Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જેની પાસે તહેવાર ન હોય એ ડે ઊજવે એટલી સાદી સમજણ કેમ કોઈ વાપરતું નથી

જેની પાસે તહેવાર ન હોય એ ડે ઊજવે એટલી સાદી સમજણ કેમ કોઈ વાપરતું નથી

25 July, 2020 09:15 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જેની પાસે તહેવાર ન હોય એ ડે ઊજવે એટલી સાદી સમજણ કેમ કોઈ વાપરતું નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં દિવસો ઊજવવામાં આવે છે. મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલેન્ટાઇન્સ ડે અને એવા તો કેટલાય ડે જેમાંથી કેટલાક ફાલતુથી પણ દસ ગણા ફાલતુ કહેવાય એવા ડે છે. આ ફાલતુ ડેમાંથી કેટલાક ડેનો તો જન્મ પણ શું કામ થયો એની પણ કોઈને ખબર નહીં હોય, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ દિવસો ઊજવતી નવી જનરેશન હવે એ સ્તરે ડે-મય બની ગઈ છે કે તેને એ દિવસ માત્ર ઊજવવો છે પેલા ફેસબુક પર લખવા માટે અને વૉટ્સઍપનું ડીપી સેટ કરવા માટે. બસ, તેમને માત્ર દુનિયાને દેખાડવું છે કે અમે આ દિવસ સેલિબ્રેટ કર્યો. આ દેખાડવાની જે માનસિકતા છે એ એવા સ્તરે હવે પહોંચી ગઈ છે કે તેઓ દેખાડાની દુનિયામાં જીવવા માંડ્યા છે. મહિના પહેલાં ફાધર્સ ડેનું સેલિબ્રેશન થતું હતું એ દિવસે ફેસબુક પર એક લટાર મારી ત્યારે મને ખરેખર એ લટાર દરમ્યાન એ જ વિચાર આવતો હતો કે જો આ બાપ સૌને આટલો જ વહાલો હોય તો પેલા વૃદ્ધાશ્રમો તો ખાલીખમ થઈ જવા જોઈએ. મધર્સ ડેના દિવસે પણ એવું જ બન્યું હતું. કોઈનું પણ વૉટ્સઍપ ડીપી જુઓ તો એવું જ લાગે કે ભાઈ જગતભરનો માતૃપ્રેમ તો અહીં જ છલકાઈ રહ્યો છે. ફક્ત ડીપી જ શું કામ, મેસેજમાં પણ એવું જ હતું. માને લગતો એક સારો મેસેજ વાંચ્યો કે તરત જ એ મેસેજ ફૉર્વર્ડ કરી દીધો હોય. આખો દિવસ, ઑલમોસ્ટ ૨૪ કલાક એ મેસેજમાં જ પસાર થયો હતો અને એમાં જ આ દિવસ પૂરો થયો હતો.

દિવસ પૂરો થતો હતો ત્યારે એ પણ વિચાર આવતો હતો કે એક વખત વૃદ્ધાશ્રમમાં જઈને લટાર મારી આવવી જોઈએ કે આજે કેટલા દીકરા આ માને અને આ બાપને મળવા માટે આવ્યા. કદાચ એક ટકા દીકરામાં પણ એ કામ કરવાની હિંમત નહીં હોય અને એવું નહીં થવા પાછળનું કારણ પણ એ જ હશે કે એ બધા ઘરમાં ઊજવાઈ રહેલા ફાધર્સ અને મધર્સ ડેમાં બહુ બિઝી હશે. નવી પેઢીની કોઈ વાતને અવગણવી નહીં એવું હું આ જ જગ્યાએથી કહી ચૂક્યો છું અને એ શબ્દોને આજે પણ વળગી રહ્યો છું, પણ સાથોસાથ એ વાત પણ કહું છું કે ડે ઊજવવામાં રત થઈ ગયેલી આ પેઢીને ખરેખર એમાંથી બહાર કાઢીને વાસ્તવિકતા વચ્ચે લઈ આવવાની જરૂર છે. ફાધર્સ ડેનો મેસેજ ફૉર્વર્ડ કરતી વખતે જો ભૂલથી પણ બાપ બિચારો બોલાવી લે તો દીકરો છણકો કરી નાખે અને મધર્સ ડેનું ડીપી સેટ કરતી વખતે જો મા જમવા માટે એક વખત વધારે રાડ પાડે તો દીકરાની કમાન છટકી જાય. શરમજનક અવસ્થા આવી ગઈ છે. આ શરમજનક અવસ્થા હવે વાસ્તવિકતા બની જાય એ પહેલાં ચેતી જવાની જરૂર છે. આમાં ચેતવાની જરૂર પેલી ડે-જનરેશનની છે, જે સવારથી જ આજે કયો દિવસ ઊજવવો એના વિચારોમાં લાગેલી રહી છે. યાદ રાખજો કે આ ડે-કલ્ચર એનું છે જેમની પાસે કોઈ તહેવાર નથી. જુઓ તમે અમેરિકા, જુઓ તમે યુરોપ, આ એવા દેશો છે જે દેશો પાસે તહેવાર નામે કશું નથી, કશું નથી અને એટલે જ આ ડે-કલ્ચર તેમનું જીવન છે. તમારી પાસે તમારી સમૃદ્ધિ છે, તમારી પાસે તમારું કલ્ચર છે અને એ કલ્ચર પાસે એના તહેવારો છે. જો તમે ઇચ્છતા હો કે તમારું કલ્ચર તમારું રહે તો ઍટ લીસ્ટ બીજા કોઈના કલ્ચરને તમારી લાઇફમાં એન્ટર નહીં કરો.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2020 09:15 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK