અજય દેવગન અને રોહિત શેટ્ટી ફિલ્મની રિલીઝને ડિલે કરે એવી ચર્ચા છે
‘પુષ્પા 2’
રોહિત શેટ્ટી અને અજય દેવગન તેમની ‘સિંઘમ અગેઇન’ની ટક્કર ‘પુષ્પા 2’થી ટાળે એવી ચર્ચા છે. ‘પુષ્પા 2’ને લઈને સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મને ૨૦૨૪ની પંદર ઑગસ્ટ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. આ જાહેરાતની સાથે ‘પુષ્પા 2’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ની ટક્કર થવાની હતી. રોહિત અને અજય દેવગને ઘણા સમય પહેલાં આ ફિલ્મને પંદર ઑગસ્ટ દરમ્યાન રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે અજય દેવગનની ફિલ્મની રિલીઝ લંબાવવામાં આવે એવી ચર્ચા છે. ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે આ બે ફિલ્મ ખૂબ જ ફેમસ છે અને જો એ સાથે રિલીઝ કરવામાં આવે તો બૉક્સ-ઑફિસને નુકસાન થઈ શકે છે. રોહિત અને અજય દેવગન બન્નેમાં ઈગો નથી અને તેમને તેમની ફિલ્મને શિફ્ટ કરવામાં કોઈ વાંધો નથી. જોકે એવી પણ ચર્ચા છે કે અલ્લુ અર્જુનની ફિલ્મને એ સમયે રિલીઝ કરવામાં આવી રહી હોવાથી તેઓ નારાજ જરૂર થયા છે. તેમનું માનવું છે કે ‘પુષ્પા 2’ માટે ફેસ્ટિવલની ડેટ ફાયદાકારક થઈ શકે છે, જ્યારે તેમની ફિલ્મ અને બ્રૅન્ડ એવી છે કે તેમને કોઈ તહેવારની જરૂર નથી. આથી તેઓ રાજીખુશીથી ડેટને શિફ્ટ કરવા તૈયાર હોવાની વાતો બહાર આવી રહી છે. ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ બહુ જલદી શરૂ કરવામાં આવશે.