રાજકુમાર રાવ કહે છે કે અમે માનીએ છીએ કે આ પ્રકારના નાનકડા પ્રયાસથી ઇક્વલિટીની શરૂઆત થતી હોય છે
રાજકુમાર રાવ અને પત્રલેખા
રાજકુમાર રાવ અને પત્રલેખાની ગણતરી પ્રેમાળ દંપતી તરીકે થાય છે. તેઓ એક દાયકાથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા પછી ૨૦૨૧ની ૧૫ નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયાં હતાં.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં પત્રલેખાએ તેમની રિલેશનશિપની ખાસ વાત જણાવતાં કહ્યું હતું કે અમે બહુ પહેલાંથી નક્કી કરી લીધું હતું કે અમારા સંબંધના કેન્દ્રમાં ઇક્વલિટી અને પરસ્પર પ્રત્યેના આદરની લાગણી હશે. પતિ રાજકુમાર સાથેના બૉન્ડ વિશે જણાવતાં પત્રલેખાએ જણાવ્યું હતું કે અમે શરૂઆતથી નક્કી કરી લીધું હતું કે કામ નાનું હોય કે મોટું, અમે સાથે મળીને કરીશું. હવે તેમની આ સમજણ એટલી વિકસી છે કે તેઓ રસોઈ બનાવવી, કપડાં ધોવાં કે વાસણ સાફ કરવા જેવાં કામ પણ સાથે મળીને કરે છે.
ઇન્ટરવ્યુમાં પતિ સાથેના સમીકરણ વિશે વાત કરતાં પત્રલેખાએ કહ્યું કે ‘રાજકુમારને બધું ઑર્ગેનાઇઝ્ડ હોય એ ગમે છે. તેને નાનામાં નાની વસ્તુ ક્યાં છે એની ખબર હોય છે. મને રસોઈ કરવાનું ગમે છે અને રાજકુમાર વાસણ ધોઈને મને ટેકો આપે છે. પાર્ટનરશિપની ખાતરી કરાવતો આ નાનકડો પ્રયાસ અમને એકબીજાની નજીક લાવે છે.’
ADVERTISEMENT
પત્નીની વાતમાં સૂર પુરાવતાં રાજકુમાર કહે છે, ‘અમારી રિલેશનશિપમાં અમે માનીએ છીએ કે નાનકડા પ્રયાસથી જ ઇક્વલિટીની શરૂઆત થાય છે. પત્રલેખા રસોઈ બનાવે છે તો હું વાસણ સાફ કરી નાખું છું. તે જ્યારે ઘરમાં ન હોય ત્યારે હું ઘરનાં કામ કરી લઉં છું. અમે કામની કોઈ ગણતરી નથી રાખતાં, બસ એકમેકને ટેકો આપીએ છીએ.’

