાર બાદ બાકીના પાત્રોના લૂક પર કામ કર્યું હતું.”

આ રીતે તૈયાર થયો જયેશભાઈનો જોરદાર લૂક

“હું અને મારી ટીમ એક અઠવાડિયું મુંબઈ અને એક અઠવાડિયું અમદાવાદમાં કામ કરતાં હતાં, જ્યારે જયેશભાઈના લૂક પર અમે કામ કરી રહ્યા હતા, ત્યારે અમે લગભગ ૧૨૦૦થી વધુ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા અને બાદમાં આ પાત્ર માટે રણવીર સિંહનો લૂક ફાઇનલ કરવામાં આવ્યો હતો.”

“અમે ગુજરાતના વિવિધ ગામ અને પ્રદેશમાંથી લોકોની રહેણી-કરણી અને કપડાં પહેરવાની શૈલીના ફોટો મગાવ્યાં બાદમાં ફોટોશોપની મદદથી રણવીર પર ઘણા લૂકસ ટ્રાય કરવામાં આવ્યા અને આખરે અમે આ મૂછ અને ફ્લિપ હેર સ્ટાઈલ નક્કી કરી હતી. રસપ્રદ વાત એ છે કે રણવીર સહિત તમામ કલાકારોનો આ લૂક એકદમ નેચરલ છે, કોઈ વીગ કે આર્ટિફિશિયલ મૂછનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.” હેતુલે ઉમેર્યું હતું.

નેચરલ લૂક જાળવવા કમર કસી

હેતુલ જણાવે છે કે “ફિલ્મનું શૂટિંગ લગભગ ૭૦ દિવસ ચાલ્યું હતું. આ સમય દરમિયાન રણવીર અને સાથી કલાકારોનો આ નેચરલ લૂક જાળવવો એક મોટી ચેલેન્જ હતી. ચોક્કસ સમયે માપસર કટિંગ અને શેપિંગ ઉપરાંત હેર કલર્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. નેચરલ લૂકનો ફાયદોએ થયો કે અમારી માત્ર ૭ લોકોની ટીમ હોવા છતાં અમે દરરોજ શૂટિંગ શેડ્યૂલ ફોલો કરી શક્યા અને સમયસર એક્ટર્સને તૈયાર કરી શક્યા હતા. કારણ કે અમારે દરરોજ મેકઅપ માટે કલાકો વેડફવા પડતાં ન હતા.”

નૉ મેકઅપ લૂક પણ મેકઅપ

હેતુલની ખાસિયત એ છે કે તે ‘નૉ મેકઅપ લૂક બટ મેકઅપ’માં માને છે. તે કહે છે કે “પાત્રોને ભપકાદાર મેકઅપ કરવાની જગ્યાએ એકદમ સામાન્ય અને અનુકૂળ મેકઅપ કરવો જોઈએ કારણકે જ્યારે પાત્ર વાર્તા કહે ત્યારે દર્શકો તેની આ વાર્તા સાથે જોડાય તે જરૂરી છે. તેમાં આ ફોર્મ્યુલા ખૂબ જ અસરકારક છે. તમે મેં કામ કર્યું હોય તેવી કોઈપણ ફિલ્મ જોશો તો લગભગ દરેક પાત્ર ખૂબ જ સામાન્ય મેકઅપમાં હોય છે અને તેથી જ તે પાત્ર ખૂબ જ નેચરલ લાગે છે.”

મેકઅપ આર્ટિસ્ટ હેતુલ તપોધન

કેવો રહ્યો અનુભવ?

જયેશભાઈ જોરદારમાં કામ કરવાના અનુભવ વિશે હેતુલે કહ્યું કે “મને ખૂબ જ મજા પડી. યશ રાજ ફિલ્મ્સ જેવા મોટા પ્રોડક્શન પાસે મેકઅપ આર્ટિસ્ટની ખૂબ જ મોટી ટીમ છે, તેમ છતાં માત્ર ૭ લોકોની ટીમ સાથે અમે આ ફિલ્મ પૂરી કરી શક્યા એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ઉપરાંત પ્રોડક્શન હાઉસને પણ આ મામલે અચરજ થયું હતું અને અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.”

“આ દરમિયાન મને મારા પરિવાર તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. ઉપરાંત મારા ખાસ મિત્ર આર્ટ ડિરેક્ટર જય શિહોરાએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો હતો. જયેશભાઈના લૂક માટે એમ જે તમામ ગ્રાફિક્સ બનાવ્યા હતા એ જયે બનાવ્યા છે. હું જ્યારે મુંબઈમાં હતો ત્યારે હું કોઈ લેપટોપ કે ટેબ કંઈ સાથે લાવ્યો ન હતો. તેથી અહીં જે અમે કામ કરતાં તેના રેફરન્સ હું અમદાવાદમાં જયને મોકલતો અને ત્યાર બાદ તે ગ્રાફિક તૈયાર કરતો.” તેમણે કહ્યું હતું.

સ્ક્રિપ્ટ પૂરેપૂરી ખબર હોય તે અત્યંત જરૂરી

આટલા વર્ષોનો પોતાનો અનુભવ વહેંચતા હેતુલ કહે છે કે “હું મારી આ જર્નીમાં એક વસ્તુ વિશેષરૂપે શીખ્યો છું કે તમે જે ફિલ્મમાં કામ કરો છો તેની સ્ક્રિપ્ટ તમને ખબર હોવી જોઈએ. સ્ક્રિપ્ટ વાંચ્યા વગર મેકઅપ, કૉસ્ચ્યુમ, આર્ટ કે કોઈપણ ડિપાર્ટમેન્ટે કામ ન કરવું જોઈએ. ફિલ્મ લોકેશન મુજબ શૂટ થતી હોય છે તેથી એકાદ સીનમાં અભિનેતા શું ભજવી રહ્યો છે, તેની માહિતી આર્ટિસ્ટ તરીકે તમને હોવી જોઈએ અને માહિતી મેળવવા પૂરેપૂરી સ્ક્રિપ્ટ વાંચવી અત્યંત જરૂરી છે.”

થિએટર-સિનેમામાં મેકઅપનું શું મહત્ત્વ છે?

આ સમગ્ર લેખ વાંચ્યા બાદ તમને જો પ્રશ્ન થાય કે થિએટર-સિનેમામાં મેકઅપનું એવું તે શું મહત્ત્વ છે તો તેનો જવાબ પણ હેતુલે આપ્યો છે. હેતુલ કહે છે કે “થિએટર અને સિનેમા બંને જ જુદા માધ્યમ છે. થિએટરમાં રંગમંચ પર હેવી લાઇટ વચ્ચે પાત્ર ભજવતા કલાકારના હાવભાવ છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિ પણ નિહાળી શકે તે હેતુ સાથે લાઉડ મેકઅપ કરવામાં આવે છે, જ્યારે સિનેમામાં વિવિધ કેમેરાની ટેક્નોલોજી અને લાઇટિંગને ધ્યાનમાં રાખીને પાત્ર સ્ક્રીન પર નેચરલ લાગે તે હેતુ સાથે યોગ્ય મેકઅપ કરવામાં આવે છે.”

અર્બન ગુજરાતી ફિલ્મ અને બોલીવૂડની કાર્યશૈલીમાં શું તફાવત તમે નોંધ્યો?

આ પ્રશ્નનો જવાબ આપતા હેતુલ કહે છે કે “અર્બન ગુજરાતી ફિલ્મ અને બોલીવૂડની કાર્યશૈલીમાં ઘણો મોટો તફાવત છે અને તમામનું મૂળ કારણ જોઈએ તો બજેટ છે. બોલીવૂડ પાસે પ્રયોગ કરવા માટે    ઘણું બજેટ છે, કારણ કે હિન્દી સિનેમા જોનારો વર્ગ મોટો છે, તેથી પ્રોડ્યુસર જાણે છે કે તેને ફિલ્મ બનાવવાની કિંમત તો સરળતાથી પાછી મળી જશે અને તેથી જ અહીં સાધનસંપતિની અછત નથી, જે બજેટમાં ગુજરાતી ફિલ્મો બને છે તે બજેટમાં બોલીવૂડમાં માત્ર સેટ તૈયાર થાય છે. તેનો એક મહત્ત્વનો ફાયદોએ થાય છે કે જોઈતી ચીજવસ્તુ ખૂબ જ સરળતાથી મળી જાય છે.”

11 May, 2022 03:02 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કૅટરિના કૈફ એકદમ પ્રોફેશનલ છે : વિજય સેતુપતિ

‘મેરી ક્રિસમસ’ માટે શ્રીરામે અદ્ભુત ટીમ રાખી છે. એનું ફાઇનલ આઉટપુટ કેવું આવે છે એ જાણવા હું આતુર છું. દર્શકોને આ કૉમ્બિનેશન ગમશે.’

27 May, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીઅરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યા હતા તાપસીએ

તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તને શું કામ એમ લાગે છે કે મહિલાઓની સિદ્ધિઓ પર ક્યારેક જ ધ્યાન આપવામાં આવે છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘પૅન-ઇન્ડિયા કલાકારોના કન્સેપ્ટ વિશે ત્યારે જાગૃત થયા જ્યારે હીરોએ આ ભાષાના બંધનને તોડ્યું હતું.

27 May, 2022 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નુસરતને પગમાં શું થયું?

આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર કમેન્ટ કરી રહ્યા છે કે તે હાઈ હીલ્સ પહેરે છે અને એથી આવી તકલીફ ઊભી થઈ છે. જોકે તેની ઈજાનું ખરું કારણ નથી જાણવા મળ્યું.

27 May, 2022 04:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK