Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીતી રહે સલ્તનત તેરી જીતી રહે આશિકી મેરી

જીતી રહે સલ્તનત તેરી જીતી રહે આશિકી મેરી

09 April, 2021 12:50 PM IST | Mumbai
RJ Dhvanit Thaker

ભગવાનને લાંચ આપવાથી માંડીને આશીર્વાદ આપવાનું કામ જે પ્રકારે ઇર્શાદ કામિલે કર્યું છે એ અદ્ભુત છે. જો માનવામાં ન આવતું હોય તો એક વખત ફુલ વૉલ્યુમ સાથે ‘લવ આજકલ’નું ‘અજ્જ દિન ચઢેયા...’ સાંભળી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બક્ષા ગુનાહોં કો

સુન કે દુવાઓં કો



રબ્બા પ્યાર હૈ


તૂને સબ કો હી દે દિયા

 


મેરી ભી આહોં કો

સુન લે દુવાઓં કો

મુઝકો વો દિલા મૈંને જિસકો હૈ દિલ દિયા

 

આસ વો પ્યાસ વો

ઉસકો દે ઇતના બતા

વો જો મુઝકો દેખ કે હંસે

પાના ચાહૂં રાત દિન જિસે

 

રબ્બા મેરે નામ કર ઉસે

તૈનુ દિલ દા વાસ્તા

ફિલ્મ ‘ગુલામી’માં એક સીક્વન્સ છે.

રાજસ્થાનના રેગીસ્તાનમાં વણજારાના પહેરવેશમાં અનીતા રાજ અને બે ખિસ્સાવાળા લાંબી બાંયના બૉટલ-ગ્રીન બુશકોટમાં સજ્જ પાતળી મૂછવાળો મિથુન ચક્રવર્તી એક બસના છાપરે બેઠાં-બેઠાં ગીત ગાય છે, ‘જે-હાલ-એ-મિસ્કીન...’ જો તમે ઑડિયો આલબમ કે પછી રેકૉર્ડ પર જોશો તો તમને ટાઇટલ પણ આ જ વાંચવા મળશે, ‘જે-હાલ-એ-મિસ્કીન.’

અમીર ખુસરોના એક શેર પરથી પ્રેરણા લઈને આપણા ફેવરિટ ગુલઝારસાહેબે ‘ગુલામી’નું આ સૉન્ગ લખ્યું હતું. અમીર ખુસરોનો એ શેર હતો,

જે-હાલ-એ મિસ્કીં મકુન તગાફુલ, દુરાય નૈના બનાય બતિયાં

કિતાબેં હિજરાં, ન દારમ એ જાં, ન લેહુ કાહે લગાય છતિયાં

સામે ગુલઝારસાહેબે શું લખ્યું...

‘જે-હાલ-એ મિસ્કીન મકુન-બ-રંજિશ

બહાલ-એ હિબ્ર બેચારા દિલ હૈ

સુનાઈ દેતી હૈ જિસકી ધડકન

તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ...’

દરેક કવિના મન પર તેણે કવિતાના ગુલિસ્તાનની લટાર મારતાં-મારતાં સૂંઘેલાં બેનમૂન ફૂલોની ખુશ્બૂની અસર હોય જ છે. વર્ષો પહેલાં ખીલેલાં કાવ્યપુષ્પોની સુગંધમાંથી કવિનું મન રસ ઘૂંટી-ઘૂંટીને નવું અત્તર બનાવે છે અને ભાવકના મન પર પડેલા એના છાંટા એકધારી સુવાસ પ્રસરાવવાનું કામ કરે છે. જેમ ગુલઝારસાહેબે અમીર ખુસરોના શેરમાં પોતાના શબ્દો ઉમેરીને લક્ષ્મીકાંત-પ્યારેલાલના મ્યુઝિકમાં તૈયાર થયેલા શબ્દો વહેતા મૂક્યા એવી જ રીતે ઇર્શાદ કામિલે ‘લવ આજકલ’માં કામ કર્યું અને લખ્યું ‘અજ્જ દિન ચઢેયા...’

સુપરહિટ સૉન્ગ. આજે પણ જો ક્યાંય વાગતું સાંભળો તો ક્ષણવાર માટે તમારા હાથ કે પગ અટકી જાય. આંખો સામે તમારી ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડનો ચહેરો આવી જાય અને ચહેરા પર સહેજ આછુંસરખું સ્માઇલ. મનમાં રોમૅન્સ ભરી દે અને દિલમાં પ્રેમની બૌછાર કરી દે એવા આ સૉન્ગની વાત હવે આપણે કરવાના છીએ.

‘અજ્જ દિન ચઢેયા...’ ગીતનું આ મુખડું પંજાબના જાણીતા કવિ શિવકુમાર બટાલવીના ગીત પરથી લેવામાં આવ્યું છે. ગુલઝાર અને અમૃતા પ્રીતમ બન્ને શિવકુમાર બટાલવીનાં ચાહકો, જબરદસ્ત ફૅન એમ કહું તો પણ ચાલે. કવિ શિવકુમારને જાણીતા પંજાબી લેખક ગુરુબક્ષસિંહ પ્રીતલાદીની અત્યંત સુંદર દીકરી સાથે પ્રેમ થયો, પણ જુદી કાસ્ટના હોવાને કારણે તેમનાં લગ્ન શક્ય બન્યાં નહીં. બન્યું એ જ જે અગાઉ બનતું. છોકરીને યુકેના સિટિઝન સાથે જબરદસ્તીથી પરણાવી દેવામાં આવી અને બટાલવીને પ્રણયભંગનું આજીવન દર્દ મળ્યું. બટાલવી દારૂની લતે લાગ્યા અને શરાબમાં સહારો શોધતાં-શોધતાં તેમણે અદ્ભુત પંજાબી કાવ્યો આપ્યાં. ‘વાહ’ અને સાથોસાથ ‘આહ’ પણ નીકળી જાય એવાં એ અદ્ભુત પંજાબી કાવ્યોમાંનું એક જબરદસ્ત પૉપ્યુલર ગીત એટલે ‘અજ્જ દિન ચઢેયા...’ ઓરિજિનલની થોડી લાઇન વાંચો તમે.

અજ્જ દિન ચઢેયા તેરે રંગ વરગા

તેરે ચુમન પીછલી સંગ વરગા

હૈ કિરના દે વિચ નશા જેહા

કિસે છીબે સપ્પ દે ડંગ વરગા

અજ્જ દિન ચઢેયા તેરે રંગ વરગા

પંજાબી તો આપણને આવડે નહીં, પણ સંગીતને કોઈ ભાષા હોતી નથી. એ તો ભાવનાનો વિષય છે. બટાલવી કહે છે કે આજે જે દિવસ ઊગ્યો છે એ ડિટ્ટો તારા રંગ જેવો છે. તને પહેલી વાર ચૂમ્યા પછીના એ સંગ જેવો છે અને આ સૂરજનાં કિરણો નશો ચડાવે છે, અદ્દલોઅદ્દલ કોઈ ઝેરી સાપના ડંખ જેવો...

તમે કોઈ પણ પંજાબી અંકલ-આન્ટીને પૂછી જુઓ કે તેમણે આ ગીત સાંભળ્યું છે તો જવાબ હા અને માત્ર હામાં જ મળે.

ગેરન્ટી.

બટાલવીના આ ગીતના મુખડાથી પ્રેરાઈને શાયર ઇર્શાદ કામિલે નવું ગીત લખ્યું અને આખા ગીતનો રંગ જ બદલી નાખ્યો. રંગ બદલવામાં તેમને સાથ મળ્યો મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમનો અને એ રંગમાં નશો ભરવાનું કામ કર્યું રાહત ફતેહ અલી ખાનસાહેબે. તેમનો ઘૂંટાયેલો અવાજ, ઇર્શાદના હૈયું ચીરી નાખે એવા શબ્દો અને એ બન્નેના કામને વધારે સરળ કરે એવું કામ કરે છે પ્રીતમનું મ્યુઝિક.

‘લવ આજકલ’નું આ આખેઆખું ગીત તમે સાંભળો તો પણ તમારા ધ્યાનમાં એક વાત ન આવે અને એ વાત છે ગીત જેને સંબોધીને લખવામાં આવ્યું છે. આ આખું ગીત ઈશ્વરને, ભગવાનને સંબોધીને લખવામાં આવ્યું છે. ખુદાની સાથે વાત કરતાં-કરતાં હીરો કહે છે, ‘હે ભગવાન, આ તારા જ રંગમાં રંગાયેલો દિવસ ઊગ્યો છે. રબ્બા આ તારો રંગ છે, તારો રંગ એટલે શુદ્ધ પ્રેમનો રંગ અને આ દિવસ, કેમેય કરીને ઢળતો નથી, પૂરો થતો નથી. સંધ્યા થતી નથી. હું સતત જેના પ્રેમમાં ઓતપ્રોત છું એ મને હંમેશ માટે મળી જાય એવી ખ્વાહિશ છે. તને અરજ કરું છું કે મારું અને હું જેમાં તારી ખુદાઈ જોઉં છું એવા મારા એ મારા પ્રિય પાત્રનું મિલન થાય. કર કંઈક એવું કે મારી આ અરજ પૂરી થાય.’

આપણો હીરો ખુદાને દોસ્તીદાવે દુહાઈ પણ આપે છે કે ‘મારી મનોકામના તું પૂરી કર, તને દિલની દુહાઈ છે... દુનિયાની બીજી બધી પળોજણ – માયા, ઇચ્છાઓ છોડીને હું સાચા પ્રેમના, સાચી મોહબ્બતના શરણે આવ્યો છું. મારી આંખે તેં આ સપનું આંજ્યું હતું, હવે આ જ આંજેલાં સપનાં સાકાર કરી દે, ‘તૈનુ દિલ દા વાસ્તા...’

મનમાં રોમૅન્સ જગાડતા, પ્રેમની બૌછાર કરી દેતા આ ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ગીત રોમૅન્ટિક નથી. ના, બધા એને રોમૅન્ટિક ટ્રૅક તરીકે જ જુએ છે, પણ હકીકત એ છે કે આ આખા ગીતમાં પ્રાર્થના છે, આજીજી છે, વિનવણી છે, કાકલુદી છે. આ વિલાપ છે, ઈશ્વરને પોકાર છે. ઈશ્વર સાથે એકપક્ષી વાર્તાલાપ છે. એમાં રિક્વેસ્ટ પણ છે તો બીજી તરફ ભક્તનો ભગવાનને અધિકારભર્યો હુકમ પણ છે. હદ તો ત્યાં છે જ્યારે પોતાના પ્રેમને ખાતર ખુદાને ખખડાવી પણ નાખે છે અને પછી ભગવાનને ટોન્ટ પણ મારે છે અને છેલ્લે ભક્ત ભગવાનને આશીર્વાદ આપે એવું હિન્દી ફિલ્મ સંગીતમાં જ નહીં, ઇતિહાસમાં પણ કદાચ પહેલી વાર થયું હશે! જુઓ...

જીતી રહે સલ્તનત તેરી

જીતી રહે આશિકી મેરી

દેદે મુઝે જિંદગી મેરી

તૈનુ દિલ દા વાસ્તા

ગીતની વાત આગળ વધારીશું હવે આપણે આવતા શુક્રવારે પણ ભુલાય નહીં, ટ્યુન ઑન ફ્રાઇડે...

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2021 12:50 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK